જીટીયુમાં એપેનની બોર્ડ મિટીંગમાં પ્રોજેક્ટ બેઝ લર્નિંગ વિશે ચર્ચા
અમદાવાદઃ એશિયા પ્રોફેશનલ એજ્યુકેશન નેટવર્ક (એપેન)ના બોર્ડ ઑફ ડિરેક્ટર્સની ભારતમાં સૌપ્રથમ બેઠક ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)માં છઠ્ઠી ડિસેમ્બર, 2016ના રોજ યોજાઈ હતી. તેમાં પ્રોજેક્ટ બેઝ લર્નિંગ કોર્સ વિશે ચર્ચાવિચારણા કરવામાં આવી હતી. એપેન એશિયાનું એવું એકમાત્ર શિક્ષણ નેટવર્ક છે કે જે ઉદ્યોગોને લગતી વર્તમાન અને ભાવિ સમસ્યાઓ હલ કરી શકે એવા વ્યાવસાયિકોને તૈયાર કરે છે.
ડિપ્લોમા અને સ્નાતક પદવીધારકો સમાજ અને ઉદ્યોગોની આવશ્યકતાને અનુરૂપ કામગીરી બજાવી શકે તેના માટે સુસજ્જ કરવા જીટીયુ તરફથી શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓને ઈન્ડસ્ટ્રી-રેડી બનાવવા માટે જીટીયુ તેઓને ઉદ્યોગોના વિવિધ પાસાંઓનો જાતઅનુભવ લેવા પણ મોકલાવે છે. માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા, ત્યારે તેઓ જાપાનની મુલાકાતે ગયા તે વખતે તેઓ ઈકોનોમિક રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ ફોર આશિયાન એન્ડ ઈસ્ટ એશિયાના એક્ઝિક્યૂટીવ ડિરેક્ટર પ્રો. હિદેતોશી નિશીમુરાને મળ્યા હતા. તેમણે પ્રો. નિશીમુરાને જીટીયુની પ્રવૃત્તિઓની જાણ કરી, ત્યારે તેમણે જીટીયુને એપેન સંગઠનમાં ડિરેક્ટર તરીકે સ્થાન આપવાની ઑફર કરી હતી, એમ જીટીયુના કાર્યવાહક વાઈસ ચાન્સેલર ડૉ. રાજુલ ગજ્જરે જણાવ્યું હતું.
તેમણે એપેનની બેઠકમાં વધુમાં જણાવ્યું હતું કે જીટીયુ નાના, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ)ના કર્મચારીઓને ચોક્કસ પ્રકારના કૌશલ્યોની તાલીમ આપવા વિચારી રહી છે. જેનાથી તેઓની રોજબરોજની સમસ્યાઓ હલ કરવામાં મદદ મળે એ રીતે તેઓના કૌશલ્યોમાં વધારો થાય. આ વિચારણાની પ્રક્રિયા વાઈબ્રન્ટ ગુજરાત શિક્ષણ પરિષદ વખતે નાસકોમ સાથે કરાર થયા તે વખતથી શરૂ થઈ હતી. અહીં એ ઉલ્લેખનીય છે કે એપેન સંગઠનમાં હાલમાં 13 દેશોના સભ્યો સ્થાન ધરાવે છે અને જાપાનની એડવાન્સ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડસ્ટ્રીયલ ટેક્નોલોજી ખાતે તેનું કાર્યાલય છે. એપેનના અન્ય સભ્યોમાં ભારત અને જાપાન ઉપરાંત મુખ્યત્વે ચીન, દક્ષિણ કોરિયા, વિયેતનામ, કંબોડિયા, ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ, મલેશિયા, સિંગાપોર, ફિલીપાઈન્સ, બ્રુનેઈ અને મ્યાન્મારનો સમાવેશ થાય છે.
આજની બેઠકમાં એપેનના અધ્યક્ષ ડૉ. શિન્તારો ઈશિજીમા, મહામંત્રી પ્રો. મિત્સુહીરો માએદા, જીટીયુના કાર્યકારી વાઈસ ચાન્સેલર ડૉ. રાજુલ ગજ્જર, ઈન્ચાર્જ રજીસ્ટ્રાર શ્રી જે.સી. લિલાણી, જીટીયુના ડીન ડૉ. એન.એમ. ભટ્ટ અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. કર્મજીતસિંહ બિહોલા, જાપાનના પ્રોફેસર ડૉ. સતોશી યોશીદા અને ફિલીપાઈન્સના પ્રોફેસર ડૉ. ઑલ્વીન બી. ક્યુલાબાએ વિચારવિમર્શ કર્યો હતો.
બેઠકમાં નીચેના મુદ્દાઓની ચર્ચા થઈ હતીઃ
એન્જીનિયરીંગ શિક્ષણમાં પ્રોજેક્ટ બેઝ લર્નિંગની માહિતીનું આદાનપ્રદાન
એપેનના સહયોગી સભ્યો મારફતે પ્રોજેક્ટો અને કન્સલ્ટીંગ કાર્ય હાથ ધરવું
ઈલેકટ્રોનિક મિડીયા કે વેબીનાર વગેરેના માધ્યમથી શિક્ષણ
પરિષદોમાં પેપર પ્રેઝન્ટેશનમાં પરસ્પર સહયોગ
અનુભવનું આદાનપ્રદાન
ડિઝાઈન એન્જીનિયરીંગમાં રિસર્ચ
એશિયાના લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગો સાથે સમન્વય વધારવો
વ્યવહારૂ અભિગમ સાથે ફેકલ્ટી એક્સચેન્જ
બેઠક માટે આવેલા એપેનના અધ્યક્ષ ડૉ. શિન્તારો ઈશિજીમા અને મહામંત્રી પ્રો. મિત્સુહીરો માએદાએ ઉદ્યોગ- શિક્ષણ વચ્ચે સંબંધોનો સેતુ કેવી રીતે સુદૃઢ બનાવી શકાય તેના વિશેના પરિસંવાદમાં મુખ્ય વક્તવ્ય પણ આપ્યું હતું. તે પ્રસંગે જીટીયુના ડીન ડૉ. એન.એમ. ભટ્ટે જીટીયુમાં ચાલતા ડિઝાઈન એન્જીનિયરીંગ, શોધયાત્રા, ઉદ્યોગોની જરૂરિયાત આધારિત અભ્યાસ, સ્ટાર્ટ અપ ઈકોસિસ્ટમ, નોડલ એજન્સી વગેરેની જાણકારી આપી હતી. સેન્ટર ફોર ઈન્ડસ્ટ્રી ડિઝાઈન (ઓપન ડિઝાઈન સ્કૂલ)ના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. કર્મજીતસિંહ બિહોલાએ આભારવિધિ કરી હતી.
Comments