છ સ્ટાર્ટ અપ પ્રોજેક્ટોને રૂ. 13 લાખની સહાયના બીજા હપ્તાનું જીટીયુ દ્વારા વિતરણ
- GTU
- Apr 18, 2017
- 2 min read
અમદાવાદઃ ગુજરાત સરકારે છ સ્ટાર્ટ અપ પ્રોજેક્ટોને નાણાકીય સહાય તરીકે ફાળવેલી રકમમાંથી રૂ.13.82 લાખના બીજા હપ્તાનું વિતરણ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) તરફથી નોડલ એજન્સી તરીકે કરવામાં આવ્યું છે.
જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો. (ડૉ) નવીન શેઠના હસ્તે છ સ્ટાર્ટ અપ પ્રોજેક્ટોને ચેકનું વિતરણ કરવામાં આવ્યું તેમાં વીપેઈન્ટ, ઈ-સ્વાસ્થ્ય, સોમરસ, સીપીએમ ઈન્ડસ્ટ્રીઝ, યુથ કનેક્ટ, વિનગ્લોબ ગ્રીનટેકનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટોને અગાઉ માનનીય શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે નાણાકીય સહાયના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્ટાર્ટ અપ અને ઈનોવેશનમાં તેઓની કામગીરીને ધ્યાનમાં રાખીને તેઓને સહાયનો બીજો હપ્તો આપવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટોની કામગીરી અંગે પ્રેઝન્ટેશન આપવાનું કહેવામાં આવે છે અને જીટીયુની નિષ્ણાત ટીમ દ્વારા તેની સમીક્ષા કરીને નાણાકીય સહાય ફાળવવામાં આવે છે.
સ્ટાર્ટ અપ પ્રોજેક્ટો હાથ ધરી રહેલા ઉદ્યોગ સાહસિકોને સંબોધતા વાઈસ ચાન્સેલરશ્રીએ જણાવ્યું હતું કે સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ પોલિસી બનાવીને તેને અમલમાં મૂકનાર ગુજરાત ભારતમાં સૌપ્રથમ રાજ્ય છે. માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ ઈનોવેટીવ સ્ટાર્ટ અપ પ્રોજેક્ટોને રાજ્ય સરકાર તરફથી ઘણી સહાય મળે છે. જીટીયુની કૉલેજોના વધુને વધુ વિદ્યાર્થીઓએ તેનો લાભ લેવો જોઈએ અને અભ્યાસ પૂરો થાય ત્યાં સુધીમાં પોતે નોકરી-ઈચ્છુક નહિ પણ નોકરી-દાતા બની શકે એવા પ્રયાસો કરવા જોઈએ. જીટીયુ આવા વિદ્યાર્થીઓ આગળ આવે તેના માટે ખાસ ટ્રેનિંગ પ્રોગ્રામો મોટા પ્રમાણમાં અમલમાં મૂકવાનું આયોજન કરી રહી છે.
કોઈપણ ઈનોવેટીવ પ્રોજેક્ટનું પ્રોડક્ટમાં રૂપાંતર થઈ શકે એમ હોય અને તેમાંથી આર્થિક રીતે પોષણક્ષમ બને એવો પ્રોજેક્ટ તૈયાર થઈ શકે એમ હોય તો ગુજરાત સરકારના ઉદ્યોગ કમિશનર તરફથી સ્ટાર્ટ અપ નીતિ અન્વયે નાણાકીય સહાય આપવામાં આવે છે. તેના માટે સ્ટાર્ટઅપગુજરાત.ઈન વેબસાઈટ પર જઈને અરજી કરવાની રહે છે અને તેમાં ઈન્સ્ટીટ્યુટમાં નોડલ એજન્સી તરીકે જીટીયુની પસંદગી કરવાની રહે છે. જીટીયુ સ્ટાર્ટ અપના તે પ્રોજેક્ટમાં કેટલી પ્રગતિ થઈ તેની જાણકારી મેળવતી રહે છે અને તેના આધારે વધુ સહાય આપવામાં આવે છે.
જીટીયુમાં છ પ્રોજેક્ટોની સમીક્ષા માટે યોજાયેલી બેઠકમાં વાઈસ ચાન્સેલર ઉપરાંત જીટીયુના રજીસ્ટ્રાર ડૉ. બિપીન જે. ભટ્ટ, જીટીયુ ઈનોવેશન કાઉન્સિલના માનદ નિયામક હિરણ્મય મહંતા, ઈન્ચાર્જ ચીફ એકાઉન્ટ ઑફિસર એમ.એન. પરમાર, ઈન્ટરનલ ઓડિટર ચિત્રાલી પરમાર, ડેપ્યુટી ડાયરેક્ટર ડૉ. પારૂલ ભાટી અને નોડલ ઈન્સ્ટીટ્યુટ ઈન્ક્યુબેશન મેનેજર તુષાર પંચાલ સહિતની ટીમે ભાગ લીધો હતો. સ્ટાર્ટ અપ પ્રોજેક્ટો હાથ ધરી રહેલા ઉદ્યોગ સાહસિકોએ તે બેઠકમાં પોતપોતાના પ્રોજેક્ટની પ્રગતિ અંગે પ્રેઝન્ટેશન આપ્યા હતા.
Commentaires