top of page
  • Writer's pictureGTU

Techfest-2017

યુવાશકિતને

નાવિન્યપૂર્ણ શોધ-સંશોધનો-આવિષ્કરણો ટેકનોલોજીકલ જ્ઞાન-કૌશલ્યનો વિનિયોગ સમાજ પરિવર્તનની દિશામાં કરવા મુખ્યમંત્રીશ્રીનું આહવાન

 .. .. .. .. .. ..

GTU આયોજિત ટેકફેસ્ટને ખૂલ્લો મૂકતા શ્રી વિજયભાઇ રૂપાણી

-: મુખ્યમંત્રીશ્રી :-

Ø  ડિઝીટલ-સ્માર્ટ લર્નિગના પાયલોટ પ્રોજેકટ તહેત રાજ્યની શાળાઓના રપ૦૦ વર્ગખંડ ડિઝીટલ બનશે.

Ø  શ્રી નરેન્દ્રભાઇ એ શકિતપંચામૃતથી રાજ્યના વિકાસનો મજબૂત પાયો નાંખ્યો.

Ø  આ સરકાર ૧૭ ક્રિસ્ટલ કિલયર પોલિસી-ઇજનેરી કોલેજો-સ્પેશ્યલાઇઝડ યુનિવર્સિટીના વ્યાપથી યુવાશકિતને ગ્લોબલ બનાવશે.

Ø  સ્ટાર્ટઅપથી યુવાછાત્રોના શકિત-સામર્થ્ય શોધ-સંશોધનોને ધરતી ઉપર ઉતારવા છે.

Ø  નૂતન શોધ-સંશોધનોની પેટન્ટ મેળવી યુવાશકિત ગરીબ-વંચિત-છેવાડાના સમાજના શ્રેયાર્થે વિનિયોગ કરે.

Ø  યુવાશકિતને જોબ સિકર નહિ- જોબ ગિવર બનાવવી છે.

 .. .. .. .. .. ..

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના બાળકો-યુવાનોને સમયાનુકુલ ડિઝીટલ-સ્માર્ટ લર્નિગ માટે રપ૦૦ ડિઝીટલ કલાસરૂમ પાયલોટ પ્રોજેકટ તરીકે રાજ્યની શાળાઓમાં શરૂ કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્કીલ ઇન્ડીયા,ડિઝીટલ ઇન્ડીયા અને મેઇક ઇન ઇન્ડીયાનો જે મંત્ર આપ્યો છે તેનાથી ભારત સાચી દિશા અને સારી શરૂઆતથી વૈશ્વિક મહાસત્તા બનવા પ્રયાણ કરી રહ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના યુવાનો-વિદ્યાર્થીઓ પણ આ વૈશ્વિક પરિવર્તનના સંવાહક બનીને ટેકનોલોજી-જ્ઞાન કૌશલ્યનો વિનિયોગ સમાજમાં પરિવર્તન-નવી દિશા માટે કરે તેવું પ્રેરક આહવાન કર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જી.ટી.યુ. દ્વારા યોજાયેલા ટેકફેસ્ટને ખૂલ્લો મૂકયો હતો. તેમણે રોબોટીક ઇજનેરી,નેનો-બાયોટેક ઇજનેરી ક્ષેત્રે સહિત આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના ૬૦ જેટલા વિવિધ નવિન સંશોધનો-આવિષ્કરણોની પ્રદર્શની પણ રસપૂર્વક નિહાળી હતી. શ્રી વિજયભાઇ રૂપાણીએ આવી શોધ-સંશોધન કરનારા હોનહાર યુવા છાત્રોને તેમની શોધની પેટન્ટ મેળવીને કોમર્શીયલ સહિત સમાજ શ્રેયાર્થે ઉપયોગની પ્રેરણા આપી હતી. તેમણે જી.ટી.યુ.ના છાત્રોએ સમાજ સેવા દાયિત્વ રૂપે ગ્રામીણ ક્ષેત્રોમાં શૌચાલય નિર્માણમાં આપેલા યોગદાનને અભિનંદન પાઠવ્યા હતા.

મુખયમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇએ તેમના મુખ્યમંત્રી કાળ દરમિયાન જ્ઞાનશકિત, રક્ષાશકિત,ઊર્જાશકિત, જનશકિત અને જળશકિતના શકિતપંચામૃતના આધારે રાજ્યની વિકાસયાત્રાનો પાયો નાંખ્યો અને સતત સફળ વાયબ્રન્ટ સમિટની શૃંખલાને પગલે વિશ્વભરના ઊદ્યોગો રાજ્યમાં આવ્યા છે. આ સરકારે ૧૭ જેટલી વિવિધ પોલિસીઓ, ડિફેન્સ એરોસ્પેસ પોલિસી સહિતની ક્રિસ્ટલ કિલયર નીતિઓથી ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બનાવ્યું છે. આ ઊદ્યોગોને અનુરૂપ યુવા કૌશલ્ય પુરૂં પાડવા વિશ્વકક્ષાની પ૮ જેટલી યુનિવર્સિટીઓ, સેન્ટર ઓફ એકસલન્સ અને સ્ટુડન્ટ સ્ટાર્ટ અપથી યુવાશકિતના સામર્થ્ય – સંશોધનોને ધરતી ઉપર ઉતારવાનું વ્યાપક આયોજન આ સરકારે કર્યુ છે તેની ભુમિકા શ્રી વિજયભાઇ રૂપાણીએ આપી હતી. તેમણે જણાવ્યું કે, આ સરકાર યુવાનોના શક્તિ-સામર્થ્યને તકમાં પલટાવવાના અવસરો આપીને જોબ સીકરમાંથી જોબ ગીવર બનાવવા પ્રતિબદ્ધ છે. તેમણે યુવા પેઢીને આવી તક ઝડપી લઇને સમાજના ગરીબ-વંચિત, પછાત વર્ગોના ઉત્કર્ષ માટે ‘સૌના સાથ સૌના વિકાસ’ની નેમ પાર પાડવા અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, શિક્ષણ અને મેઇક ઇન ઇન્ડીયાના બે મહત્વપૂર્ણ આયામો સાથે ગુજરાતના વિકાસની નવી ઊંચાઇઓ યુવાશક્તિના સથવારે આંબવી છે. આ માટે રાજ્યમાં ઇજનેરી કોલેજોની સંખ્યા અને બેઠકોમાં વૃદ્ધિ, ધો-૧ર પાસ કરીને કોલેજોમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને રૂ.૧,૦૦૦ની ટોકન કિંમતે ટેબ્લેટ, સ્પેશ્યલાઇઝડ યુનિવર્સિટીઓ તથા સ્કીલ ડેવલપમેન્ટ, સ્ટાર્ટઅપ યુનિવર્સિટીની સ્થાપનાના નિર્ણયોની રૂપરેખા તેમણે આપી હતી. શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતની આ ટેકનોલોજીકલ યુનિવર્સિટીને શિક્ષણની શ્રેષ્ઠ સંસ્થા બનાવવાની યુવાશકિતને પ્રેરણા આપતાં કહ્યું કે, વિશ્વના અન્ય દેશોના વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવે તેવું વાતાવરણ તેમણે સર્જવાનું છે.

પ્રારંભમાં આચાર્ય ડૉ. વડોદરિયાએ સ્વાગત પ્રવચનમાં ટેકફેસ્ટની વિગતો આપી હતી. આ વેળાએ જી.ટી.યુ.ના કુલપતિ શ્રી નવિનચંન્દ્ર શેઠ, રજિસ્ટ્રાર શ્રી બિપીન ભટ્ટ, શિક્ષકો-પ્રાધ્યાપકો અને વિશાળ સંખ્યામાં યુવાછાત્રો ઉપસ્થિત રહ્યા હતા. આભારદર્શન એલ.એમ.કોલેજ ઓફ ફાર્મસીના આચાર્ય શ્રી છાબરિયાએ કરી હતી.


Comments


bottom of page