top of page
  • Writer's pictureGTU

Stress Free Program

જીટીયુના વિદ્યાર્થીઓને પરીક્ષામાં સ્ટ્રેસ ઘટાડવા રાજકોટના નિષ્ણાતોની સલાહ

તમારી ક્ષમતાઓને ધીમે ધીમે વધારો, અચાનક ખૂબ ઊંચો કૂદકો ન લગાવો

  1. રૂક જાના નહિ તુ કહીં હાર કે કાંટો પે ચલકે મીલેંગે સાયે બહાર કે…

  2. પરિવાર, સમાજ અને દેશને તમારા પ્રત્યે ઘણી અપેક્ષાઓ અને ઉજ્જ્વળ ભવિષ્યની આશા છે, તેને સાકાર કરવા અનુરોધ

  3. ટેન્શન વાયોલિનના તાર જેવું હોય છે, માપસર તણાવ હોય તો મીઠો અવાજ નીકળે, વધારે પડતો તણાવ હોય તો તુટી જાય

  4. પરીક્ષાઓ પૂર્વે વિદ્યાર્થીઓને માનસિક તાણથી રાહત આપવા નિષ્ણાતોએ આપી વિવિધ પ્રકારની ઉપયોગી ટીપ્સ

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના અમુક સેમેસ્ટરની પરીક્ષા ચાલુ છે અને અમુક સેમેસ્ટરની પરીક્ષાઓ થોડા દિવસોમાં શરૂ થવાની છે, ત્યારે વિદ્યાર્થીઓને માનસિક તાણથી રાહત આપવા પાંચમી એપ્રિલે અમદાવાદના ચાંદખેડા કેમ્પસમાં યોજાયેલા એક કાર્યક્રમમાં નિષ્ણાતોએ વિવિધ ઉપયોગી ટીપ્સ આપી હતી. તેઓએ પરીક્ષા દરમિયાન સ્ટ્રેસ કેવી રીતે ઘટાડી શકાય તેની ઘણી મહત્ત્વની માહિતી વિદ્યાર્થીઓને આપી હતી. કાર્યક્રમમાં લગભગ 175 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો. (ડૉ) નવીન શેઠની પ્રેરણાથી યોજાયેલા આ કાર્યક્રમ માટે રાજકોટથી ખાસ આવેલા મોટીવેશન એક્સપર્ટ પ્રો. (ડૉ) આલોક ચક્રવાલ અને જીટીયુના એસોસિયેટ ડીન ડૉ. દિલીપ આહિરે વિદ્યાર્થીઓને પરીક્ષામાં અને જીવનના અન્ય તબક્કાઓમાં માનસિક તાણથી કેવી રીતે રાહત મળી શકે તેની રસપ્રદ જાણકારી આપી હતી. કાર્યક્રમના પ્રારંભે જીટીયુના રજીસ્ટ્રાર ડૉ. બિપીન જે. ભટ્ટે સ્વાગત પ્રવચનમાં વિદ્યાર્થીઓને મહાત્મા ગાંધી, કાકાસાહેબ કાલેલકર, વીર સાવરકર વગેરે જેવા મહાપુરૂષોની આત્મકથા વાંચવા અને તેમાંથી પ્રેરણા મેળવવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે બારમા ધોરણની પરીક્ષા પછી કોઈપણ વ્યક્તિ જીવનમાં રોજેરોજ પરીક્ષા આપવી પડે છે. બિનજરૂરી વધારે પડતા વિચારો ન કરો, જીવનના દરેક તબક્કામાં સંભાળીને ચાલો અને સખત મહેનત કરો તો તમને સફળતા અવશ્ય મળશે.

