top of page
  • Writer's pictureGTU

જીટીયુ ગ્રામીણ સંસ્થાઓના વિદ્યાર્થીઓના લાભાર્થે વધુ નોકરી ભરતી મેળા યોજશે

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના ઈન્ટીગ્રેટેડ ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલ તરફથી ગ્રામવિસ્તારોની સંસ્થાઓના વિદ્યાર્થીઓના લાભાર્થે વધુને વધુ સેન્ટ્રલાઈઝ પ્લેસમેન્ટ ફેર યોજવામાં આવશે. આવા નોકરી ભરતી મેળાનો હેતુ ગ્રામવિસ્તારોની જીટીયુ સંલગ્ન સંસ્થાઓમાંથી ઉત્તીર્ણ થયેલા એમબીએ, એન્જીનિયરીંગ, ફાર્મસી, આર્કિટેક્ચર કે ડિપ્લોમાના વિદ્યાર્થીઓને બહુરાષ્ટીય કંપનીઓ તેમજ રાષ્ટ્રીય સ્તરની કંપનીઓમાં નોકરી મળી રહે તેના માટે મદદ કરવાનો છે.

જીટીયુના પ્લેસમેન્ટ વિભાગ તરફથી તાજેતરમાં મારવાડી શેર્સ એન્ડ ફાઈનાન્સ કંપની માટે કેન્દ્રીય નોકરી ભરતી મેળાનું આયોજન ગત 23મીથી 26મી જુલાઈ દરમિયાન કરવામાં આવ્યું હતું. ગુજરાતભરની તે કંપનીની શાખાઓમાં બ્રાન્ચ મેનેજર, રિલેશનશીપ મેનેજર અને ડીલર કમ બેક ઑફિસ સહિતની જગ્યાઓ માટે ભરતી મેળા યોજવામાં આવ્યા હતા. તેમાં વર્ષ 2014થી 2016ની બેચમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને નોકરીની ઑફર કરવામાં આવી હતી. તેમાં 300 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી આશરે 30 વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યા હતા. તેઓને 1.8 લાખના વાર્ષિક વેતન પેકેજની નોકરીની ઑફર કરવામાં આવી છે.

ભવિષ્યમાં જીટીયુ એક્સીસ બૅન્ક એન્ડ સિક્યુરિટીઝ તેમજ સન ફાર્માસ્યુટીકલ્સ માટે પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરશે, જેમાં એન્જીનિયરીંગ, મેનેજમેન્ટ, ફાર્મસી અને આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવશે. આ અગાઉ જીટીયુ તરફથી વિપ્રો કંપની માટે નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઑફ કો-ઓપરેટીવ મેનેજમેન્ટ, ગાંધીનગરના કેમ્પસમાં નોકરી ભરતી મેળો યોજવામાં આવ્યો હતો. જેમાં 90 જગ્યાઓ માટે 3.3 લાખના વાર્ષિક વેતનની ઑફર કરાઈ હતી. તેમાં કૉમ્પ્યુટર સાયન્સ, કૉમ્પ્યુટર એન્જીનિયરીંગ, આઈટી, સર્કિટરી બ્રાન્ચના વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યા હતા. તે અગાઉ એક્સીસ બૅન્કની પેટાકંપની એક્સીસ સિક્યુરિટીઝ માટે રાજ્યભરમાં 240 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી તેમાં જીટીયુના વિદ્યાર્થીઓને તક મળી હતી. ઉદ્યોગો અને જીટીયુ વચ્ચે સંબંધોનો સેતુ વધારે સુદૃઢ બને તે હેતુસર આગામી નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં એચઆર કોન્ક્લેવનું આયોજન કરવામાં આવનાર છે.

Comments


bottom of page