અમદાવાદઃ માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ રેડિયો પર મન કી બાત કાર્યક્રમમાં કરેલા અનુરોધને પગલે ગત બીજીથી આઠમી ઑક્ટોબર દરમિયાન સમગ્ર દેશમાં “દાન ઉત્સવ – જૉય ઑફ ગિવિંગ સપ્તાહ” તરીકે ઊજવવામાં આવ્યુ હતું. અમદાવાદની ચાંદખેડા સ્થિત વિશ્વકર્મા સરકારી ઇજનેરી કૉલેજ માં કાર્યરત એનએસએસના સ્વયંસેવકોએ તારીખ 28 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર સુધી આ દાન – ઉત્સવની ઊજવણીમાં પોતાનું યોગદાન આપ્યું હતું.
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના વાઇસ ચાન્સેલર ડૉ.રાજુલ ગજ્જરે જીટીયુમાં સમાવિષ્ટ દરેક કૉલેજોમાં આ સપ્તાહની ઊજવણી કરવાની પહેલ કરી હતી. તેમની આ પહેલના ભાગરૂપે વિશ્વકર્મા કૉલેજમાં થયેલી ઊજવણીના પ્રથમ સપ્તાહ દરમિયાન વિદ્યાર્થીઓએ કૉલેજમાંથી તથા કૉલેજની આસપાસની સોસાયટીઓમાંથી કપડાં, વાસણ, પગરખાં અને ઘરવપરાશમાં ઉપયોગી એવી 2000 થી પણ વધારે વસ્તુઓ એકઠી કરી હતી. આ અનોખા અભિયાનને કોલેજના વિદ્યાર્થીઓ, પ્રોફેસરો તથા સોસાયટીના રહિશોનો અભૂતપૂર્વ સહયોગ પ્રાપ્ત થયો હતો. ત્યારબાદ બીજા સપ્તાહ દરમિયાન એકઠી કરવામાં આવેલી ચીજવસ્તુઓનું કૉલેજ આસપાસના વિસ્તારમાં વસવાટ કરતાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોના આ સમાજઉપયોગી કાર્યને વિશ્વકર્મા કોલેજના પ્રિન્સીપાલ અને જીટીયુના વાઈસ ચાન્સેલર ડૉ. રાજુલ ગજ્જર દ્વારા બિરદાવવામા આવ્યુ હતુ અને ભવિષ્યમાં આવા સમાજઉપયોગી કાર્યો કરતાં રહેવા માટે વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોને શુભેચ્છા આપી હતી. કૉલેજના એનએસએસ યુનિટના પ્રોગ્રામ ઓફિસર પ્રો. અલ્પેશ દાફડાએ જણાવ્યું હતું કે સમાજસેવા સમાજના દરેક સ્તરને અસર કરે ત્યારે જ એનું મહત્વ જળવાઈ રહે છે અને અમે આ કાર્ય દ્વારા સમાજના અલગ-અલગ સ્તર સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે.
Komentar