અમદાવાદઃ શહેરની એલ.એમ. ફાર્મસી કૉલેજના બે વિદ્યાર્થીઓ પ્રતિષ્ઠિત નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઑફ ફાર્માસ્યુટીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (નાઈપર)ની રાષ્ટ્રીય સ્તરની જેઈઈમાં ટોપ 20માં સ્થાન હાંસલ કરીને ઝળક્યા છે. તેમાંના એક વિદ્યાર્થીએ તો અવ્વલ રેંક હાંસલ કરીને કૉલેજ તેમ જ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)નું ગૌરવ બન્યા છે.
વિદ્યાર્થીઓની વિગતોઃ
જયંત ચિદમ્બરન ઐયર નામના વિદ્યાર્થીએ નાઈપર જેઈઈ 2016માં રાષ્ટ્રીય સ્તરે પહેલી રેંક પ્રાપ્ત કરી છે. તે મોહાલીમાં યોજાઈ હતી. તે વિદ્યાર્થીએ જીપેટ 2016માં રાષ્ટ્રીય સ્તરે આઠમો ક્રમાંક મેળવ્યો છે. તેણે જીટીયુની સેમેસ્ટર કસોટીમાં 8.41 સીજીપીએ મેળવ્યા હતા.
કૉલેજના બીજા એક વિદ્યાર્થી ગોયલ રજત સંજયે નાઈપર જેઈઈમાં રાષ્ટ્રીય સ્તરે 18મું સ્થાન મેળવ્યું છે. તે જીપેટની કસોટીમાં 52મા ક્રમાંકે રહ્યો હતો. તેણે જીટીયુની સેમેસ્ટર કસોટીમાં 8.32સીજીપીએ મેળવ્યા હતા.
છેલ્લા ત્રણ વર્ષથી ફાર્મસી ઉદ્યોગ અને શિક્ષણ વચ્ચેનો સેતુ સુદૃઢ બનાવવાની દિશામાં થઈ રહેલા પ્રયાસોના મીઠાં ફળ હવે મળી રહ્યા છે. તે હેતુસર ઈડમા તેમ જ ગામા સહિતના ઔદ્યોગિક સંગઠનો સાથે જીટીયુ તરફથી કરાર કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત પાંચ સેન્ટ્રલાઈઝ પ્લેસમેન્ટ ફેર યોજવામાં આવ્યા. તેમાં 150થી વધુ કંપનીઓએ ભાગ લઈને 1500થી વધુ વિદ્યાર્થીઓને નોકરી આપી હતી. છેલ્લા નોકરી ભરતી મેળામાં તો એવું બન્યું હતું કે ઑફર થયેલી નોકરીનું પ્રમાણ ઉપલબ્ધ વિદ્યાર્થીઓ કરતા 25 ટકા વધારે હતું. આ બધી બાબતોને કારણે ફાર્મસી કૉલેજોમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનું પ્રમાણ 42.5 ટકા વધ્યું હતું. ચાલુ વર્ષે બી.ફાર્મમાં ઉપલબ્ધ 4514 બેઠકો સામે લગભગ 9000 ફોર્મ વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે ભર્યા હતા.
ફાર્મસી કૉલેજોના વિદ્યાર્થીઓ હવે રાષ્ટ્રીય સ્તરે પણ ઝળકતા થયા છે. જયંત ઐયર અને રજત ગોયલ નામના બે વિદ્યાર્થીઓની નાઈપરની પ્રવેશ પરીક્ષામાં ઝળક્યા તે બાબત ખરેખર નોંધપાત્ર છે અને તેના માટે એલ.એમ.કૉલેજ ઑફ ફાર્મસીના પ્રિન્સીપાલ ડૉ. એમ.ટી. છાબરીયા અને તેમની ટીમ અભિનંદનને પાત્ર છે, એમ જીટીયુના ફાર્મસી વિભાગના વડા ડૉ. મનિષ રાચ્છે જણાવ્યું હતું.
Comments