top of page
  • Writer's pictureGTU

જીટીયુની સંશોધન ક્ષેત્રે હરણફાળઃ અત્યાધુનિક રિસર્ચ સેન્ટરો સ્થપાશે

અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સંશોધનના ક્ષેત્રે હરણફાળ ભરવા તૈયાર થઈ રહી છે અને તે દિશામાં આગેકદમ ભરીને સાત અત્યાધુનિક રિસર્ચ સેન્ટરો સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે રિસર્ચ સેન્ટરોને અદ્યતન રિસર્ચ લેબોરેટરી, લાયબ્રેરી તથા માળખાકીય સુવિધાઓથી સુસજ્જ કરવામાં આવશે. ઉદ્યોગોની લેટેસ્ટ જરૂરિયાતોને અનુરૂપ નિષ્ણાતો મળી રહે તેના માટે શરૂ થનારા આ રિસર્ચ સેન્ટરોમાંઃ (1) સાયબર સિક્યુરિટી, (2) વાયરલેસ અને મોબાઈલ કૉમ્પ્યુટીંગ, (3) ડિઝાઈન એન્જીનિયરીંગ સહિત પર્યાવરણ, ઊર્જા અને ગ્રીન ટેકનોલોજી, (4) વેરી લાર્જ સ્કેલ ઈન્ટીગ્રેશન (વીએલએસઆઈ) અને એમ્બેડેડ સિસ્ટમ્સ, (5) ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટેશન, વોટર એન્જીનિયરીંગ અને વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ્સ, (6) ઓટોમેશન, મેકેટ્રોનિક્સ અને (7) ફાર્મસી વગેરે વિષયના સેન્ટરોનો સમાવેશ કરવામાં આવશે.

રેગ્યુલેશન્સનો ડ્રાફ્ટ તૈયાર

જીટીયુના રેગ્યુલેશન્સ એટલે કે ધારાધોરણો ઘડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી અને તેનો પહેલો ડ્રાફ્ટ તૈયાર છે, જેને બોર્ડ ઑફ ગવર્નન્સ સમક્ષ વિચારવિમર્શ માટે રજૂ કરવામાં આવશે. તેમાં સઘન ચર્ચા કરીને અંતિમ રેગ્યુલેશન્સ બનશે. જેના પરિણામે જીટીયુનું સમગ્ર તંત્ર આયોજનબદ્ધ તેમજ પારદર્શી બનશે. જીટીયુ સંશોધનો હાથ ધરવા, વૈશ્વિકીકરણ અને ઉદ્યોગો સાથેનો સમન્વય મજબૂત બનાવવાની દિશામાં પ્રયાણ કરી શકે તે દિશાનું આ પ્રથમ પગલું બનશે.

વર્લ્ડ ક્લાસ રિસર્ચ સેન્ટરો

જીટીયુના નવા બનનારા રિસર્ચ સેન્ટરો વર્લ્ડ ક્લાસ સુવિધાઓથી સજજ હશે. તેમાં એન્જીનિયરીંગ અને ટેકનોલોજીના ક્ષેત્રે ઉદ્યોગોના વર્તમાન તથા ભાવિ ટ્રેન્ડ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને પીએચડી, અનુસ્નાતક તથા સ્નાતક કક્ષાના પ્રોજેક્ટ કરી શકાશે. જીટીયુના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર ડૉ. રાજુલ ગજ્જરના અધ્યક્ષપદે આ સેન્ટરો સ્થાપવા માટે નિષ્ણાત સમિતિઓની રચના કરીને તેના વિગતવાર પ્રોજેક્ટ અહેવાલ (ડીપીઆર) તૈયાર કરવામાં આવ્યા છે. આ સમગ્ર પ્રોજેક્ટ તબક્કાવાર ધોરણે અમલમાં મૂકવામાં આવશે. જેથી અગ્રક્રમે હાથ ધરવાની નવી બાબતો તેમજ તકોને તેમાં સામેલ કરી શકાય.

