અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સંલગ્ન સંસ્થાઓ તરફથી ડૉ. અક્ષય અગ્રવાલને વિદાયમાન અને ડૉ. રાજુલ ગજ્જરનો સ્વાગત કાર્યક્રમ શનિવાર, 11 જૂનના રોજ સાંજે છ વાગ્યે જીટીયુના ચાંદખેડા કેમ્પસમાં યોજાશે. જેમાં જીટીયુ સંલગ્ન કૉલેજોના પ્રિન્સીપાલો, ડિરેક્ટરો, મેનેજીંગ ટ્રસ્ટીઓ અને જીટીયુના ઑફિસરો ઉપસ્થિત રહેશે.
ગત બુધવારે જીટીયુના વાઈસ ચાન્સેલરપદેથી ડૉ. અક્ષય અગ્રવાલની મુદત પૂરી થતાં વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જીનિયરીંગ કૉલેજના પ્રિન્સીપાલ ડૉ. રાજુલ ગજ્જરે ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. ડૉ. અગ્રવાલે છ વર્ષમાં કરેલી વિશિષ્ટ કામગીરીને બિરદાવવા અને ડૉ. ગજ્જરને આવકારવા આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. ડૉ. અગ્રવાલે જીટીયુને વૈશ્વિક ફલક પર નામાંકિત યુનિવર્સિટી તરીકે પહોંચાડીને અનેક વિદેશી યુનિવર્સિટીઓ સાથે કરાર કર્યા હતા. જેના ફળસ્વરૂપે દર વર્ષે જીટીયુના આશરે 300 વિદ્યાર્થીઓને છ સપ્તાહ વિદેશ અભ્યાસ કરવા જવાની તક મળે છે. એવી જ રીતે 40 દેશોના વિદ્યાર્થીઓ જીટીયુ સંલગ્ન કૉલેજોમાં અભ્યાસ કરે છે.
ડૉ. અગ્રવાલે સ્ટાર્ટ અપના ક્ષેત્રમાં કરેલી પહેલની નોંધ રાષ્ટ્રીય સ્તરે લેવાઈ છે. ખાસ કરીને જીટીયુની સ્ટાર્ટ અપ નીતિના આધારે અનેક ટેકનોલોજીકલ યુનિવર્સિટીઓએ એવી નીતિ અમલમાં મૂકી છે. રાષ્ટ્રીય સ્ટાર્ટ અપ મિશન પ્લાનમાં પણ જીટીયુની ભૂમિકા મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે જીટીયુને નોડલ એજન્સી જાહેર કરી છે. જીટીયુની આ નીતિથી પ્રભાવિત થયેલા એઆઈસીટીઈના ચેરમેન ડૉ. અનિલ સહસ્ત્રબુદ્ધેએ ડૉ. અગ્રવાલને એઆઈસીટીઈની સ્ટાર્ટ અપ કમિટીમાં ચેરમેન બનાવ્યા છે.
ડૉ. અગ્રવાલે કેળવણી અને ઉદ્યોગો વચ્ચેનો સેતુ મજબૂત બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમની પ્રેરણાથી 25 સંકુલો સ્થાપવામાં આવ્યા છે, જેમાં વિદ્યાર્થીઓ ઉદ્યોગોની મુલાકાત લઈ તેઓની સમસ્યાઓ હલ કરવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. તે ઉપરાંત અભ્યાસક્રમમાં ઉદ્યોગોની વર્તમાન આવશ્યકતા અનુસાર તેમજ ટેકનોલોજીના લેટેસ્ટ સંશોધનો અનુસાર ફેરફારો કરવા ઔદ્યોગિક નિષ્ણાતોની મદદ લેવી એ ડૉ. અગ્રવાલની મહત્ત્વની કામગીરીનું એક નોંધપાત્ર પાસું રહ્યું છે. તેના પરિણામે વિદ્યાર્થીઓ ઉદ્યોગોના વર્તમાન પ્રવાહો સાથે તાલમેલ મેળવવા સુસજ્જ બન્યા છે.
Comments