અમદાવાદઃ જો તમે આગામી પાંચ – દસ વર્ષનું આયોજન નહિ કરો તો તમે ફેંકાઈ જશો કે કદાચ ભૂતકાળ બની જશો. વિશ્વમાં વિપુલ તકો રહેલી છે. ગળાકાપ સ્પર્ધા અને ઉદ્યોગ સાહસિકતાના આ જમાનામાં આપણે આપણા લક્ષ્યોને નિર્ધારિત કરવા જ પડશે, એવી સલાહ ટેક મહિન્દ્રાના મેનેજીંગ ડિરેક્ટર અને સીઈઓ તેમજ નાસકોમના અધ્યક્ષ સી.પી.ગુરનાનીએ વિદ્યાર્થીઓને આપી હતી.
નાસકોમની પ્રાદેશિક કાઉન્સિલ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ), દેવાંગ મહેતા ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ગેસિયાના સંયુક્ત ઉપક્રમે શ્રી દેવાંગ મહેતા આઈટી એવોર્ડ સમારોહ અમદાવાદના ટાગોર હૉલમાં યોજાયો તેમાં ગુરનાનીએ ઉપરોક્ત ઉદ્ગારો વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે છેલ્લા 15 વર્ષમાં આઈટી ઉદ્યોગ 150 અબજ ડૉલરનો ઉદ્યોગ બન્યો છે. તેમાં 35 લાખ લોકોને રોજીરોટી મળે છે. ભવિષ્યમાં ડ્રાયવર રહિત મોટરનો જમાનો આવશે અને તેમાં ઓટોમેશન વધતા પ્રારંભિક તેમજ મધ્યમ સ્તરની નોકરીઓના પ્રમાણમાં ઘટાડો થશે. તમે એવો માર્ગ પસંદ કરો કે જેના પર વધારે પડતી ભીડ ન હોય.
શ્રી દેવાંગ મહેતા આઈટી એવોર્ડ માટે 73 કૉલેજોના વિદ્યાર્થીઓએ કુલ 93 પ્રોજેક્ટો સુપરત કર્યા હતા. ઉદ્યોગ અને શિક્ષણ જગતના નિર્ણાયકોએ તેમાંથી 16 ઈનોવેટીવ પ્રોજેક્ટો પસંદ કર્યા હતા. તેમાંના ચાર પ્રોજેક્ટોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. વિજેતા કૉલેજોમાંઃ
સાર્વજનિક કૉલેજ ઑફ એન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજી, સુરત
જી.એચ.પટેલ કૉલેજ ઑફ એન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજી, વલ્લભ વિદ્યાનગર
એ.ડી.પટેલ ઈન્સ્ટીટ્યુટ ઑફ ટેકનોલોજી, વલ્લભ વિદ્યાનગર અને
ચરોત્તર યુનિવર્સિટી ઑફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ચાંગાનો સમાવેશ થાય છે.
જીટીયુના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર ડૉ. રાજુલ ગજ્જરે જણાવ્યું હતું કે એડવાન્સ પર્સનલાઈઝ લર્નિંગ, એડવાન્સ વરચ્યુઅલ રિયાલિટી, એડવાન્સ હેલ્થ ઈન્ફોર્મેટીક્સ, સાયબરસ્પેસની સલામત વ્યવસ્થા, એક્સેસ ટુ ગ્રીનફિલ્ડ ટેકનોલોજી વગેરે પડકારો ભવિષ્યમાં એન્જીનિયરીંગમાં જોવા મળશે. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું હતું કે તમે બધા ઉજ્જવળ ભવિષ્યનો આધાર છો, દેશવાસીઓ તમારા બધા પ્રત્યે આશાભરી મીટ માંડીને બેઠા છે. આપની કામગીરીમાં ઉત્કૃષ્ટતા અને ગુણવત્તા હોય તો પ્રગતિ કરવા આપને ભાષાની તકલીફ નહિ પડે. કલ્પનાશક્તિ વડે આપને અનંત શક્તિ મળી શકે છે.
ટી.ચેંદીલ કુમારે વિદ્યાર્થીઓને સંદેશાવ્યવહાર અને આપની શક્તિ વિશે ટીપ્સ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે દુનિયા ઝડપથી બદલાઈ રહી છે. જો તમે બદલાશો નહિ તો દુનિયામાંથી ખોવાઈ જશો. તેમણે ઓલ્વીન ટેફલરના ઉદ્ગારને ટાંકીને ક્હ્યું હતું કે 21મી સદીમાં જે વ્યક્તિ લખી-વાંચી નહિ શકે તે અભણ નહિ ગણાય પણ જેનામાં કંઈક અવનવું શિખવાની તમન્ના ન હોય તેવી વ્યક્તિ અભણ ગણાશે.