રૂ. 100 કરોડની ફાળવણી

નવા સેન્ટરો માટે અનુભવી તથા ઉત્કૃષ્ટ લાયકાત ધરાવતા પ્રોફેસરો, એસોસિયેટ પ્રોફેસરો અને આસિસ્ટન્ટ પ્રોફેસરોની નિમણુકની પ્રક્રિયા ટૂંકસમયમાં હાથ ધરવામાં આવશે. તે જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરખબર અખબારોમાં પ્રગટ થઈ ચૂકી છે. એવી જ રીતે ઈમારતો સહિતની માળખાકીય સુવિધાઓ બનાવવા સરકારે જીટીયુને રૂ. 100 કરોડની ફાળવણી કરી છે. તેમાં લેબોરેટરી, ક્લાસરૂમો, લાયબ્રેરી, કૉમ્પ્યુટીંગ સેન્ટરો અને હોસ્ટેલ વગેરે સવલતોને આવરી લેવામાં આવશે. તેના માટે માર્ગ અને પુલ વિભાગ તરફથી વિગતવાર પ્લાન અને લેઆઉટ બનાવવામાં આવી ચૂક્યા છે અને ટૂંકસમયમાં બાંધકામનો પ્રારંભ થશે. અનુભવી અને નિષ્ણાત ફેકલ્ટી મેમ્બરોની નિમણુક થઈ જાય ત્યારપછી તે સેન્ટરો માટે આવશ્યક સાધનસામગ્રી, સોફ્ટવેર, પુસ્તકો અને જર્નલો વગેરેની ખરીદી શરૂ કરવામાં આવશે.

ઈનોવેટીવ રિસર્ચ અને ઉદ્યોગોનો સહભાગ

જીટીયુ સ્નાતક સ્તર સુધીના અભ્યાસક્રમમાં વિશાળ ઈનોવેશન ઈકોસિસ્ટમ ધરાવે છે. પરંતુ તેમાંથી ઘણા વિદ્યાર્થીઓ પોતાના વિચારોને ઉચ્ચ કક્ષાના પ્રોજેક્ટ તરીકે સાકાર કરી શકતા ન હતા. એવી જ રીતે પીએચડી કોર્સ પાર્ટ ટાઈમ તરીકે ચલાવવામાં આવી રહ્યા છે. હવે નવી સુવિધાઓ તૈયાર થઈ જતાં કોઈપણ ઉંમરની વ્યક્તિ જીટીયુમાં રિસર્ચ કરી શકશે અને વૈશ્વિક ધોરણો મુજબ પેટન્ટ હાંસલ કરી શકશે. આપણા દેશમાં સ્માર્ટ સિટી અને સ્માર્ટ વિલેજનો કન્સેપ્ટ ચર્ચાઈ રહ્યા છે, ત્યારે જીટીયુના સંશોધનકારો ઉદ્યોગો તેમજ સમાજજીવનના રિયલ-લાઈફ પ્રોબ્લેમ્સ હલ કરવાની દિશામાં નક્કર કાર્ય કરી શકશે. આ સેન્ટરોમાં રિસર્ચની કામગીરી એન્જીનિયરીંગના કોઈ ચોક્ક્સ એક વિભાગ પૂરતી મર્યાદિત નહિ હોય પણ તેમાં બધા વિભાગોને સાંકળી લેવામાં આવશે. આમ આ અનોખી પહેલને પરિણામે સમાજજીવન તેમજ ઉદ્યોગોની સમસ્યાઓ હલ કરવાને લગતા લેટેસ્ટ રિસર્ચ હાથ ધરવામાં આવનાર હોવાથી આપોઆપ ઉદ્યોગજગતનું ધ્યાન તેના પર આકર્ષિત થશે. જેથી ઉદ્યોગોની આવશ્યકતા મુજબના મુદ્દાઓને રિસર્ચમાં આવરી લેવાશે જ તે ઉપરાંત સ્પોન્સર્ડ પ્રોજેક્ટો પણ હાથ ધરવામાં આવશે અને ઉદ્યોગોને લેટેસ્ટ ટેક્નોલોજી મુજબના ઈનોવેટીવ સોલ્યુશન મળી રહે એ પ્રકારના સંશોધનલક્ષી પ્રોજેક્ટો પર કામ કરવામાં આવશે.

Comments

Couldn’t Load Comments
It looks like there was a technical problem. Try reconnecting or refreshing the page.
bottom of page