જીટીયુના ઝોન-2 ટેકફેસ્ટ ઉદઘાટન સમારોહમાં વાઈસ ચાન્સેલરનું પ્રેરક ઉદબોધન
અમદાવાદઃ જીવનમાં નિષ્ફળતા મળે તો જરાપણ હતાશ થશો નહિ, હિંમત રાખીને સખત પરિશ્રમ કરતા રહો, સફળતા અવશ્ય મળશે. જેટલું વધારે જોખમ લેશો એટલી વધારે ઝડપથી સફળતા મળશે, એમ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના વાઈસ ચાન્સેલર પ્રો. (ડૉ) નવીન શેઠે જીટીયુ ટેકફેસ્ટ ઝોન-2ના ઉદઘાટન સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું.
આદિશ્વર કૉલેજ ઑફ ટેકનોલોજી (વિનસ ગ્રુપ) ખાતે આજથી બે દિવસનો જીટીયુ ટેકફેસ્ટ (ઝોન-2) શરૂ થયો હતો. જેમાં 42 કૉલેજોના આશરે 2400 વિદ્યાર્થીઓ 36 વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યા છે. તેમાં વિજેતા બનનારા વિદ્યાર્થીઓને આગામી 30 અને 31 માર્ચના રોજ એલ.ડી. કૉલેજ ઑફ એન્જીનિયરીંગમાં યોજાનારા જીટીયુ સેન્ટ્રલ ટેક ફેસ્ટમાં ભાગ લેવાની તક મળશે. ઝોન-2ના ટેકફેસ્ટમાં એન્જીનિયરીંગને લગતી 19 ટેકનિકલ સ્પર્ધાઓ, ફાર્મસીની 6, આર્કિટેક્ચરની 3 અને નોન-ટેકનિકલ 8 સ્પર્ધાઓનો સમાવેશ થાય છે. તેના ઉદઘાટન સમારંભમાં પ્રો. શેઠે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ નિયમિત અભ્યાસની સાથોસાથ આવી સ્પર્ધાઓમાં પણ ભાગ લે તે તેનાથી તેઓના વ્યક્તિત્વને વિકસાવવામાં મદદ મળશે.
ઈનોવેશન લાવીને સમાજની સમસ્યાઓ હલ થાય એવા નવતર પ્રોજેક્ટો લાવવા તેમણે વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. મિસાઈલ મેન અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામે કેવી રીતે ભારેખમ કેલિપર્સને હળવા બનાવીને તેનું વજન ત્રણ કિલોમાંથી ત્રણસો ગ્રામ શક્ય બનાવ્યું તેનું ઉદાહરણ તેમણે આપ્યું હતું. તમારા આઈડિયાને વળગી રહો અને તેના પર સતત કંઈકને કંઈક વિચારતા રહો, કામ કરતા રહો. સખત પરિશ્રમ કરો, સફળતા તમારા કદમો ચુમશે, એવા સ્વામી વિવેકાનંદના કથનને તેમણે ટાંકીને પ્રેરક ઉદબોધન કર્યું હતું.
વિધાનસભાના નાયબ સ્પીકર શંભુજી ઠાકોરે આ પ્રસંગે જણાવ્યું હતું કે 21મી સદી જ્ઞાનની સદી બની રહેશે. એવા સંજોગોમાં ભારતને વિશ્વગુરૂ બનાવવામાં યુવાપેઢીની ભૂમિકા અત્યંત મહત્ત્વની બની રહેશે. તેમણે આ પ્રસંગે એવી જાહેરાત પણ કરી હતી કે ગાંધીનગરથી વિનસ કૉલેજ સુધી સીધો રોડ બનાવવામાં આવશે. જેના લીધે બંને વચ્ચેનું અંતર ત્રણ કિલોમીટર ઘટી જશે.
સમારોહને સંબોધતા વિનસ ગ્રુપના ચેરમેન ઋષભ જૈને ઝોન-2ની તમામ કૉલેજોના વિદ્યાર્થીઓને ઉમળકાભેર આવકારતા કહ્યું હતું કે આજનો દિવસ આ કૉલેજના ઈતિહાસમાં યાદગાર બની રહેશે. તેમણે વિદ્યાર્થીઓને પોતાના માતા-પિતાના સપના સાકાર કરવા શક્ય એટલા તમામ પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે જીવનમાં કંઈપણ અસંભવ નથી. તેમણે વિદ્યાર્થીઓને પ્રેકટીકલ જ્ઞાનમાં ખાસ ધ્યાન આપવા પર ભાર મૂક્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અમે વિદ્યાર્થીઓને એવા સ્તરે લઈ જવા માગીએ છીએ કે અભ્યાસ પૂરો થયા બાદ તેઓએ નોકરી શોધવાની ચિંતા કરવી ન પડે. તેમણે ભવિષ્યમાં વિનસ ગ્રુપ સ્ટાર્ટ અપ સેન્ટર સ્થાપવાનું હોવાનો અણસાર આપ્યો હતો અને નવી આયુર્વેદ કૉલેજ સ્થાપવાની જાહેરાત પણ કરી હતી. વિનસ ગ્રુપના ડિરેક્ટર જનરલ ડૉ. રાગીન શાહે સંસ્થાના વિકાસની રૂપરેખા આપી હતી. સંસ્થાના વાઈસ ચેરમેન આદિ જૈને આભારવિધિ કરી હતી.
Comments