top of page

ઑસ્ટ્રેલિયાની ટોચની યુનિવર્સિટી રિસર્ચ અને શૈક્ષણિક સહયોગ માટે જીટીયુ સાથે કરાર કરશે

  • Writer: GTU
    GTU
  • Nov 11, 2016
  • 2 min read

અમદાવાદઃ ઑસ્ટ્રેલિયામાં ટોચનું સ્થાન ધરાવતી સંસ્થા – યુનિવર્સિટી ઑફ વોલોંગોંગ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સાથે રિસર્ચ અને શૈક્ષણિક સહયોગ માટે હાથ મિલાવશે. છેલ્લા થોડા વર્ષોમાં ઑસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે વિદ્યાર્થીઓની અવરજવરનો વિકાસદર બે આંકડે પહોંચ્યો છે, ત્યારે બંને દેશોની શિક્ષણ સંસ્થાઓ પરસ્પર સહયોગ વધારવા અનેક પગલાં લઈ રહી છે. બીજી બાજુ આગામી 10થી 13 જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત વૈશ્વિક શિખર પરિષદમાં પણ ઑસ્ટ્રેલિયા સત્તાવાર પાર્ટનર બનવાનું છે, ત્યારે બેઉ રાષ્ટ્રોની સંસ્થાઓ વચ્ચેના આ કરારને મહત્ત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યા છે.

જીટીયુ સાથે કરાર કરનારી ઑસ્ટ્રેલિયાની યુનિવર્સિટીએ ક્યુએસ રેંકીંગ 2015-16માં વિશ્વની ટોચની બે ટકા યુનિવર્સિટીઓમાં સ્થાન હાંસલ કરેલું છે. તે યુનિવર્સિટી વિવિધ પ્રકારના રિસર્ચ અને ડેવલપમેન્ટ કામગીરીની દૃષ્ટિએ ઑસ્ટ્રેલિયામાં મોખરાનું સ્થાન ધરાવે છે. તેની સામે જીટીયુ રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી છે, જે ઈનોવેશન અને રિસર્ચમાં મજબૂત માળખાકીય સુવિધાઓ ધરાવે છે. આ જ કારણસર બંને દેશોની યુનિવર્સિટીઓએ હાથ મિલાવવાનો નિર્ધાર કર્યો છે.

સૂચિત કરાર અન્વયે બંને સંસ્થાઓ એન્જીનિયરીંગ તથા મેનેજમેન્ટના સંયુક્ત રિસર્ચ પ્રોજેક્ટો હાથ ધરશે. તે ઉપરાંત બેઉ યુનિવર્સિટીના પ્રાધ્યાપકો અને રિસર્ચ નિષ્ણાતો સંયુક્ત પ્રકાશનો પ્રસિદ્ધ કરશે. જીટીયુના પીએચડી કોર્સમાં ઑસ્ટ્રેલિયાની યુનિવર્સિટીના પ્રોફેસરો સંયુક્ત સુપરવાઈઝર તરીકે કામગીરી બજાવી શકશે. બંને યુનિવર્સિટીઓ વચ્ચે વિદ્યાર્થીઓનું આદાનપ્રદાન થશે. તે સિવાય ઉદ્યોગ આધારિત ઈન્ટર્નશીપની સુવિધા પણ બેઉ સંસ્થાઓના વિદ્યાર્થીઓને પ્રાપ્ત થશે. જીટીયુ તરફથી ટૂંકસમયમાં એન્જીનિયરીંગ ક્ષેત્રે અત્યાધુનિક રિસર્ચ સેન્ટરો સ્થાપવા તડામાર તૈયારીઓ કરાઈ રહી છે, ત્યારે બંને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તથા પ્રાધ્યાપકોને રિસર્ચ અને શૈક્ષણિક શિષ્યવૃત્તિનો લાભ મળશે. ખાસ કરીને ઑસ્ટેલિયાની યુનિવર્સિટી જીટીયુને ઈન્ડસ્ટ્રીયલ ડિઝાઈન, મેકેટ્રોનિક્સ અને ટ્રાન્સપોર્ટેશન જેવા ક્ષેત્રોમાં અદ્યતન રિસર્ચ લેબ બનાવવામાં સહયોગ આપશે.

ઑસ્ટ્રેલિયાની યુનિવર્સિટીએ ગત દસમી નવેમ્બરે મુંબઈમાં શૈક્ષણિક બેઠક યોજીને સૂચિત કરાર બાબતે જીટીયુના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર ડૉ. રાજુલ ગજ્જર સાથે વિગતવાર ચર્ચાવિચારણા કરી હતી. તે બેઠકમાં કરારના આગામી તબક્કામાં હાથ ધરવામાં આવનારા કાર્યક્રમોની દરખાસ્તો વિશે વિચારવિમર્શ કરીને વ્યૂહ ઘડી કાઢવામાં આવ્યો હતો.

Comments


@ techbeat copyright, 2018

  • w-facebook
  • Twitter Clean
  • White Google+ Icon
bottom of page