વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જી. કૉલેજમાં જીટીયુના ઉપક્રમે યોજાયો ખાસ કાર્યક્રમ
અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના સેન્ટર ફોર ઈન્ડસ્ટ્રીયલ ડિઝાઈન (ઓપન ડિઝાઈન સ્કૂલ)ના ઉપક્રમે વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જીનિયરીંગ કૉલેજમાં 19 ઓક્ટોબરના રોજ ઈનોવેશન અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ – મેઈક ઈન ઈન્ડિયા વિશે શ્રીનિવાસ ચામાર્તીનો વાર્તાલાપ યોજાયો હતો. શ્રી ચમાર્તી હૈદ્રાબાદના એવા ઉદ્યોગપતિ છે કે જેમણે દેશભરની 600 એન્જીનિયરીંગ કૉલેજોના વિદ્યાર્થીઓને પ્રોડક્ટ ડિઝાઈન વિશે તાલીમ આપવાનું બીડું ઝડપ્યું છે. આ હેતુસર તેઓ બાઈક પર ભારતભરની સફરે નીકળ્યા છે અને તેમની આ સફરને નામ આપ્યું છે – અ જર્ની ટુ રિયલાઈઝ સેલ્ફ.
તેમણે વિશ્વકર્મા કૉલેજના વિદ્યાર્થીઓને ઈનોવેશન પર ધ્યાન આપીને પ્રોડક્ટને કેવી રીતે ડિઝાઈન તથા ડેવલપ કરી શકાય તેની તાલીમ આપી હતી. તે સત્રમાં તેમણે મુખ્યત્વે ઈનોવેશન, આઈડિયાને કેવી રીતે સાકાર કરવો તેના વિશે તેમજ પ્રોડક્શન, ટેસ્ટીંગ, તકો, બજારની સ્થિતિ, અવિરત ઈનોવેશન વડે આર્થિક વિકાસ તેમજ ઉદ્યોગ સાહસિકતા વગેરે મુદ્દાઓની છણાવટ કરી હતી. સફળ ટેકનોલોજી સ્ટાર્ટ અપ કેવી રીતે વિકસાવી શકાય તેની ટીપ્સ પણ તેમણે આપી હતી. કૉલેજના 130 વિદ્યાર્થીઓએ આ રસપ્રદ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે જીટીયુના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર ડૉ. રાજુલ કે. ગજ્જરે શ્રીનિવાસના મિશનની પ્રશંસા કરી હતી અને તેમને જીટીયુની અન્ય કૉલેજોના વિદ્યાર્થીઓને પણ આવી તાલીમમાં આવરી લેવા આમંત્રણ આપ્યું હતું.
બીજી બાજુ કૉલેજમાં વક્તવ્ય આપ્યા બાદ શ્રીનિવાસે જણાવ્યું હતું કે હૈદ્રાબાદમાં હું લઘુ ઉદ્યોગ એકમ ચલાવું છું. મેં 17 વર્ષની ઉંમરથી નોકરી કરવાની શરૂઆત કરી હતી. મેં 27માં વર્ષે મારી પોતાની કંપની સ્થાપી હતી. તે સમયે સ્ટાર્ટ-અપ ઈન્ડિયાનો કન્સેપ્ટ જ ન હતો. મેં ડિફેન્સ અને મેડિકલની પ્રોડક્ટો વિકસાવી. સ્વદેશી બનાવટનો કન્સેપ્ટ તો મારા મનમાં બાળપણથી જ હતો. પણ મેં વિચાર્યું કે કૉલેજના ત્રીજા અને ચોથા વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓને આવી તાલીમ અપાય તો મેઈક ઈન ઈન્ડિયા ઘણા મોટાપાયે સાકાર થઈ શકે. એટલે મેં સરકાર કે બીજા કોઈ સંગઠનોની મદદ વિના જાતે જ આવું સાહસ કરવાનો નિર્ધાર કર્યો. હું કમ સે કમ 400 એન્જીનિયરોમાં ઉદ્યોગ સાહસિકતાનો ગુણ કેળવી શકું તો મારૂં મિશન કામિયાબ ગણાશે એવા વિચાર સાથે મેં સફરનું આયોજન કર્યું.
ભારતમાં 4600 એન્જીનિયરીંગ કૉલેજો છે, તેમાંથી મેં 600 કૉલેજોને પસંદ કરી. પણ મારે તે બધી જગ્યાએ પહોંચવા મોટા ભંડોળની જરૂર પડે એટલે મેં સસ્તી સફરના હેતુસર બાઈક પર ભારતભ્રમણ કરવાનું નક્કી કર્યું. તેનો બીજો ફાયદો એ પણ થાય કે બાઈક લઈને હું અંતરિયાળ વિસ્તારોને આવરી શકું અને જ્યાં રોકાણ કરવું હોય ત્યાં રોકાઈ પણ શકું.
જુલાઈ – 2015થી ચેન્નાઈથી મારી આ સફરનો મેં પ્રારંભ કર્યો. હું અમદાવાદ પહોંચ્યોં ત્યાં સુધીમાં મેં 51 હજાર કિલોમીટરનું અંતર કાપ્યું છે અને મેં 18 રાજ્યોને આવરી લીધા છે. મેં 700 કૉલેજોમાં મારા જેવી વિચારસરણી ધરાવતા લોકોની ટીમ ઊભી કરવાનો નિર્ધાર કર્યો છે. અત્યારે મારી ટીમમાં 1440 લોકો જોડાયા છે. ભારતદેશ ભાતીગળ સંસ્કૃતિ ધરાવે છે અને આપણો દેશ સૌંદર્યથી ભરપૂર છે. તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવો તો ભારત શ્રેષ્ઠ રાષ્ટ્ર બની શકે એમ છે.
Comentários