top of page

જરૂરતમંદોને શિયાળાની ઠંડીમાં હૂંફ આપવાનું વિશ્વકર્મા એન્જી. કૉલેજના વિદ્યાર્થીઓનું માનવતાવાદી કદમ

  • Writer: GTU
    GTU
  • Nov 16, 2016
  • 1 min read

જરૂરતમંદોને શિયાળાની ઠંડીમાં હૂંફ આપવાનું વિશ્વકર્મા એન્જી. કૉલેજના વિદ્યાર્થીઓનું માનવતાવાદી કદમ

અમદાવાદઃ વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જીનિયરીંગ કૉલેજના નેશનલ સર્વિસ સ્કીમ (એનએસએસ) યુનિટ તેમજ સમાજસેવી સંગઠન મિશન સ્પ્રેડ સ્માઈલ્સના સંયુક્ત ઉપક્રમે જરૂરતમંદોને શિયાળામાં ગરમ કપડાંનું વિતરણ કરી હૂંફ પૂરી પાડીને માનવતાની મહેક ફેલાવવાની દિશામાં પ્રોજેક્ટ હાથ ધર્યો છે. કૉલેજના વિદ્યાર્થીઓની બનેલી દસ સ્વયંસેવકોની ટીમે પોતપોતાના વિસ્તારની સોસાયટીઓમાંથી અંદાજે 500 ગરમ કપડા એકઠા કર્યા હતા. હવે તેનું વિતરણ જરૂરતમંદોને કરવામાં આવશે.

ગરમ કપડા એકત્ર કરવાની આ સેવાકીય પ્રવૃત્તિઓમાં એન્જીનિયરીંગની વિવિધ શાખાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ પ્રવૃત્તિઓનો હેતુ વિદ્યાર્થીઓ અને સમાજ વચ્ચેનો સંબંધોનો સેતુ સુદૃઢ બનાવવાનો છે. જોધપુર વિસ્તારમાં આવી પ્રવૃત્તિઓ હાથ ધરનાર એનએસએસ સ્વયંસેવક નિરવા ભાલસોડે જણાવ્યું હતું કે અમારા વિસ્તારની સોસાયટીના રહીશોને સમજાવીને એકત્ર થયેલા ગરમ કપડા જરૂરતમંદોને આપીને શિયાળાની ઠંડીમાં તેઓને હૂંફ આપી શકીશું તેનો અમને આનંદ છે.

કૉલેજના એનએસએસ પ્રોગ્રામ ઑફિસર પ્રો. અલ્પેશ દાફડાએ એવો મત વ્યક્ત કર્યો હતો કે આવી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓને રાષ્ટ્રસેવામાં નિસ્વાર્થ સમર્પણની ભાવનાની સાથોસાથ તેઓને બહેતર નાગરિક બનવા માટે પ્રેરણાદાયી છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર અને કૉલેજના પ્રિન્સીપાલ ડૉ. આર.કે.ગજ્જરે વિદ્યાર્થીઓના આ માનવતાવાદી પગલાની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો મારફતે એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓ સમાજની સમસ્યાઓની ઓળખ મેળવવા તથા તે સમસ્યાઓનો ઉકેલ શોધવાની દિશામાં ઉપયોગી બની શકે છે.

 
 
 

Comments


@ techbeat copyright, 2018

  • w-facebook
  • Twitter Clean
  • White Google+ Icon
bottom of page