top of page
Writer's pictureGTU

જીટીયુના સાત સ્ટાર્ટ અપને ગુગલ ક્લાઉડની 20 હજાર ડૉલરની ક્રેડિટ મળી

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના સાત સ્ટાર્ટ અપને ગુગલ ક્લાઉડની 20 હજાર ડૉલરની ક્રેડિટ પ્રાપ્ત થઈ છે. નવી મુંબઈમાં નાસકોમ તરફથી યોજવામાં આવેલા ગુગલ ક્લાઉડ પ્લેટફોર્મ વિશેના વર્કશોપ સીપી 100માં દેશભરના સેંકડો સ્ટાર્ટ અપ દ્વારા અરજી કરવામાં આવી હતી, તેમાંથી 50ની પસંદગી કરાઈ હતી. આમાં જીટીયુના સાત સ્ટાર્ટ અપ પસંદગી પામ્યા હતા.

આઠ કલાકના આ વર્કશોપમાં ભાગ લેનારા સ્ટાર્ટ અપને ક્લાઉડ પ્લેટફોર્મ પર પૂરી પાડવામાં આવતી સેવાઓની જાણકારી આપવામાં આવી હતી. તેમાં ઈન્સ્ટ્રક્ટરે પ્રેઝન્ટેશન અને ડેમાન્સ્ટ્રેશન પણ આપ્યા હતા. તેની સાથોસાથ લેબોરેટરીમાં ક્લાઉડ પ્લેટફોર્મ કેવી રીતે બિઝનેસમાં ઉપયોગી બની શકે તેના વિવિધ પાસાંઓની સમજ આપવામાં આવી હતી. સ્ટાર્ટ અપ કંપનીઓને ગુગલ તરફથી પ્રારંભમાં 300 ક્રેડિટ આપવામાં આવી છે, જેનો બે મહિનામાં ઉપયોગ કરી લીધા બાદ તે કંપનીઓને 20 હજાર ડૉલરની ક્લાઉડ ક્રેડિટ આપવામાં આવશે. આ ક્લાઉડ ક્રેડિટની મદદથી સ્ટાર્ટ અપ કંપનીઓ પોતાની વેબસાઈટ અથવા એપ્લીકેશનનું હોસ્ટીંગ કરી શકશે. આ ક્રેડિટ મળતા તેઓના ખર્ચમાં ઘટાડો થશે અને તેઓને માનવ સંસાધન તથા માર્કેટીંગ પાછળ વધારાનો ખર્ચ કરવો નહિ પડે. વર્કશોપમાં ભાગ લેવા ગયેલી જીટીયુની ટીમનું નેતૃત્વ પ્રોજેક્ટ ઑફિસર કૌશિક અકીવાટકરે કર્યું હતું.

વર્કશોપમાં ભાગ લેનાર જીટીયુના સ્ટાર્ટ અપ વિશે

  1. આલાગ્રાન્ડ.કોમઃ આ સ્ટાર્ટ અપ ગુજરાતનું સૌપ્રથમ ફેશન ઈ-કોમર્સ માર્કેટપ્લેસ છે. તેમાં પ્રાદેશિક બ્રાન્ડ અને ડિઝાઈનરો પોતાની પ્રોડક્ટો મૂકી શકે એવી વ્યવસ્થા છે. છ મહિનાના ટૂંકા ગાળામાં આ સ્ટાર્ટ અપ પર કુલ 15 સ્ટોર અને 25 હજારથી વધુ પ્રોડક્ટ ઉપલબ્ધ બની છે. તેમાં સ્ત્રી – પુરૂષ બંનેના વસ્ત્રોનો સમાવેશ થાય છે.

  2. યુથ કનેક્ટઃ આ સ્ટાર્ટ અપ યુવાપેઢીનો અવાજ બુલંદ બનાવવાનું મિડીયા પ્લેટફોર્મ છે. તેમાં યુવાપેઢીને લગતા અહેવાલો રજૂ કરવામાં આવે છે. તેમાં યુવક-યુવતીઓને લગતા હોટ અને ટ્રેન્ડીંગ અહેવાલો આપવામાં આવે છે. તે દર મહિને 20 લાખ ભારતીય યુવક-યુવતીઓ સુધી ઓનલાઈન પહોંચે છે.

  3. સ્ટાઈલદોડઃ આ સ્ટાર્ટ અપ ઈન્ટીરિયર ડિઝાઈન કન્સેપ્ટ માટે ખાસ બનાવવામાં આવેલું છે. તેનો હેતુ ટેકનોલોજીની મદદથી ઈન્ટીરિયર ડિઝાઈનનો લાભ જાહેર જનતા સુધી પહોંચતો કરવાનો છે. તેના કારણે વિઝ્યુઅલાઈઝેશન ઝડપી અને કાર્યકમ બને એવી વ્યવસ્થા તેમાં કરવામાં આવી છે.

  4. સ્ટુડન્ટડેસ્ક.ઈનઃ આ સ્ટાર્ટ અપ પુસ્તકોની અદલાબદલી કરવા માટેનું વેબસાઈટ અને મોબાઈલ આધારિત મંચ છે. તેની મદદથી વિદ્યાર્થીઓ પુસ્તકોનું ખરીદ-વેચાણ અને અદલાબદલી કરી શકે છે. તેમાં પુસ્તકો, સામયિકો અને અન્ય વાંચનસામગ્રીને આવરી લેવામાં આવે છે.

  5. કરીઅરખોજઃ કારકિર્દી માર્ગદર્શક તરીકે ઉપયોગી બને એવું આ સ્ટાર્ટ અપ છે. અભ્યાસથી માંડીને કાર્કિર્દી સુધીની તમામ બાબતોને આવરી લેવાનો પ્રયાસ તેમાં કરવામાં આવ્યો છે. તેમાં ઈન્ટરનેટ અને મોબાઈલ ફોન બંને પ્રકારના માધ્યમોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

IMG_20160624_141450

Comentários


bottom of page