સમાજઉપયોગી 9 સ્ટાર્ટ અપને કુલ રૂ. 56 લાખ ફાળવતી ગુજરાત સરકાર
જીટીયુ દ્વારા દેશના સૌથી મોટા સ્ટાર્ટ અપ ઓનલાઈન કોર્સનો પ્રારંભ
અમદાવાદઃ કૉલેજોના વિદ્યાર્થીઓમાં સેવાની ભાવનાનું નિર્માણ થાય તેના માટે ચાલુ અભ્યાસે એક સપ્તાહ ગ્રામસેવાની પ્રવૃત્તિઓ કરવાની યોજના ગુજરાત સરકાર ઘડશે, એવી જાહેરાત આજે રાજ્યના માનનીય શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી હતી. આવી પ્રવૃત્તિઓને ફરજીયાત બનાવીને તેના માટે વિદ્યાર્થીઓને ભણતરમાં ખાસ વધારાના પોઈન્ટ મળે એવી વ્યવસ્થા વિચારાધીન હોવાનો સંકેત પણ તેમણે આપ્યો હતો.
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) તરફથી ગાંધીનગરમાં આયોજીત એક કાર્યક્રમમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં જે બાબતનો ઉલ્લેખ કર્યો હતો તે જીટીયુના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છ ભારત અભિયાન હેઠળ 114 ગામોમાં 9000 શૌચાલયોના નિર્માણની સિદ્ધિ હાંસલ કરવા બદલ હું તેઓને અભિનંદન આપું છું અને તે બાબતે સંતોષ તથા રાજીપો વ્યક્ત કરૂં છું. 22થી 24 વર્ષની વયના યુવક-યુવતીઓના મનમાં આવી સેવાની ભાવના જાગે તે બાબત સમાજ અને સમગ્ર દેશ માટે સારો સંકેત છે. આવી જ પ્રવૃત્તિઓ અન્ય યુનિવર્સિટીઓની કૉલેજોમાં પણ થાય એવી યોજના ઘડવા શિક્ષણ વિભાગને સૂચના આપવામાં આવી છે. તેમણે વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું હતું કે અત્યારે સ્વાર્થનો સમય છે મોટાભાગના લોકો મારું શું ? અને મારે શું ? એવી જ માનસિકતા ધરાવે છે, ત્યારે ગરીબ અને અભણને મદદ કરવાની સેવામાંથી જે સંતોષ મળે તે ખરેખર અમુલ્ય હોય છે. આ બાબતમાં મંત્રીશ્રીએ અમુક શાળાના વિદ્યાર્થીઓ પોકેટમની બચાવીને ગ્રામવાસીઓને કેવી રીતે દિવાળીની મીઠાઈ ભેટ આપે છે તેનું ઉદાહરણ આપ્યું હતું.
આપણી ભાવિ પેઢી વ્યસનમાં સપડાઈ ન જાય તેના માટે કૉલેજોમાં હેલ્થ ક્લબો બનાવવાનો અણસાર પણ તેમણે આપ્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વ્યસનની ચુંગાલમાં ફસાઈને પંજાબના ઘણા યુવાનો બરબાદ થઈ ગયા, એવું ગુજરાતમાં થવા દેવું નથી. ગામડાના પરિવારો પોતાના દિકરા-દિકરીઓને શહેરોમાં મોટી આશા સાથે ભણવા મોકલે અને પછી તેઓ નશીલા દ્રવ્યોના રવાડે ચડી જાય એવા બનાવો અંગે હું પીડા અનુભવું છું અને એવા બનાવો બનતા અટકાવવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે. વ્યસનોનો ફેલાવો ન થાય બલકે યુવાપેઢીમાં સેવાની ભાવનાનો ફેલાવો થાય એવું કરવા મંત્રીશ્રીએ શિક્ષણ ખાતાને જણાવ્યું હતું.
સમાજની સમસ્યાઓનો ઉકેલ ઈનોવેશનમાં છે. દુનિયાના વિકસિત દેશોએ કરેલી પ્રગતિની સાથે સ્પર્ધામાં ઉતરવા આપણે ટેકનોલોજીના કૌશલ્યો વધારવા પડશે. એટલે જ વડા પ્રધાનશ્રીના માર્ગદર્શનમાં મેઈક ઈન ઈન્ડિયા અને આપણા રાજ્યમાં માનનીય મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શનમાં વાઈબ્રન્ટ ગુજરાત જેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. વડા પ્રધાનશ્રી આગામી થોડા દિવસોમાં સ્ટેન્ડ અપ ઈન્ડિયા કાર્યક્રમ અમલમાં મૂકશે. આ બધામાં ગુજરાત ટોચનું સ્થાન પ્રાપ્ત કરશે એવો અમને વિશ્વાસ છે. વિકાસની કેડીએ હરણફાળ ભરવામાં ઈનોવેશન આવશ્યક છે અને તેના માટે વિદ્યાર્થીઓને આવશ્યક તમામ પ્રકારની સહાય કરવા રાજ્ય સરકાર તૈયાર છે, એમ મંત્રીશ્રીએ કહ્યું હતું.
