જીટીયુ સંલગ્ન તમામ સંસ્થાઓ તરફથી નવા વાઈસ ચાન્સેલરનું ભવ્ય સન્માન
- GTU
- Feb 27, 2017
- 2 min read
યુજીસીનું 12(બી) સર્ટીફિકેટ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવાની જીટીયુની મહત્ત્વની જાહેરાત
જીટીયુ સંલગ્ન તમામ સંસ્થાઓ તરફથી નવા વાઈસ ચાન્સેલરનું ભવ્ય સન્માન
અમદાવાદઃ જીટીયુના નવા વાઈસ ચાન્સેલર તરીકે પોતાનું વિઝન સ્પષ્ટ કરતા પ્રો. (ડૉ) નવીન શેઠે જણાવ્યું હતું કે મેં ચાર્જ સંભાળ્યા બાદ સૌથી પહેલું કામ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)નું 12 (બી) સર્ટીફિકેટ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવાનું કર્યું છે. તેના માટે જરૂરી જમીન ફાળવવા સરકારે તૈયારી દર્શાવી છે. જીટીયુના રૂલ્સ-રેગ્યુલેશન્સનો ડ્રાફ્ટ તૈયાર છે અને તેને યુનિવર્સિટીના કાયદા વિભાગને સોંપવામાં આવ્યો હોઈ તે દિશામાં ટૂંકસમયમાં પરિણામ પ્રાપ્ત થશે, એવો અણસાર તેમણે આપ્યો હતો.
જીટીયુ અને સંલગ્ન કૉલેજો વચ્ચે સમન્વય વધુ સુદૃઢ બનાવવા 26મી ફેબ્રુઆરીને રવિવારે સાંજે ચાર વાગ્યે જીટીયુના ચાંદખેડા કેમ્પસમાં ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જીટીયુ સંલગ્ન તમામ સંસ્થાઓના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણવિદો અને સંસ્થાઓના સંચાલકો એક મંચ પર એકત્ર થયા હતા. કાર્યક્રમમાં ચારુત્તર વિદ્યા મંડળના પ્રમુખ ડૉ. સી.એલ. પટેલ, એલ.જે. ગ્રુપના મનિષ શાહ, જીટીયુના ડીન ડૉ. એન.એમ. ભટ્ટ, ડિપ્લોમા સેલ્ફ ફાઈનાન્સ કૉલેજો વતી સમીર પંડ્યા, જીટીયુના ડિરેક્ટર ડૉ. રાજુલ ગજ્જર, સિલ્વર ઓક કૉલેજ ઑફ એન્જીનિયરીંગ સહિતની વિવિધ કૉલેજોના ટ્રસ્ટી જનક ખાંડવાલા સહિતના અગ્રણીઓએ વક્તવ્યો આપ્યા હતા. આ પ્રસંગે જીટીયુ સંલગ્ન સંસ્થાઓ વતી પ્રો. (ડૉ) શેઠનું ભવ્ય સન્માન પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નવા સુકાની સાથે ટીમનો તાલમેલ વધે તે રીતે કૉલેજો અને યુનિવર્સિટી વચ્ચે સંકલન વધારવાનો છે. તે ઉપરાંત વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને સકારાત્મક કાર્યો થઈ શકે એવો પણ છે, એમ કાર્યક્રમના કો-ઓર્ડિનેટર અને જીટીયુના બોર્ડ ઑફ ગવર્નન્સના સભ્ય જનક ખાંડવાલાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે જીટીયુનું સ્તર સુધારવા અને જીટીયુ સંલગ્ન તમામ કૉલેજોના વિદ્યાર્થીઓની ગુણવત્તા બહેતર બનાવવા જે કંઈ પગલાં લેવામાં આવશે તેને અમારો સંપૂર્ણ ટેકો રહેશે. જીટીયુના ઉજ્જવળ ભવિષ્ય માટે સંલગ્ન સંસ્થાઓ તરફથી આ બેઠકમાં ટેકો જાહેર કરીને સંયુક્તપણે કામ કરવાની બાંહેધરી આપવામાં આવી હતી.
પ્રો. (ડૉ) શેઠે કહ્યું હતું કે જીટીયુમાં 20 ટકા એડજંક્ટ પ્રોફેસરો લાવવાનો મહત્ત્વનો નીતિવિષયક નિર્ણય મેં લીધો છે. તે નિર્ણય અનુસાર આઈઆઈટી, એનઆઈટી અને અન્ય રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાંથી નિષ્ણાત પ્રોફેસરોને લાવવામાં આવશે, જેઓ ફક્ત યુનિવર્સિટીમાં જ નહિ બલકે જીટીયુ સંલગ્ન કૉલેજોમાં જઈને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરૂં પાડશે. જીટીયુ સંલગ્ન કૉલેજોમાં વિદ્યાર્થીઓની ગુણવત્તા બહેતર બનાવવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રો. શેઠે કૉલેજોને શિક્ષણની ગુણવત્તાનો મુદ્દો આવે ત્યારે કોઈ શોર્ટકટ ન અપનાવતા કાળજીપૂર્વક પગલાં લેવા અનુરોધ કર્યો હતો. બેઠકમાં વિવિધ કૉલેજોના સંચાલકોએ ઝોનવાર બેઠકો યોજવાની માગણી રજૂ કરી હતી, જેને વાઈસ ચાન્સેલરે માન્ય રાખી હતી. અમુક કૉલેજોના સંચાલકોએ ક્રેડિટ આપવામાં કૉલેજોને આંશિક સ્વાયત્તતા આપવા સહિતના વિવિધ સૂચનો કર્યા હતા. જેના પ્રતિસાદમાં પ્રો. શેઠે તે બાબતે સક્રિય વિચારણા કરવાની ખાતરી આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે જીટીયુ સરકાર માટે રોલ મોડેલ યુનિવર્સિટી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે સ્ટાર્ટ અપ પોલિસી જાહેર કરી તેમાં જીટીયુની મદદ માગી હતી. તે નીતિ ઘડવામાં જીટીયુની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની રહી હતી. તાજેતરમાં નીતિ આયોગ, રેલવે મંત્રાલય અને બાયોટેકનોલોજી વિભાગ સાથેની દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં પણ વિવિધ સમસ્યાઓ હલ કરવામાં જીટીયુની મદદ માગવામાં આવી હોવાનો ઉલ્લેખ તેમણે કર્યો હતો. આમ સરકારને પણ જીટીયુ પાસે ઘણી અપેક્ષા હોવાનો નિર્દેશ તેમણે કર્યો હતો. ઈ-જર્નલ સબસ્ક્રીપ્શન, ટેકનોલોજી ટ્રાન્સફર અને ટેકફેસ્ટ જેવા કાર્યક્રમો કૉલેજોમાં યોજવા જીટીયુ અને સરકાર ભંડોળ આપવા તૈયાર છે, પણ કૉલેજો તેનો બહોળા પ્રમાણમાં લાભ લે એવી અપેક્ષા પણ તેમણે વ્યક્ત કરી હતી.

Comments