બે સપ્તાહની તાલીમમાં પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ શીખી રહ્યા છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ
અમદાવાદઃ તાજેતરમાં વર્ધા નામના ચક્રવાતે આંધ્ર પ્રદેશ અને તામિલનાડુને હચમચાવી નાખ્યા. ગત 12મી ડિસેમ્બરે તે વાવાઝોડાને કારણે ચેન્નાઈમાં કલાકે 130 કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો હતો. ભારતમાં આવી કુદરતી આફતો વખતે સુસંકલિત સમન્વયનો અભિગમ જાપાનની જેમ અપનાવવો આવશ્યક છે, એમ જીટીયુના કાર્યવાહક વાઈસ ચાન્સેલર ડૉ. રાજુલ ગજ્જરે જણાવ્યું હતું. ગુજરાત ઈન્સ્ટીટ્યુટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના પરિસરમાં આજથી બે સપ્તાહનો તાલીમ કાર્યક્રમ શરૂ થયો છે, જેનું આયોજન ટેકનિકલ શિક્ષણ કમિશનરની કચેરી તરફથી કરવામાં આવી રહ્યું છે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) અને એલ.ડી. કૉલેજ ઑફ એન્જીનિયરીંગના એપ્લાઈડ મિકેનિક્સ વિભાગના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે તેમાં સંબોધન કરતા ડૉ. ગજ્જરે ઉપરોક્ત ઉદ્ગારો વ્યક્ત કર્યા હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્ષોથી કુદરતી આફતોને પરિણામે જાન-માલને વ્યાપક પ્રમાણમાં નુકસાન થતું રહ્યું છે. એવા સંજોગોમાં સક્રિય, સર્વાંગી અને અવિરત રાહત કામગીરીનો અભિગમ અપનાવવો રહ્યો. જેથી કુદરતી આફતોને પરિણામે દેશના સામાજીક તથા આર્થિક વિકાસ પર માઠી અસરનું પ્રમાણ ઘટી શકે. સરકારશ્રીએ લીધેલા અનેકવિધ પગલાંઓને પરિણામે કુદરતી આફતોમાં જાનહાનિના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આમછતાં આપણે તેમાં ઈલેક્ટ્રોનિક્સ અને કૉમ્યુનિકેશન્સ તેમજ આઈટીના સમન્વયથી બહેતર પરિણામો લાવી શકીએ એમ છીએ. તેમણે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં લેટેસ્ટ ટેક્નોલોજીના ઉપયોગ વિશે સંશોધનો હાથ ધરવા પર ભાર મૂક્યો હતો.
ગુજરાત રાજ્ય કુદરતી આફતોની દૃષ્ટિએ સંવેદનશીલ છે. એટલા માટે જ રાજ્ય સરકારશ્રી તરફથી ડિઝાસ્ટર મેનેજમેન્ટની સુદીર્ઘ પ્રક્રિયાના ભાગરૂપે આ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જીટીયુ દ્વારા પણ એન્જિનીયરીંગના અભ્યાસક્રમમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટનો મુદ્દો ઉમેરવામાં આવ્યો છે. આ તાલીમ કાર્યક્રમમાં 40 પ્રોફેસરો ડિઝાસ્ટર મેનેજમેન્ટના પાઠ ભણી રહ્યા છે અને પછીથી એનએસએસ તેમજ એનસીસીના 40 વિદ્યાર્થીઓ પણ તેમની સાથે જોડાશે.
Comments