અમદાવાદઃ વર્લ્ડ હેબિટેટ ડે નિમિત્તે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) અને ધ ઈન્સ્ટીટ્યુશન ઑફ એન્જીનિયર્સ (ઈન્ડિયા) ગુજરાતના નિરંતર શિક્ષણ તથા કૌશલ્ય વિકાસ કેન્દ્ર વચ્ચે પરસ્પર શૈક્ષણિક તથા બૌદ્ધિક સહયોગ અંગેના કરાર પર ત્રીજી ઓક્ટોબરના રોજ સહીસિક્કા થયા હતા. આ કરાર અન્વયે એન્જીનિયરીંગ તેમજ ટેક્નોલોજીકલ સાયન્સના ક્ષેત્રમાં અનેક પ્રવૃત્તિઓ તથા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે.
ધ ઈન્સ્ટીટ્યુશન ઑફ એન્જીનિયર્સ (ઈન્ડિયા) ગુજરાતના ચેરમેન શ્રી એસ.જે. દેસાઈ અને જીટીયુના ઈન્ચાર્જ રજીસ્ટર શ્રી જે.સી. લિલાણીએ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ભારતમાં ટેલિકોમ ક્રાંતિના પ્રણેતા ડૉ. સામ પિત્રોડા અને જીટીયુના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર ડૉ. રાજુલ ગજ્જરની ઉપસ્થિતીમાં આ કરાર કરવામાં આવ્યા હતા. આ કરાર અતર્ગત બંને સંસ્થાઓ સંયુક્ત સંશોધન અને કન્સલ્ટન્સી પ્રોજેક્ટો હાથ ધરશે. તે ઉપરાંત સંયુક્તપણે વર્કશોપ, સેમિનાર, પરિષદ, તાલીમ, પ્રકાશન અને પ્રવૃત્તિઓ હાથ ધરનાર રિસોર્સ પર્સનના આદાનપ્રદાનનો પણ કરારમાં સમાવેશ થાય છે. કરાર બાદ ડૉ. સામ પિત્રોડાએ ડિજીટલ ઈન્ડિયા અને રાષ્ટ્રીય વિકાસ વિશે વક્તવ્ય આપ્યું હતું. એન્જીનિયરો, વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બરોને સંબોધતા ડૉ. પિત્રોડાએ જણાવ્યું હતું કે ભારતમાં ડિજીટલ ક્રાંતિની શરૂઆત 80ના દાયકામાં થઈ હતી અને છેલ્લા ત્રણ દાયકામાં ઉત્પાદકતા તથા કાર્યક્ષમતા વધારવામાં ટેક્નોલોજીનું પ્રદાન ઘણું મહત્ત્વપૂર્ણ રહ્યું છે. બૅન્કો, અદાલતો, પોલીસ, આવકવેરા ખાતું, પાસપોર્ટ, લાયસન્સ વગેરે વિભાગોમાં છેલ્લા દસ વર્ષમાં થયેલા ફેરફારો તેના ફળસ્વરૂપ છે અને તેના પરિણામે ઘણા લાભ થયા છે.
શિક્ષણ પદ્ધતિમાં સુધારણા માટે ત્રણ પગલાં લેવા તેમણે સૂચવ્યું હતું, જેમાં (1) વિસ્તરણ, (2) ઉત્કૃષ્ટતા અને (3) સહભાગનો સમાવેશ થાય છે. તેમણે એવી સલાહ આપી હતી કે યુવાપેઢીએ વડીલોને ટેક્નોલોજીના ટુલ્સનો ઉપયોગ કેવી રીતે કરવો તે શિખવવું જોઈએ. યુવાનોએ શિસ્તપાલન, રચનાત્મકપણં, નૈતિક મૂલ્યો, આદરભાવ અને પ્રામાણિકતા જેવા ગુણો કેળવવા જોઈએ. વિદ્યાર્થીઓએ પોતાનાથી અલગ વ્યક્તિત્વ ધરાવતા લોકોને મળવું જોઈએ. ગાંધીજી જેવા મહાન વ્યક્તિના પુસ્તકોનું વાંચન કરવું જોઈએ.
હવે ઈન્ટરનેટ ઑફ થિંગ્સના જમાનો આવી રહ્યો છે. આગામી પાંચ-સાત વર્ષમાં ડ્રાઈવર વગરની મોટરો દોડતી થશે તેની સમાજજીવન પર કેવી અસર થાય તેનો વિચાર આપણે કરવો પડશે. તેના કારણે લાખો ડ્રાઈવરોએ નોકરી ગુમાવવી પડશે. અનેક ક્ષેત્રોમાં માનવીનું સ્થાન યંત્રમાનવ લેશે. આવા સંજોગોમાં શિક્ષણ સામાન્ય ક્લાઉડમાં ઉપલબ્ધ બને પણ એવા સંજોગોમાં સ્થાનિક ભાષામાં શિક્ષણ સાહિત્ય કેવી રીતે ઉપલબ્ધ બનાવવું તે સૌથી મોટો પડકાર બનશે.
Comments