તમારો સ્ટ્રેસ બીજા પર ટ્રાન્સફર ન કરો

ડૉ. ચક્રવાલે જણાવ્યું હતું કે મિત્ર પાસે સારો મોબાઈલ ફોન કે બાઈક અથવા કાર હોય કે તેને વધારે માર્ક મળે તો ઈર્ષ્યાથી ઘણા વિદ્યાર્થીઓ સ્ટ્રેસ અનુભવતા હોય છે તેવી ઈર્ષ્યાથી દૂર રહો. વાસ્તવિક જીવનના અનુભવો જણાવીને તેમણે ઉમેર્યું હતું કે તમને કોઈ કારણસર માનસિક તાણ થાય તો તેને શોષી લો, બીજા પર ટ્રાન્સફર ન કરો. નહિતર ચેઈન રિએક્શન થશે. સ્ટ્રેસથી માનવીનું સામાન્ય જીવન અસાધારણ બની જાય છે અને ચહેરા પરથી નુર ઊડી જાય છે. જીવનમાં જ્યારે વધારે પડતું માનસિક તાણ આવે કે તે લાંબો સમય ટકે અથવા વારંવાર આવે ત્યારે તે મોટી સમસ્યા સર્જે છે. હકીકતમાં જિંદગીમાં સ્ટ્રેસનું હોવું જરૂરી છે, તેના વિના જીવનમાં મજા ન આવે. દાળમાં મીઠું જરૂરી એટલું જીવનમાં સ્ટ્રેસ જરૂરી છે, પણ તે માપસર હોવું જોઈએ. સામાન્ય પ્રમાણમાં સ્ટ્રેસ માનવીને પ્રગતિના પંથે દોરી જાય છે, જ્યારે અસાધારણ માનસિક તણાવ માનવીને નકારાત્મતા ભણી દોરી જાય છે. આવા માનવીને વ્યવહાર અને આચરણ બદલાઈ જાય છે. કોઈપણ વ્યક્તિ લાંબો સમય સ્ટ્રેસમાં રહે તો તેની તબિયત પર પણ માઠી અસર પડે છે. કાઠિયાવાડી ભાષામાં કહીએ તો આનો એક જ ઉપાય છેઃ ગુસ્સો ખંખેરીને હાલતા થઈ જવું.

અપેક્ષાઓ અને સિદ્ધિઓ વચ્ચેનો ગેપ

તેમણે વધુમાં જણાવ્યું હતું કે તમારી અપેક્ષાઓ અને સિદ્ધિઓ વચ્ચેનો ગેપ વધે એટલું ટેન્શન વધે છે. મોડર્ન ટેકનોલોજીથી માનસિક તાણનું પ્રમાણ વધ્યું છે. જીવનમાં શાંતિ જોઈતી હોય તો ઑફ્ફલાઈન થઈ જાઓ. વધારે પડતા કામનો બોજ, વધુ પડતી અપેક્ષાઓ અને અસાધારણ પરિસ્થિતિને કારણે માનવજીવનમાં માનસિક તાણ વધે છે. તેનાથી જિંદગીની હાલત કફોડી બની જાય છે, અમુક લોકોને ફોબિયા થઈ જાય છે, અમુક લોકો ડિપ્રેશનમાં આવી જાય છે. ઘણા લોકો તમાકુ કે ધુમ્રપાનના વ્યસની થઈ જાય છે. મુડ ઉદાસ થઈ જાય, સંવેદના કે ઉત્સાહ ખતમ થઈ જાય છે. સ્ટ્રેસના કારણે તમે આખો દિવસ વ્યસ્ત રહ્યા એવું લાગે છતાં તમારૂં આઉટપુટ શુન્ય હોય છે.  વ્યક્તિ સ્ટ્રેસને કારણે જીવનમાંથી રસ ગુમાવી બેસે છે. ભુખ-તરસ લાગતા નથી, ઉંઘ ઊડી જાય છે.

સ્ટ્રેસ ફક્ત દુઃખદાયી જ નથી, સુખદાયી પણ હોય

માનસિક તાણ માટે વાતાવરણ અને આંતરિક મહત્ત્વાકાંક્ષા કારણભૂત છે. સ્ટ્રેસ ફક્ત દુઃખદાયી જ નથી, સુખદાયી પણ હોય છે, પણ તે લાંબો સમય ન રહેવું જોઈએ. વાસ્તવમાં સ્ટ્રેસમાંથી ઊર્જા મળે છે. ટેન્શન વાયોલિનના તાર જેવું હોય છે, માપસર તણાવ હોય તો મીઠો અવાજ નીકળે, વધારે પડતો તણાવ હોય તો તુટી જાય છે. શેખચલ્લી કે મુંગેરીલાલ કે હસીન સપને જેવું ન કરો. તમારી ક્ષમતાઓને ધીમે ધીમે વધારો, અચાનક ખૂબ ઊંચો કૂદકો ન લગાવો. તમારી જરૂરિયાતોને ધીમે ધીમે સાકાર કરો. જે કામ મળે તે દિલથી કરો. દિવસમાં એકાદ વ્યક્તિને ખુશ કરી શકો તો તે ખૂબ મોટી જવાબદારી નિભાવી ગણાશે. તમે લોકો સાથે જેટલા વધારે પ્રમાણમાં સંકળાયેલા હશો એટલી જીવન જીવવાની મજા આવશે. જો કે આજના જમાનામાં આપણે બધા ખોટા સંબંધોની પાછળ ભાગી રહ્યા છીએ, એમ તેમણે ઉમેર્યું હતું.

