અમદાવાદઃ એન્જીનિયરીંગના વિવિધ વિભાગોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મળીને કોઈ પ્રોજેક્ટ વિકસાવે અને તેનો કન્સેપ્ટ સમાજ ઉપયોગી હોય તો ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) તેને સીડ ફંડીંગ એટલે કે ભંડોળ પૂરૂં પાડશે. અત્યાર સુધી એન્જીનિયરીંગના અલગ અલગ વિભાગોના વિદ્યાર્થીઓ પોતપોતાના વિભાગની ટીમ બનાવીને પ્રોજેક્ટો કરતા હતા. હવે ઉદાહરણ તરીકે ઓટોમોબાઈલ એન્જીનિયરીંગ અને મિકેનિકલ એન્જીનિયરીંગ, કૉમ્પ્યુટર એન્જીનિયરીંગ અને સિવીલ એન્જીનિયરીંગ વગેરે વચ્ચે તાલમેલ વધારવા આ નવતર યોજના અમલમાં મૂકવામાં આવનાર છે.
જીટીયુમાં રચનાત્મક ઈનોવેશન માટે વિચારનો વ્યૂહ વિશે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજાયો તેમાં જીટીયુના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર ડૉ. રાજુલ ગજ્જરે ઉપરોક્ત માહિતી આપી હતી. તેમાં આઈડિયાથી પ્રોડક્ટ સુધીના તબક્કાઓમાં પ્રોજેક્ટો કેવી રીતે હાથ ધરવા તેની જાણકારી આપવામાં આવી હતી. ડૉ. ગજ્જરે જણાવ્યું હતું કે કૉલેજોમાં સેમેસ્ટર પૂર્ણ થયા બાદ અધુરા રહી ગયેલા પ્રોજેક્ટોનું માર્કેટ સુધી પહોંચાડી શકાય એવી પ્રોડક્ટમાં રૂપાંતર કરવા શું કરવું જોઈએ તેની તાલીમ આપવા આ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. બીજા તબક્કાના કાર્યક્રમમાં જીટીયુની કૉલેજોના 80 પ્રાધ્યાપકોએ ભાગ લીધો હતો. હવે ત્રીજા તબક્કામાં ફેબ્રુઆરીમાં યોજાનારા કાર્યક્રમમાં 50થી વધુ સમાજ ઉપયોગી ઈનોવેટીવ પ્રોજેક્ટો રજૂ કરતો સેન્ટ્રલાઈઝ પ્રોજેક્ટ ફેર યોજવામાં આવશે.
પ્રાધ્યાપકોને તાલીમ આપતા આઈઆઈએમના પ્રોફેસર ડૉ. અનિલ ગુપ્તાએ જણાવ્યું હતું કે સમસ્યાઓ ઉકેલવા સોલ્યુશનમાં પ્રોડક્ટ, પ્રોસેસ, સિસ્ટમ અને સર્વિસનો સમન્વય થાય એ આવશ્યક છે. સમસ્યાની ઓળખ મેળવવા તેમાં વધુ સમય આપીને યોગ્ય વિશ્લેષણ કરવું જરૂરી છે. કોઈ પ્રોજેક્ટ ખૂબ મોટો હોય તો તેને નાના-નાના પ્રોજેક્ટોમાં વિભાજીત કરીને હાથ ધરવો જોઈએ.
Comments