જીટીયુ રિસર્ચ મેથડોલોજીમાં 100 પ્રાધ્યાપકોને તાલીમ આપશે
- GTU
- Jul 8, 2016
- 1 min read
અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના સેન્ટર ફોર ગવર્નન્સ સિસ્ટમ્સ અને સેન્ટર ફોર ફાઈનાન્શિયલ સર્વિસીઝના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય સ્તરનો એક સપ્તાહનો ખાસ તાલીમ કાર્યક્રમ યોજશે. જેમાં બેઝિક્સ ઑફ રિસર્ચ મેથડોલોજી વિશે એન્જીનિયરીંગ તેમજ મેનેજમેન્ટ કૉલેજોના આશરે 100 પ્રાધ્યાપકોને આગામી 11મીથી 17મી જુલાઈ દરમિયાન તાલીમ આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં દેશ-વિદેશની પ્રતિષ્ઠિત સંસ્થાઓના નિષ્ણાતો તાલીમ આપવા આવશે, જેમાં ડૉ. નિશીથ ભટ્ટ, ડૉ. અશોક મિત્તલ, ડૉ. મમતા બ્રહ્મભટ્ટ, ડૉ. બલવીન્દર સિંહ, ડૉ. રાજેશ મોદી અને ડૉ. રિતેશ પટેલનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં ભાગ લેનારા પ્રાધ્યાપકો વિદ્યાર્થીઓના સંશોધનકાર્યને સુદૃઢ બનાવી શકે તેવા વિષયો પર ભાર મૂકવામાં આવશે. ખાસ કરીને હાયપોથેસીસ ટેસ્ટીંગ, કોરિલેશન અને રિગ્રેશન, મૂળભુત વલણનું પ્રમાણમાપ, વેરીએબલ્સનું પ્રમાણ, આકારનું માપ, વર્ણનાત્મક આંકડાશાસ્ત્ર, સંભાવનાત્મક વિતરણ, અહેવાલ વિવેચન, રેફરન્સ આપવાની પદ્ધતિ વગેરે બાબતોને તેમાં આવરી લેવામાં આવશે.
આ કાર્યક્રમનો હેતુ પ્રાધ્યાપકોને ડેટાનો સાર કેમ બનાવવો, અંદાજ કેવી રીતે કાઢવા અને ટેસ્ટીંગ હાયપોથેસીસ વગેરે મુદ્દાઓને આવરી લઈને રિસર્ચ મેથડોલોજીની પાયાની તાલીમ પૂરી પાડવાનો છે. તેમાં સેમ્પલ સ્ટેટેસ્ટીક્સ અને તેનો આધાર લઈને સંશોધનકાર્યને કેવી રીતે આગળ વધારવું તેની તાલીમ પણ આપવામાં આવશે. વર્તમાન સંજોગોમાં નિર્ણય લેવાની પ્રક્રિયા અનેક વ્યક્તિઓને સાંકળી લેતી હોય છે જેના પરિણામે તે વધારે ગુંચવણભરી બને છે. સમસ્યાઓ વિશે સંશોધન કરીને તેના ઉપાયો શોધવામાં આવે તો બિઝનેસ, અર્થતંત્ર અને સમાજને ફાયદો થઈ શકે. આ બાબતને ધ્યાનમાં રાખીને ખાસ તાલીમસત્રનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમાં આંકડાશાસ્ત્રને લગતા વિશ્લેષણ અને વિવિધ પ્રકારની ટેકનિક કેવી રીતે ઉપયોગી બની શકે તે સમજાવવામાં આવશે. ડિઝાઈન થિંકીંગ મારફતે વિદ્યાર્થીઓના સંશોધનોને મજબૂત કેવી રીતે બનાવી શકાય તેની તાલીમ પણ આ ફેકલ્ટી ડેવલપમેન્ટ કાર્યક્રમમાં આપવામાં આવશે.
Kommentarer