ગેસિયાના મૌલિક ભણસાલીએ વિદ્યાર્થીઓના 16 ઈનોવેટીવ પ્રોજેક્ટોને મેન્ટરશીપ અને માર્કેટ એપ્રોચ આપવાની ઑફર કરી હતી. દેવાંગ મહેતા ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટી પી. શ્રીગણેશ, વિવેક ઓગરા અને કૈલાસબેન ઠક્કર વતી ફાઉન્ડેશનના ડેપ્યુટી ડાયરેક્ટર ડૉ. ચેતન સામંતે સંસ્થાની પ્રવૃત્તિઓ તેમજ એવોર્ડ માટેની પસંદગીની પ્રક્રિયાની જાણકારી આપી હતી. નિર્ણાયકો – પ્રો. વાય.આઈ.શાહ, પ્રો. અસીમ બેનરજી, પ્રકાશ અડવાણી અને જૈમીન શાહનું આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર એવોર્ડ પસંદગી પ્રક્રિયાના કો-ઓર્ડિનેશનમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર જીટીયુના કિંજલ દવે અને હેમા રાજપુતનું સન્માન કરવામાં આવ્યું હતું. સમારોહમાં જીટીયુના ડેપ્યુટી ડાયરેક્ટર ડૉ. પારુલકુમારી ભાટી પણ ઉપસ્થિત હતા.
Projects
પેરેલાઈઝ્ડ વ્યકિતને મદદ કરતું ‘આઈ-રાઈટર‘ વિદ્યાનગરની જી.એચ.પટેલ એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ જીગર માંગુકિયા અને વિશ્વા ગાંધીએ બીજા પર ડિપેન્ડન્ટ રહેલા પેશન્ટને મદદ કરવા માટે આઈરાઈટર નામનું મશીન બનાવ્યું છે. આ પ્રોજેક્ટમાં ચશ્મા ઉપર એક કેમેરા ફીટ કરવામાં આવે છે અને આ કેમેરાને કમ્પ્યુટર સાથે એટેચ કરવામાં આવે છે. પેરેલાઈઝ્ડ પર્સન આંખની મૂવમેન્ટ દ્વારા કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર પોતાની ઈચ્છા ટાઈપ કરી શકે છે. આ રીતે બીજા ઉપર આધારિત રહેતી વ્યક્તિ પોતાની જરૂરતો અંગે બીજાને માહિતગાર કરી શકે છે.આ પ્રકારના મશીન માર્કેટમાં અવેલેબલ છે, પણ આ વિદ્યાર્થીઓએ આ મશીન માત્ર ૩થી ૪ હજારની કિંમતમાં તૈયાર કરી દેખાડયું છે જે તેની સૌથી મોટી ખાસિયત છે.
વીજ વપરાશ ઘટાડવામાં મદદરૂપ એમ.ડિટેક્શન સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરીંગની વિદ્યાર્થિનીઓ અવની રાઠોડ, સાન્યા બદાની અને તન્વી પટેલે તૈયાર કરેલું એમ. ડિટેક્શન આખા શહેરનો વિજ વપરાશ ઘટાડવામાં મદદરૂપ થઈ શકે તેમ છે. આ ડિવાઈસ મોશન ડિટેક્શન ટેકનોલોજી પર કામ કરે છે. આ ડિવાઈસ એનેબલ કરવામાં આવતા સાંજના ૬થી ૧૨ દરમિયાન શહેરની સ્ટ્રીટ લાઈટ્સ ચાલુ જ રહેશે. જ્યારે રાતના ૧૨થી સવારના ૫ દરમિયાન જ્યારે વાહનોની અવરજવર ઓછી હોય છે ત્યારે જ્યારે વાહન પસાર થશે માત્ર ત્યારે જ સ્ટ્રીટ લાઈટ ચાલુ થશે. વળી કોઈ જગ્યાની લાઈટ્સ ખરાબ થઈ ગઈ હશે ત્યારે ડિવાઈસ કન્સર્ન્ડ પર્સનને મેસેજ પણ કરશે.
ઓટોમેટેડ કુકિંગ મશીન એ.ડી.પટેલ ઈન્સ્ટિટયૂટના વિદ્યાર્થીઓ સોહેલ ટ્રંકવાલા અને ચિન્મય સુખડીયાએ બનાવેલું ઓટોમેટેડ કુકિંગ સિસ્ટમ વ્યસ્ત લોકોની લાઈફ ઈઝી બનાવશે. આ મશીનમાં માત્ર એક સ્વીચ દબાવી અનેક જાતની કરી. સબ્જી તથા અન્ય ડીશો રાંધી શકાશે.
ઈલેકટ્રીક ઈક્વિપમેન્ટસને કોઈ પણ જગ્યાએથી મેનેજ કરતું સ્માર્ટપ્લગ ચારુસેટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દિવ્યેશ બલર અને ધુ્રવિક પટેલે તૈયાર કરેલું એફોર્ડેબલ સ્માર્ટપ્લગ લાઈફને વધારે આસાન બનાવવાનું કામ કરશે. આ ડિવાઈસથી વર્લ્ડના કોઈ પણ ખૂણેથી ઘરના ઈલેકટ્રીક ઈક્વિપમેન્ટસને મેનેજ કરી શકાશે. વળી આ ડિવાઈસ ઘરના વીજળી વપરાશનું મોનિટરીંગ કરીને દર મહિનાનું એપ્રોક્ષ બિલ પણ બતાવશે. આ ડિવાઈસમાં સ્વીચ મોબિલીટી નામના ફંકશનથી ઘરના કોઈ પણ ભાગની સ્વીચને કોઈ પણ જાતનું વાયરિંગ ચેન્જ કર્યા વિના બીજી સ્વીચ વડે ઓપરેટ કરી શકાશે. આ વિદ્યાર્થીઓએ આ ડિવાઈસ માત્ર ૩૦૦૦ની કિંમતમાં તૈયાર કરીને બતાવ્યું છે.
Comments