સાઉદી અરેબિયાના પ્રોફેસરે જીટીયુના પ્રોફેસરોને આપી તાલીમ
અમદાવાદઃ માનવજીવનને બહેતર બનાવે, સમાજની સમસ્યાઓ હલ કરવામાં ઉપયોગી બને અને સમાજમાં પરિવર્તનનું પ્રેરક બને એવું સંશોધન જ કંઈક અર્થસભર ગણાય. રિસર્ચ હંમેશા વ્યાપક વિચારસરણી ધરાવતું હોવું જોઈએ અને તે ફક્ત શૈક્ષણિક ન હોવું જોઈએ. જેમાં માત્ર શૈક્ષણિક રિસર્ચનો જ સમાવેશ હોય તે તો એવું સંશોધન પત્ર ગણાય કે તેનાથી સમાજને કંઈ ફાયદો થાય નહિ. આપણે બધાએ એવી માનસિકતામાંથી બહાર આવવાની આવશ્યકતા છે, એમ સાઉદી અરેબિયાથી આવેલા પ્રાધ્યાપક ડૉ. રાજેશ મોદીએ આજે જણાવ્યું હતું.
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના સેન્ટર ફોર ગવર્નન્સ સિસ્ટમ્સ અને સેન્ટર ફોર ફાઈનાન્શિયલ સર્વિસીઝના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય સ્તરનો એક સપ્તાહનો ખાસ તાલીમ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. જેમાં બેઝિક્સ ઑફ રિસર્ચ મેથડોલોજી વિશે એન્જીનિયરીંગ તેમજ મેનેજમેન્ટ કૉલેજોના આશરે 100 પ્રાધ્યાપકોને 11મીથી 17મી જુલાઈ દરમિયાન તાલીમ આપવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં દેશ-વિદેશની પ્રતિષ્ઠિત સંસ્થાઓના નિષ્ણાતો તાલીમ આપી રહ્યા છે. આ કાર્યક્રમમાં ભાગ લેનારા પ્રાધ્યાપકો વિદ્યાર્થીઓના સંશોધનકાર્યને સુદૃઢ બનાવી શકે તેવા વિષયો પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ડૉ. મોદીએ તે કાર્યકમમાં જણાવ્યું હતું કે રિસર્ચ એટલે ફ્કત લખનાર વ્યક્તિ અને તેને માર્ગદર્શન આપનાર વ્યક્તિ એ બે જ વાંચે એવું સંશોધન નહિ, પણ સૌકોઈને રસ પડે, બધાને ઉપયોગી બને એવું સંશોધન.
ડૉ.મોદી હાલમાં સાઉદી અરેબિયાની યાનબુ ઈન્ડસ્ટ્રીયલ કૉલેજમાં સેવા આપી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે સાઉદી અરેબિયામાં કે.જી.થી બારમા ધોરણ સુધી સ્થાનિક અરેબિક ભાષામાં જ બાળકોને ભણાવવામાં આવે છે. તેઓને અંગ્રેજી બહુ ફાવતું નથી. જો કે ત્યાંની સરકાર તેઓની ભાષાના કૌશલ્યો સુધારવા અનેક પ્રયાસો કરી રહી છે અને મોટી રકમ ફાળવી રહી છે. ત્યાંના વિદ્યાર્થીઓએ કૉલેજમાં દાખલ થતાં પહેલા અંગ્રેજી અને ગણિત સહિતના વિષયોની પરીક્ષા આપવી પડે છે. તેમાં ઉત્તીર્ણ થાય તેઓએ કૉલેજમાં પ્રવેશ માટે કોઈ ફી ચૂકવવી પડતી નથી, બલકે સરકાર તેઓને મહિને 20,000 (ભારતીય રૂપિયાની ગણતરીએ) સ્ટાઈપેન્ડ ચૂકવે છે. જેથી વિદ્યાર્થીઓ પરિવાર માટે આર્થિક બોજ બનતા નથી અને તેઓના મનમાં એવી ભાવના ઊભી થાય છે કે પોતે માતા-પિતા પર અવલંબિત નથી. કૉલેજ અભ્યાસ પૂરો કરે એટલે તે વિદ્યાર્થીને નોકરી મળી જાય છે.
ડૉ. મોદીએ એવો મત વ્યક્ત કર્યો હતો કે થિયરીટીકલ અને કન્સેપ્ચ્યુઅલ ભણતર જીવનમાં આવશ્યક છે જ, પણ તેના વ્યવહારૂ ઉપયોગો વિશે વિદ્યાર્થીઓ પૂરતી જાણકારી ન મેળવે તો તે ભણતર અધુરૂં ગણાય. ઉદાહરણ તરીકે કોમર્સ કૉલેજનો વિદ્યાર્થી બેઠક કેવી રીતે યોજવી કે શેરની ફાળવણી કેવી રીતે કરવી તે બાબતના 50-60 પાના વાંચી જાય તો પણ તેને એટલું નહિ સમજાય જેટલું જાતઅનુભવ કરીને તે સમજી શકે. ભારત સરકારે વિદ્યાર્થીઓને જાતઅનુભવ મળે એવા કાર્યક્રમ માટે અલગથી ભંડોળ ફાળવવું જોઈએ.
Comments