Seminar on Digital Banking and Cashless Payment for NSS Volunteers
- GTU
- Dec 5, 2016
- 2 min read
અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સહિતની ચાર યુનિવર્સિટીઓના નેશનલ સર્વિસ સ્કીમ (એનએસએસ) સાથે સંકળાયેલા 1500 વિદ્યાર્થીઓ 1610 ગામડાઓને દત્તક લઈ તેમાં ડિજીટલ બૅન્કીંગ અને કેશલેસ પેમેન્ટ વિશે જનજાગૃતિ ફેલાવશે. ગાંધીનગરના ટાઉનહૉલમાં એનએસએસના વિદ્યાર્થીઓને ત્રણ બૅન્કોના વરિષ્ઠ અધિકારીઓ તરફથી આ બાબતની તાલીમ આપવામાં આવી હતી. તે કાર્યક્રમનું બાઈસેગના માધ્યમથી જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેનો લાભ આશરે એક કરોડ વિદ્યાર્થીઓ તથા પ્રાધ્યાપકોએ રાજ્યભરમાં લીધો હતો.
બૅન્કોના અધિકારીઓએ એનએસએસના વિદ્યાર્થીઓને રોકડ રકમ વિના કેવી રીતે વ્યવહાર કરી શકાય તેના માટે ત્રણ પ્રકારના કાર્ડ, ઈન્ટરનેટ બૅન્કીંગ તથા મોબાઈલ બૅન્કીંગ વિશે સરળ ભાષામાં સમજ આપી હતી. નજીકના ભવિષ્યમાં ઈમિજીયેટ પેમેન્ટ સર્વિસ અમલમાં મૂકવામાં આવશે. યુએસએસડી વડે એસએમએસથી નાણાં કેવી રીતે ટ્રાન્સફર થઈ શકશે તેની માહિતી પણ તાલીમ માટેના આ સેમિનારમાં આપવામાં આવી હતી. ટૂંકસમયમાં આધાર કાર્ડ વડે રકમ ચૂકવી શકાય એવી વ્યવસ્થા કરવામાં આવનાર હોવાની માહિતી આ કાર્યક્રમમાં આપવામાં આવી હતી. તે ઉપરાંત ઈ-વૉલેટ, માઈક્રો એટીએમ તથા પોઈન્ટ ઑફ સેલ મશીનો વિશેની જાણકારી પણ સેમિનારમાં આપવામાં આવી હતી.
રાજ્યના શિક્ષણ પ્રધાન શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત જીટીયુ એનએસએસના વિદ્યાર્થીઓએ કરેલી કામગીરીને વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મન કી બાત કાર્યક્રમમાં બિરદાવવામાં આવી તે બદલ અભિનંદન આપ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું હતું કે સમાજસેવાની સુવાસ ફેલાવવામાં આ સહયોગ આપવા બદલ હું તમને બધાને સલામ કરૂં છું. તમે બધા દેશની મૂડી છો અને દેશ બદલ રહા હૈ – ની વર્તમાન સ્થિતિમાં તમે બધા સહભાગી બનો એમ હું ઈચ્છું છું. તમારી કારકિર્દીના ઘડતરમાં ગુજરાત સરકાર આવશ્યક તમામ પ્રકારનો ટેક પૂરો પાડશે. ભારત ભવિષ્યમાં વિશ્વગુરૂ બનશે અને તેના માટે ભારતે દુનિયાના મુખ્ય પ્રવાહમાં જોડાવું જ પડશે. વિદેશમાં ડિજીટલ વ્યવહાર જ ચાલે છે, તે આપણે બધાએ અપનાવવું જ પડશે. ગ્રામવાસીઓને ડિજીટલ વ્યવહાર વિશે સમજાવવામાં યુવાપેઢી ભાગીદાર બની તે બદલ તેમણે વિદ્યાર્થીઓનો આભાર માન્યો હતો. આ પ્રસંગે રાજ્યના શિક્ષણ અગ્ર સચિવ અંજુ શર્મા અને ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી એ.જે. શાહે પ્રાસંગિક વક્તવ્યો આપ્યા હતા.



Comments