top of page

ગુરૂત્વાકર્ષણના તરંગો વિશે સંશોધનના લિગો પ્રોજેક્ટ બાબતે વિદ્યાર્થીઓમાં રસ જાગૃત કરતા ખગોળશાસ્ત્રી

  • Writer: GTU
    GTU
  • Aug 23, 2016
  • 1 min read

 મૂળ વડોદરાના કરણ જાનીએ જીટીયુમાં બ્રહ્માંડના રહસ્યો ઉજાગર કર્યા

અમદાવાદઃ પ્રચંડ ગુરુત્વાકર્ષણ બળ ધરાવતાં બે બ્લૅક હોલ એકબીજાની આસપાસ ફરતાં-ફરતાં જ્યારે એકમેક સાથે જોડાઈ જાય ત્યારે લાખો સૂર્ય જેટલી ઊર્જા ઉત્પન્ન થાય છે અને એ વખતે મુક્ત થયેલા તરંગો (ગ્રેવિટી વેવ્સ) સમગ્ર બ્રહ્માંડમાં ફેલાય છે. તેના વિશે સંશોધન કરવા અમેરિકામાં લેઝર ઇન્ટરફેરોમીટર ગ્રેવિટેશનલ વેવ ઑબ્ઝર્વેટરી (લિગો) વેધશાળા બનાવવામાં આવી છે.આ સંશોધનમાં ભાગ લેનાર સંશોધકોની ટીમમાં મૂળ વડોદરાના ખગોળશાસ્ત્રી કરણ જાની પણ સામેલ હતા. જાનીએ 23 ઓગસ્ટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો સામે બ્રહ્માંડના રહસ્યો ઉજાગર કરતું રસપ્રદ વક્તવ્ય આપ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે લિગો પ્રોજેક્ટ ભારતમાં પણ સ્થાપવામાં આવશે અને તેમાં અમુક યુનિવર્સિટીઓને સંશોધનમાં સહભાગી બનાવવામાં આવશે. લિગો ઈન્ડિયા પ્રોજેક્ટ દેશનો સૌથી મોંઘામાં મોંઘો વિજ્ઞાન સંશોધન પ્રોજેક્ટ બની રહેશે. હાલમાં તેના માટે રૂ. 105 કરોડની ફાળવણી કેન્દ્ર સરકારના પરમાણુ ઊર્જા વિભાગ તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ તરફથી કરવામાં આવી છે. આ અત્યાધુનિક વેધશાળાના નિર્માણ માટે ગાંધીનગરની ઇન્સ્ટિટ્યૂટ ઑફ પ્લાઝમા રિસર્ચ, પુણેની ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફૉર ઍસ્ટ્રોનોમી ઍન્ડ ઍસ્ટ્રોફિઝિક્સ તથા ઇન્દોરની રાજા રામન્ના સેન્ટર ફોર એડ્વાન્સ્ડ ટેક્નૉલૉજીના સંશોધકોની ટીમો કામે લાગી છે.  આ પ્રોજેક્ટ હેઠળ આઠ કિલોમીટર લાંબી બીમ ટ્યુબનું સર્જન કરવામાં આવશે.

તે પ્રોજેક્ટને પગલે વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને ગુરુત્વાકર્ષણ તરંગોના ક્ષેત્રે ઊંડા ખેડાણ કરવાની અસાધારણ તકો મળશે. ભારતીય ઉદ્યોગ જગત માટે સ્પર્ધાત્મક ટેકનોલોજીમાં નોંધપાત્ર તકો લાવશે. આ પ્રોજેક્ટ ભારતીય વિદ્યાર્થીઓ અને નવયુવાન વૈજ્ઞાનિકોને જ્ઞાનના નવાં ક્ષેત્રો શોધવા પ્રોત્સાહિત કરશે તેમજ તેનાથી દેશમાં વૈજ્ઞાનિક સંશોધનને વધુ વેગ મળશે. ગુરૂત્વાકર્ષણના તરંગોના સંશોધનથી આજનો ટેકનોલોજીનો યુગ હજુ વધુ હાઇટેક બનશે. કોમ્પ્યુટરથી આગળ વધી હવે સુપર કોમ્પ્યુટર સુધી પહોંચવામાં અને નેનો ટેકનોલોજીને લગતા સંશોધનોમાં પણ તેનાથી ફાયદો થશે.


IMG_7714

Comments


@ techbeat copyright, 2018

  • w-facebook
  • Twitter Clean
  • White Google+ Icon
bottom of page