સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આગામી કેમ્પ માટે વિશ્વકર્મા એન્જી. કૉલેજમાં તાલીમ કાર્યક્રમ
અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના વિદ્યાર્થીઓએ નેશનલ સર્વિસ સ્કીમ (એનએસએસ)ના એક અઠવાડિયાના કેમ્પમાં 107 ગામોમાં 9000 શૌચાલયોનું નિર્માણ કર્યું છે. સમાજસેવાનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડતા આ કેમ્પોમાં 57 કૉલેજોના આશરે 6000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. હવે આગામી કેમ્પ માટેનો તાલીમ કાર્યક્રમ અમદાવાદની ચાંદખેડા સ્થિત વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જીનિયરીંગ કૉલેજમાં 21 સપ્ટેમ્બરના રોજ યોજવામાં આવ્યો હતો.
એનએસએસના આવા પ્રથમ કેમ્પનું આયોજન 107 ગામોમાં કરવામાં આવ્યું હતું. તે કેમ્પ બે પ્રકારના રાખવામાં આવ્યા હતાઃ ડે કેમ્પ અને સ્ટે કેમ્પ. ડે કેમ્પમાં વિદ્યાર્થીઓ સમાજસેવાના કાર્ય પછી રાત્રે ઘરે જઈ શકે અને સ્ટે કેમ્પમાં આખું સપ્તાહ ગામડામાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પસંદ કરવામાં આવેલું ગામ કૉલેજથી કેટલું દૂર છે તેના આધારે આ બાબતનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બીજો કેમ્પ પાંચમી સપ્ટેમ્બરથી શરૂ થઈ ચૂક્યો છે અને તે આગામી બીજી ઓક્ટોબર સુધી ચાલશે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સંબોધતા જીટીયુના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર ડૉ. રાજુલ ગજ્જરે જણાવ્યું હતું કે એન્જીનિયર એટલે સમાજની સમસ્યાઓ ઉકેલનાર એવી વ્યાખ્યા આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ ગામડામાં જાય તો સમાજની સમસ્યાઓથી વાકેફ બને અને તેઓ સમાજને ઉપયોગી બને એવા પ્રોજેક્ટો વિકસાવી શકે. એનએસએસ કેમ્પનો આ જ હેતુ છે અને જીટીયુ તેમાં ક્રેડિટ પોઈન્ટ પણ આપે છે.
ભારત સરકારના યુવા અને ખેલકૂદ ખાતાની આ યોજનાનો હેતુ સમાજસેવા વડે વિદ્યાર્થીના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થાય એવા પ્રયાસો કરવાનો છે. તેઓ સમાજની સમસ્યાઓથી વાકેફ બને અને તેને ઉકેલવાના પ્રયત્નો કરે એવો તેનો ઉદ્દેશ છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગુજરાતને ખુલ્લામાં કરાતા જાજરૂથી મુક્ત કરવાનો નિર્ણય સરકારે લીધો છે. તેના માટે 69 લાખ શૌચાલયોની આવશ્યકતા છે. તેમાંના 80 ટકા એટલે કે 16 લાખ શૌચાલયોનું નિર્માણ થઈ ચૂક્યું છે, એવી માહિતી એનએસએસના જીટીયુ કો-ઓર્ડિનેટર કેપ્ટન સી.એસ.સંઘવીએ આપી હતી.
Comments