સમાજઉપયોગી અને ઈનોવેટીવ એવા 9 સ્ટાર્ટ અપ પ્રોજેક્ટોને રૂ. 56 લાખના ભંડોળની ફાળવણી ગુજરાત સરકારશ્રી તરફથી કરવામાં આવી હતી. જીટીયુ હાલમાં રાજ્ય સરકારની નોડલ એજન્સી તરીકે કાર્યરત છે. સમારોહમાં મંત્રીશ્રીની પ્રેરણાથી જીટીયુની ટીમે તૈયાર કરેલા બે પુસ્તકો – ગ્રામસેતુ અને આઈડિયેટ ટુ ઈનોવેટનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીના હસ્તે દેશના સૌથી મોટા મેસીવ ઓપન ઓનલાઈન કોર્સનો પણ જીટીયુ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ ખાતાના અગ્ર સચિવ અંજુ શર્માએ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે સમગ્ર સમાજનું ભાવિ તમે છો. ઉચ્ચ વિચારો ધરાવતા થાઓ. યુવા પેઢીનું પ્રોસેસર ઘણું શક્તિશાળી હોય છે તે પરિસ્થિતિનો મહત્તમ ફાયદો ઊઠાવો.
જીટીયુના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર ડૉ. આર.કે. ગજ્જરે સમારોહને સંબોધતા કહ્યું હતું કે ઈનોવેશન ક્લબોમાં હાર્ડકોર અને અદ્યતન ટેકનોલોજીને લગતા ઘણા સ્ટાર્ટ અપ પ્રોજેક્ટો હાથ ધરવામાં આવ્યા છે. તેને પ્રોત્સાહન પૂરૂં પાડવા જીટીયુ તરફથી સ્ટાર્ટ અપનો ઓનલાઈન કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. આ કોર્સ ઘણા મોટાપાયે વિદ્યાર્થીઓને ફાયદો થાય તે રીતે બનાવવામાં આવ્યો છે. તેમાં 25 હજાર રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. કોર્સ ગુણવત્તાસભર બની રહે તેની તકેદારી પણ રાખવામાં આવી છે. નોડલ એજન્સી તરીકે જીટીયુએ ભલામણ કરેલા 9 સ્ટાર્ટ અપ પ્રોજેક્ટોને રૂ. 56 લાખના ભંડોળની ફાળવણી કરવામાં આવી છે. આ તો હજી શરૂઆત છે. ટૂંકસમયમાં વધુ વિદ્યાર્થીઓને તેનો લાભ મળશે. બીજી બાજુ જીટીયુના વિદ્યાર્થીઓની ગ્રામવિસ્તારોમાં ચાલતી પ્રવૃત્તિઓમાંથી અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા મળે તેના માટે ગ્રામસેતુ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે. એનએસએસના જીટીયુના વિદ્યાર્થીઓએ કેપ્ટન સી.એસ.સંઘવીના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા અભિયાન અંતર્ગત શૌચાલય નિર્માણની કરેલી કામગીરીની વડા પ્રધાનશ્રીએ પણ પ્રશંસા કરીને મન કી બાત માં સ્થાન આપ્યું હતું તેને ધ્યાનમાં રાખીને એનએસએસ ટીમનું સન્માન કરવામાં આવી રહ્યું છે. તેની સાથોસાથ વિશ્વકર્મા યોજનામાં ડૉ. ઈન્દ્રજીત પટેલના માર્ગદર્શન હેઠળ ગામડાઓમાંહાથ ધરવામાં આવેલી ઉત્તમ કામગીરીની કદરરૂપે તેમની ટીમનું પણ સન્માન કરવામાં આવી રહ્યું છે. આમ વિવિધ વિભાગો વચ્ચે તાલમેલ અને સમન્વય મજબૂત બનાવવા આ પ્રકારનો સંયુક્ત સમારોહ યોજવામાં આવ્યો છે. સ્ટાર્ટ અપ વિલેજના સીઈઓ શ્રી ગૌતમ અને જીટીયુ ઈનોવેશન કાઉન્સિલના માનદ નિયામક શ્રી હિરણ્મય મહંતાએ સ્ટાર્ટ અપ ઓનલાઈન કોર્સની જાણકારી આપી હતી. જીટીયુના ઈન્ચાર્જ રજીસ્ટ્રાર શ્રી જે.સી. લિલાણીએ આભારવિધિ કરી હતી.
Comentários