સ્ટ્રેસ-ફ્રી કેમ્પસ

ડૉ. દિલીપ આહિરે પોતાની આગવી શૈલિમાં રૂક જાના નહિ તુ કહીં હાર કે કાંટો પે ચલકે મીલેંગે સાયે બહાર કે ગીતની ધુન સાથે પોતાના વક્તવ્યની શરૂઆત કરી હતી અને કહ્યું હતું કે જે કેમ્પસમાં બધા ખુશખુશાલ હોય, કમ્ફર્ટ ઝોન જેવું જણાય, કોઈપણ પ્રકારનો ડર ન હોય, જ્યાં સર્જનશીલતાને પ્રોત્સાહન અપાતું હોય તેને સ્ટ્રેસ-ફ્રી કેમ્પસ કહેવાય. સ્ટ્રેસ કારના ટાયરમાંની હવા જેવો છે, તેનું પ્રમાણ ખૂબ ઓછું પણ સારૂં નહિ અને બહુ વધારે પણ સારૂં નહિ.તમારૂં જીવન ક્રિકેટની પીચ જેવી છે, પીચ છોડશો નહિ, બસ રમતા જ રહો. નિષ્ફળતા તો સફળતાનું પહેલું પગથિયું છે. જીવન તકોથી ભરપૂર છે, તેનો ફાયદો ઊઠાવો. ચહેરા પર સ્મિત સાથે આનંદપૂર્વક તમારી કામગીરી બજાવો. તંદુરસ્ત જીવન, સમૃદ્ધિ અને આત્મસંતોષનું સંયોજન એ જ જીવનને સફળ બનાવે છે.

સ્ટ્રેસ દૂર કરવાની ટેકનિકો

  1. આશાવાદી બનો, સકારાત્મક વિચારો કરો, નકારાત્મક નહિ

  2. વાસ્તવવાદી બનો, વધુ પડતું વિચારવાનું બંધ કરી નાખો

  3. મ્યુઝિક સાંભળો, જોક્સ સાંભળો, રમુજી માણસોને મળો

  4. સમસ્યાને પડકાર તરીકે જુઓ, પ્રો-એક્ટીવ બનો, રિએક્ટીવ નહિ

  5. 20 મિનીટ કસરત કે યોગાસનો કરો, ધ્યાન કરો, ઊંડા શ્વાસ લો

  6. વિટામીન સી મળે એવા લિંબુપાણી કે ફળોના જ્યુસ પીઓ

  7. ભુતકાળને ભુલી જાઓ, ભવિષ્યના પરિણામોની ચિંતા કર્યા વગર વર્તમાનમાં જીવો

  8. અહંકાર દૂર કરો, તમારી માનસિક શાંતિને હંમેશા અગ્રક્રમ આપો

  9. પક્ષીઓ જુઓ કે કુદરતના સાન્નિધ્યમાં રહો

  10. વધારે પડતું ભોજન ન કરવું, ટીવી જુઓ, લટાર મારો

  11. પૂરતા પ્રમાણમાં આરામ કરો, આઠથી દસ કલાકની ઉંઘ લો

  12. પરીક્ષામાં આવશ્યક હોય એવી ચીજવસ્તુઓની યાદી બનાવો

જીટીયુના ડેપ્યુટી ડાયરેક્ટર ડૉ. પારૂલકુમારી ભાટીએ વિદ્યાર્થીઓને માનસિક તાણ ઘટાડવાની વિવિધ પ્રેક્ટીકલ ટીપ્સ આપી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓમાંથી ગાંધીનગરની શ્રી સ્વામિનારાયણ ઈન્સ્ટીટ્યુટ ઑફ ટેકનોલોજીના વિદ્યાર્થીઓ સન્ની પટેલ, કલ્પ પટેલ અને દીપ પંડ્યાએ જણાવ્યું હતું કે અમારી પરીક્ષા આગામી સોમવારથી શરૂ થવાની છે, ત્યારે અમને આજે જીટીયુમાં નિષ્ણાતો તરફથી સ્ટ્રેસ ઘટાડવા મળેલી ટીપ્સ ઘણી ઉપયોગી પુરવાર થશે.

Comments


bottom of page