top of page
Writer's pictureGTU

GTU New VC takes charg

જીટીયુમાં એન્જીનિયરીંગ, મેનેજમેન્ટ અને ફાર્મસીના અત્યાધુનિક રિસર્ચ સેન્ટરો સ્થપાશે

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના વાઈસ ચાન્સેલર તરીકેનો ચાર્જ સંભાળનાર પ્રો.(ડૉ.) નવીન શેઠે જીટીયુને યુજીસીની ગ્રાન્ટ મળતી થાય તેના માટે શ્રેણીબદ્ધ પગલાં લેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. તેમણે જીટીયુને ટોપ રેન્ક ધરાવતી વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટી બનાવવાનો સંકલ્પ આજે જાહેર કર્યો હતો.

ચાંદખેડા કેમ્પસમાં ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર ડૉ. રાજુલ ગજ્જર પાસેથી ચાર્જ સ્વીકારતી વખતે ડૉ. શેઠે પત્રકારોને સંબોધન કર્યું હતું. તેમણે વધુમાં એવી માહિતી પણ આપી હતી કે જીટીયુમાં આગામી સમયમાં રિસર્ચ પર ખાસ ભાર મૂકવામાં આવશે. તેના માટે સરકારશ્રીએ ફાળવેલા રૂ. 100 કરોડની ગ્રાન્ટમાંથી અત્યાધુનિક રિસર્ચ સેન્ટરોનું નિર્માણ કરવામાં આવશે. આ રિસર્ચ સેન્ટરોમાં એન્જીનિયરીંગ, મેનેજમેન્ટ અને ફાર્મસીના અત્યાધુનિક રિસર્ચ સેન્ટરો સ્થપાશે. જેમાં હાઈ ટેક લેબોરેટરીથી માંડીને લેટેસ્ટ ટેકનોલોજીથી સુસજ્જ ઉપકરણો મંગાવવામાં આવશે. ચાંદખેડા કેમ્પસમાં દસ-દસ માળના ચાર ટાવરો ઊભા કરીને તેમાં આ વ્યવસ્થા કરવામાં આવશે. મોટા ઔદ્યોગિક એકમો તો પોતાના ઈન-હાઉસ રિસર્ચ સેન્ટરો ધરાવે છે, પણ નાના અને મધ્યમ એકમોને જીટીયુની રિસર્ચ સુવિધાનો લાભ મળે અને તેઓની સમસ્યાઓ હલ કરી શકાય એવી વ્યવસ્થા સૂચિત રિસર્ચ સેન્ટરોમાં કરવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે સામાન્ય યુનિવર્સિટીઓ માટે જેમ નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ હોય છે તેવી જ રીતે ટેકનિકલ યુનિવર્સિટીઓ માટે નેશનલ બોર્ડ ઑફ એક્રેડિટેશન (એનબીએ) હોય છે. તેનું ગુજરાતમાં સૌપ્રથમ નોડલ સેન્ટર જીટીયુમાં સ્થપાય તેના માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એનએબી એક્રેડિટેશન મેળવવા માટેના ધોરણો કડક હોય છે. તે અંગે ફેકલ્ટી મેમ્બરોને તાલીમ આપવાની વ્યવસ્થા સૂચિત સેન્ટરમાં કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જીટીયુની કૉલેજો સાથે સંકલન સુધારવા રિજનલ સેન્ટરોને મજબૂત બનાવવામાં આવશે. જેથી નાની નાની બાબતો માટે વિદ્યાર્થીઓ તથા ફેકલ્ટી મેમ્બરોએ વારંવાર અમદાવાદ સુધી આવવું ન પડે. ભવિષ્યમાં રિજનલ સેન્ટરોમાં પ્લેસમેન્ટ ફેર યોજવાનો પણ વિચાર હોવાનો નિર્દેશ તેમણે કર્યો હતો. આવા પ્લેસમેન્ટ ફેર નિયમિતપણે યોજવામાં આવશે. વિદ્યાર્થીઓમાં રોજગારલક્ષી કૌશલ્યો વધારવા પર ભાર મૂકવામાં આવશે. તેના માટે ઉદ્યોગો સાથે સમન્વય વધારવામાં આવશે. ઉદ્યોગોને તેઓની જરૂરિયાત મુજબનો સ્ટાફ ઉપલબ્ધ બને તે દિશામાં પગલાં લેવામાં આવશે. વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યોના સિંચનની સાથે તેઓનો સર્વાંગી વિકાસ થાય એવા પ્રયાસો કરવામાં આવશે. વિદ્યાર્થીઓમાં સમાજસેવાની ભાવના વધે તેના માટે 100 પોઈન્ટ પ્રોગ્રામને મજબૂત બનાવવમાં આવશે.

યુનિવર્સિટીની માળખાકીય નવરચના કરતી વખતે એ બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવશે કે તમામ બ્રાન્ચ બરાબર વિકાસ પામે. એન્જીનિયરીંગ હોય કે મેનેજમેન્ટ, ફાર્મસી હોય કે આર્કિટેક્ચર બધી બ્રાન્ચનો એકસરખો વિકાસ થાય એવો વ્યૂહ અપનાવવામાં આવશે. જીટીયુના રેગ્યુલેશન્સ માટેનો ડ્રાફ્ટ તૈયાર થઈ ચૂક્યો છે અને કાયદાકીય નિષ્ણાતોની મદદ લઈ તેમાં સુધારાવધારા કરવામાં આવી રહ્યા છે. ત્યારબાદ તેને મંજૂરી માટે બોર્ડ ઑફ ગવર્નન્સની બેઠકમાં રજૂ કરવામાં આવશે. ગુજરાત સરકારના વિઝનથી આ યુનિવર્સિટીની રચના થઈ અને હવે નવ વર્ષ બાદ યુનિવર્સિટીના પોતાના નીતિનિયમો ઘડવામાં આવનાર છે, એમ ડૉ. શેઠે જણાવ્યું હતું. ડૉ. શેઠે જીટીયુના સ્ટાફની બેઠકને પણ સંબોધન કર્યું હતું. તે પ્રસંગે જીટીયુના બોર્ડ ઑફ ગવર્નન્સના સભ્યો – ડૉ. સી.એન.પટેલ અને શ્રી અમિત ઠાકર અને વિવિધ કૉલેજોના પ્રિન્સીપાલો તથા ડિરેક્ટરો ઉપસ્થિત હતા.

વિકાસની વ્યૂહરચનાઃ

  1. અત્યાધુનિક રિસર્ચ સેન્ટરો સ્થપાશે

  2. એનબીએનું નોડલ સેન્ટર લાવવા વિચારણા

  3. રિજનલ સેન્ટરો મજબૂત બનાવાશે

  4. ઉદ્યોગો સાથેનો સેતુ સુદૃઢ કરાશે

  5. રિજનલ પ્લેસમેન્ટ ફેર યોજાશે


img_2530-1

Comments


bottom of page