સ્વચ્છ ભારત અભિયાન માટે જીટીયુનું મોડેલ તૈયારઃ હવે બીજા તબક્કાનો અમલ થશે
અમદાવાદઃ 107 ગામડાઓમાં ફક્ત એક જ અઠવાડિયામાં 9000 શૌચાલયોના નિર્માણ માટે શ્રમદાન આપવાના ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના વિદ્યાર્થીઓના કાર્યને માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બિરદાવ્યું છે. એનએસએસ સાથે સંકળાયેલા એન્જીનિયરીંગ કૉલેજોના 6000 વિદ્યાર્થીઓએ આ શ્રમદાનમાં ભાગ લીધો હતો.
જીટીયુના સમાજસેવાના આ કાર્યની નોંધ વડા પ્રધાને રવિવારે મન કી બાત કાર્યક્રમમાં લીધી હતી. શ્રી મોદી છેલ્લા બે વર્ષથી આ કાર્યક્રમમાં રેડિયો પરથી રાષ્ટ્રજોગ સંબોધન કરે છે. તેમણે તે કાર્યક્રમમાં જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગ્રામવિસ્તારોમાં અઢી કરોડ શૌચાલયોનું નિર્માણ થઈ ચૂક્યું છે. આગામી વર્ષે વધુ દોઢ કરોડ શૌચાલયો બનાવવામાં આવશે. ગુજરાત, આંધ્ર પ્રદેશ અને કેરળ ટૂંકસમયમાં ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત રાજ્યો જાહેર કરવામાં આવશે. મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરને ગાંધી જયંતીએ એટલે કે બીજી ઓક્ટોબરના રોજ ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત બનેલું જાહેર કરવામાં આવશે.
જીટીયુના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર ડૉ. રાજુલ ગજ્જરે આ વિશે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત અભિયાનનો મૂળ વિચાર માનનીય વડા પ્રધાનશ્રીનો છે. તેનો અમલ કરવા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આદેશ આપ્યો હતો. રાજ્યના શિક્ષણ પ્રધાન માનનીય શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ મુદ્દે ચર્ચા કરવા વાઈસ ચાન્સેલરોની બેઠક યોજી હતી. બેઠક બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો કે સ્વચ્છ ભારત અભિયાનમાં યુનિવર્સિટીઓ કેવી રીતે પ્રદાન આપી શકે તે બાબતે બધાએ વિચારવું. જીટીયુએ તે મુદ્દાને પ્રોજેક્ટ મોડમાં અમલમાં મૂક્યો અને ડીડીઓ તથા ડીઆરડીએની ટીમો સાથે પાંચ વિદ્યાર્થીઓ તથા બબ્બે પ્રાધ્યાપકોની ટીમોને મોકલવામાં આવી. તેના અમલીકરણ માટે સમયપત્રક નક્કી કરવામાં આવ્યું. સમાજસેવાની ભાવના સાથે સુવ્યવસ્થિત આયોજનને કારણે અમારો પ્રયોગ સફળ રહ્યો. અમુક ગામડાઓ તો ખૂબ જ અંતરિયાળ વિસ્તારોમાં હતા, ત્યાં પહોંચીને જીટીયુની ટીમે આ કામગીરી બજાવી. અમે મોડેલ તૈયાર કરી લીધું છે. હવે દેશભરની બીજી કોઈપણ યુનિવર્સીટી તે અપનાવવા ઈચ્છતી હોય તો અમે તેને સમગ્ર પ્લાન આપવા તૈયાર છીએ.
આ મુદ્દે જીટીયુના એનએસએસના કો-ઓર્ડિનેટર કેપ્ટન સી.એસ.સંઘવીએ જણાવ્યું હતું કે અમે શૌચાલયોનું નિર્માણ તો કર્યું જ તેની સાથોસાથ જનજાગૃતિ અભિયાનો પણ હાથ ધર્યા. પાનના ગલ્લા કે ખાણી-પીણીની લારીઓ કે અન્યત્ર જ્યાં ગંદકી થતી હોય ત્યાં અમે કૉમ્પ્યુટરના પુંઠાના ખાલી બૉક્સ, પ્લાસ્ટિકની બાલદીઓ વગેરેથી કચરા ટોપલીઓમાંથી બનાવીને આપી. શાળાઓમાં જઈને ભુલકાઓને સમજાવ્યા કે ગંદકી ન થાય તેના માટે કેવી કાળજી લેવી. મોટેરાઓને પણ સમજાવ્યા કે તેઓ સ્વચ્છ ભારત અભિયાનમાં કેવો ફાળો આપી શકે. હવે અમે આગામી તબક્કામાં વધુ ગામડાઓને આવરી લેવાના છીએ અને તેના માટે સોમવારે જીટીયુમાં બેઠકમાં આગામી કાર્યક્રમ વિશે નિર્ણય લેવાશે.
બીજી બાજુ વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જીનિયરીંગ કૉલેજના એનએસએસના કો-ઓર્ડિનેટર પ્રો. અલ્પેશ દાવડાએ એવો મત વ્યક્ત કર્યો હતો કે આ કાર્યમાં સંકળાયેલા અમારા વિદ્યાર્થીઓ એન્જીનિયરીંગના હોવાથી તેઓને મોટો ફાયદો થશે. દરેક એન્જીનિયરીંગ કૉલેજના વિદ્યાર્થીઓએ પોતાના અંતિમ વર્ષમાં પ્રોજેક્ટ બનાવવાનો હોય છે. ગ્રામવિસ્તારોની મુલાકાત લઈને વિદ્યાર્થીઓ સમાજની સમસ્યાઓથી વાકેફ બને છે અને તેના ઉકેલ શોધી કાઢીને ઈનોવેટીવ પ્રોજેક્ટ તૈયાર કરી શકે છે.
જીટીયુના વિદ્યાર્થીઓ જોય ઑફ ગિવીંગમાં ભાગ લેશે
ડૉ. ગજ્જરે એવી જાહેરાત પણ કરી હતી કે માનનીય વડા પ્રધાનશ્રીએ રજૂ કરેલા જોય ઑફ ગિવીંગ એટલે કે દાન ઉત્સવ વિચારને પણ જીટીયુ અમલમાં મૂકશે. આગામી બીજીથી આઠમી ઓક્ટોબર દરમિયાન જોય ઑફ ગિવીંગ સપ્તાહની ઉજવણી કરાશે. તે પૂર્વે જીટીયુ સંલગ્ન કૉલેજોના વિદ્યાર્થીઓને રમકડા અને કોઈને ઉપયોગી ન હોય એવી ચીજવસ્તુઓ ફેંકી દેવાને બદલે પોતાને હસ્તક લેવાનું કહેવામાં આવશે. પછી તેની સાફસફાઈ અને મરામત કરીને કે જરૂર લાગે તો તેમાં સુધારાવધારા – વેલ્યુ એડિશન કરીને તેને જરૂરતમંદોને આપવાનું કહેવામાં આવશે.
Comments