top of page
  • Writer's pictureGTU

ઈસરો ચંદ્રયાન – 2 પ્રોજેક્ટ વર્ષ 2018માં હાથ ધરશે

  1. સમાજ પ્રત્યે જવાબદાર બનો, દેશભક્ત બનો, પ્રામાણિક બનો, શિસ્તબદ્ધ બનોઃ જીટીયુના વિદ્યાર્થીઓને માનનીય શિક્ષણ મંત્રીશ્રીની ટીપ્સ

  2. વ્યવસાયલક્ષી શિક્ષણ મેળવ્યું, હવે ભાવનાકીય ક્ષમતા વધારોઃ રાજ્યપાલશ્રી

અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના છઠ્ઠા પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઈસરોના ચેરમેન ડૉ. એ.એસ. કિરણકુમાર ઉપસ્થિત રહીને દીક્ષાંત પ્રવચન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ઈસરો ચંદ્રયાન પ્રોજેક્ટ વર્ષ 2018માં હાથ ધરવામાં આવશે. તેના માટેના પ્રયોગો ચાલુ છે. ખાસ કરીને એન્જીન ટેસ્ટીંગ કર્ણાટકમાં કરવામાં આવી રહ્યું છે.

ઈસરો 83 ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં તરતા મૂકશે. ડૉ. કિરણકુમારે જણાવ્યું હતું કે તે પ્રોજેક્ટમાં વિક્રમ સર્જવા કરતા અમે  લોન્ચ વ્હીકલની ક્ષમતાને વિશેષ મહત્ત્વ આપી રહ્યા છીએ. તે ઉપગ્રહો જાન્યુઆરીમાં એકસાથે તરતા મુકાવાના હતા, પણ ટેકનિકલ કારણોસર તે પ્રોજેક્ટ હવે ફેબ્રુઆરીમાં હાથ ધરવાનું નક્કી કરાયું છે. તેમણે એવી માહિતી પણ આપી હતી કે ઈસરો માર્ચમાં જીયોસ્ટેશનરી ઉપગ્રહ તરતો મૂકશે. તેનાથી કુદરતી આફતોની આગાહી કરવામાં મદદ મળશે.

ગુજરાતના માનનીય રાજ્યપાલ અને જીટીયુના ચાન્સેલર શ્રી ઓમપ્રકાશ કોહલીના અધ્યક્ષપદે 19મી જાન્યુઆરી, 2017ના રોજ જીટીયુના ચાંદખેડા કેમ્પસમાં પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં 4353 વિદ્યાર્થીઓએ સમારોહમાં હાજર રહીને ડિગ્રી મેળવી હતી. આ સમારોહ સહિત હાજર-ગેરહાજર મળીને કુલ 87, 258 વિદ્યાર્થીઓને ડિગ્રી કે ડિપ્લોમા અપાશે. કુલ 138 વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા. આ વખતે 20 વિદ્યાર્થીઓને પીએચડી અપાઈ હતી.

અતિથિ વિશેષ તરીકે માનનીય શિક્ષણ પ્રધાન શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વિદ્યાર્થીઓને પ્રેરક ઉદબોધન કરતા જીવનમાં ઉપયોગી બને એવી ટીપ્સ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે અભ્યાસ પૂર્ણ થયા બાદ તમે હવે સમાજનો મહત્ત્વનો હિસ્સો બનશો. તમે બધા સમાજ પ્રત્યે જવાબદાર બનો, દેશભક્ત બનો, પ્રામાણિક બનો અને શિસ્તબદ્ધ બનો એવી આશા છે. ગુજરાતમાં અત્યારે 79 ટકા સાક્ષરતા છે. આગામી પાંચ તે પ્રમાણ 100 ટકા સુધી પહોંચાડવાનું રાજ્ય સરકારનું સપનું છે. તેને સાકાર કરવામાં પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ મદદ કરે એવો હું અનુરોધ કરૂં છું. માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી કહે છે કે દેશ બદલ રહા હૈ, આગે બઢ રહા હૈ. ભારતને વિશ્વગુરૂ કે મહાસત્તા બનાવવામાં બધા વિદ્યાર્થીઓ અભિયાનનો હિસ્સો બને એવું સરકાર ઈચ્છે છે. અગાઉ આપણા દેશમાંથી વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ કરવા જતા હતા. હવે વિદેશના વિદ્યાર્થીઓ જીટીયુમાં અભ્યાસ કરી રહ્યા છે, તે ગૌરવની બાબત છે. તેમણે ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય એવોર્ડ રાષ્ટ્રપતિના હસ્તે મેળવનાર જીટીયુના એનએસએસના વિદ્યાર્થી કુંજ પટેલને અભિનંદન આપ્યા હતા.

માનનીય રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે દેશ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. મેઈક ઈન ઈન્ડિયા, સ્વચ્છ ભારત અભિયાન, સ્ટાર્ટ અપ ઈન્ડિયા, સ્ટેન્ડ અપ ઈન્ડિયા સહિતના કાર્યક્રમો સરકારે પડકાર તરીકે રજૂ કર્યા છે. જીટીયુના પ્રયાસોથી તેને પરિપૂર્ણ કરવામાં મદદ મળશે એવો મને વિશ્વાસ છે. વ્યવસાયલક્ષી શિક્ષણ મેળવ્યું, હવે ભાવનાકીય ક્ષમતા વધારો, એવી સલાહ તેમણે વિદ્યાર્થીઓને આપી હતી. આમાં સમાજ પ્રત્યેની જવાબદારીની ભાવના ઉપરાંત સમાજનું ઋણ ઉતારવા સહિતના કાર્યો કરવા તેમણે વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો.

જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો (ડૉ) નવીન શેઠના માર્ગદર્શન હેઠળ તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. તેમણે વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું હતું કે તમે આજે ડિગ્રી મેળવી રહ્યા છે, હવે તમારી જવાબદારી તમારા પરિવારના સપના સાકાર કરવાની છે. પ્રો. શેઠે જીટીયુના ભાવિ વિકાસની રૂપરેખા પણ રજૂ કરી હતી. તેમણે કહ્યું હતું કે જીટીયુમાં હવેથી વિદ્યાર્થીઓને કેન્દ્રસ્થાને રાખવાનો અભિગમ અપનાવવામાં આવશે. ખાસ કરીને શિક્ષણની ગુણવત્તા સુધારવા પર ખાસ ભાર મૂકવામાં આવશે. જીટીયુ વધુને વધુ ઈ-કોર્સ શરૂ કરશે. તે ઉપરાંત ફ્લીપ ક્લાસરૂમની યોજના હાથ ધરશે. જીટીયુ ઉદ્યોગો સાથેનો સમન્વય વધારશે. જીટીયુની સ્ટાર્ટ અપ ઈકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવામાં આવશે. રાજ્ય સરકારે તાજેતરમાં જાહેર કરેલી સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ નીતીમાં જીટીયુની મહત્ત્વની ભૂમિકા રહી છે. જીટીયુની કૉલેજોએ 350 પેટન્ટ અરજીઓ કરેલી છે. કાર્યક્રમના અંતે જીટીયુના ડિરેક્ટર ડૉ. રાજુલ ગજ્જરે આભારવિધિ કરી હતી.

professor-dr-navin-shethvice-chancellor-gtu

Comentarios


bottom of page