top of page
  • Writer's pictureGTU

દરેક વ્યક્તિ બીજા દસ જણાને ડિજીટલ બૅન્કીંગ વિશે સમજાવે એ સૌથી મોટી દેશસેવા ગણાશે

અમદાવાદઃ દેશમાં પરિવર્તન લાવવા આકરા પગલાં લેવા પડે. કાળુ નાણું અને નકલી નોટો બધા અનિષ્ટોનું મૂળ હતું. આતંકવાદીઓને પોષવા, હથિયારો ખરીદવા, ભ્રષ્ટાચાર, સંગ્રહખોરી વગેરે માટે તે કારણભૂત હતું. તેને નષ્ટ કરવા ડિમોનેટાઈઝેશન કરવું જ પડે એમ હતું. બૅન્કો કે એટીએમમાં લાઈનમાં ઊભા રહી દેશસેવામાં સહભાગી બનેલી તમામ જનતાનો સરકાર વતી આભાર. હવે દરેક વ્યક્તિ બીજા દસ જણાને કેશલેસ પેમેન્ટ વિશે સમજાવે તો તે સૌથી મોટી દેશસેવા થઈ ગણાશે. આ શબ્દો છે રાજ્યના માનનીય શિક્ષણ પ્રધાન શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના.

ગુજરાત રાજ્ય શિક્ષણ ખાતું અને ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના સંયુક્ત ઉપક્રમે 25 ડિસેમ્બરે ડિજીટલ બૅન્કીંગ અને કેશલેસ પેમેન્ટ વિશે જીટીયુના ચાંદખેડા કેમ્પસમાં આયોજીત નાણાકીય સાક્ષરતા અભિયાન (જનજાગૃતિ કાર્યક્રમ)ને તેઓ સંબોધી રહ્યા હતા. તેમાં તેમણે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કે દેશના પરિવર્તનનો આવો પ્રવાહ જળવાઈ રહે તો આગામી પાંચેક વર્ષ બાદ ભારતને મહાસત્તા બનતા કોઈ નહિ રોકી શકે. તેમણે બૅન્કમાં નાણાં લેવા ગયેલી એક મુસ્લિમ મહિલાનું ઉદાહરણ આપતા કહ્યું કેઃ મેં તે મહિલાને પુછ્યું કે બહેન, કેટલા સમયથી લાઈનમાં ઊભા છે, ત્યારે તેમણે જવાબ આપ્યો કે પાંચ કલાક થયા, હવે વારો આવી જશે. દેશની રક્ષા માટે સૈનિકો રાત-દિવસ ઊભા રહેતા હોય તો મને દેશહિતને ખાતર પાંચ કલાક ઊભા રહેવામાં વાંધો નથી.

કાર્યક્રમનું આયોજન સુશાસન દિન નિમિત્તે કરવામાં આવ્યું હતું તેને અનુલક્ષીને માનનીય મંત્રીશ્રીએ કહ્યું હતું કે સુશાનના બીજ રોપનાર ભારતરત્ન શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિનને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દેશની નદીઓને જોડવાનું, રસ્તાઓને જોડવાનું સ્વપ્ન વાજપેયીજીએ સેવ્યું હતું તેને વર્તમાન વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાકાર કરી રહ્યા છે. આ જ સુશાસનનો ભાગ છે. ગત વર્ષમાં શું કર્યું અને હવે પછી શું કરવાનું છે તેની ચિંતન શિબિરો યોજવાનું કાર્ય પણ સુશાસનનો હિસ્સો છે. ગુજરાત સરકારનો સ્વાગત કાર્યક્રમ કે જેમાં જનતાની સમસ્યાઓનો તાબડતોબ ઉકેલ લાવવામાં આવે છે તે સુશાનનો ભાગ છે. આ બધાને લીધે અઢી વર્ષમાં આપણને એવી અનુભૂતિ થઈ રહી છે કે – દેશ બદલ રહા હૈ, આગે બઢ રહા હૈ, એમ શ્રી ચુડાસમાએ જણાવ્યું હતું.

સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત જીટીયુના એનએસએસના વિદ્યાર્થીઓએ 157 ગામડાઓમાં 9000 શૌચાલયોનું નિર્માણ કર્યું તે કાર્યને વડા પ્રધાનશ્રીએ મન કી બાત કાર્યક્રમમાં સ્થાન આપીને બિરદાવ્યું હતું તેનો ઉલ્લેખ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન શ્રી જયદ્રથસિંહ પરમારે કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે શ્રી નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા, ત્યારે રાજ્યનો જે વિકાસ થયો તેની નોંધ સમગ્ર દુનિયાએ લીધી હતી. હવે એ જ રીતે રાષ્ટ્રીય સ્તરે તેઓ જે પગલાં લઈ રહ્યા છે, તેમાં આપણે બધા સાથસહકાર આપીએ. આજના આ કાર્યક્રમમાં સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયાના કે.એસ.સંઘવીએ ડિજીટલ બૅન્કીંગ અને કેશલેસ ટ્રાન્ઝેક્શનના વિવિધ પાસાંઓની સરળ ભાષામાં સમજ આપતું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. ઉચ્ચ શિક્ષણ ખાતાના કમિશનર શ્રી એ.જે. શાહે કાર્યક્રમનો હેતુ જણાવીને સરકાર સમાજને સાચી દિશા ભણી લઈ જવા કટિબદ્ધ હોવાનો નિર્દેશ કર્યો હતો. શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્મા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત હતા.

કાર્યક્રમને સંબોધતા જીટીયુના કાર્યવાહક વાઈસ ચાન્સેલર ડૉ. રાજુલ ગજ્જરે કહ્યું હતું કે કેશલેસ બૅન્કીંગથી વ્યવહારમાં પારદર્શીપણું વધશે. બૅન્કીંગ વ્યવહાર કોઈપણ સમયે આસાનીથી ઉપલબ્ધ બનશે અને એકંદરે આ બધાને કારણે જીવનની ગુણવત્તામાં સુધારો થશે. જીટીયુ તરફથી તમામ ફી અને નાણાકીય ચુકવણી સંપૂર્ણપણે ઓનલાઈન કરી દેવામાં આવી છે. વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જીનિયરીંગ કૉલેજને કેશલેસ કેમ્પસ મોડેલ બનાવીને કિઓસ્ક તથા અન્ય મશીનોનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. જીટીયુ દ્વારા બીજા તબક્કામાં એનએસએસના એક લાખ વિદ્યાર્થીઓને જનજાગૃતિ અભિયાન સાથે સાંકળી લેવામાં આવ્યા છે. સમાજની સમસ્યાઓ હલ કરવા વિવિધ કંપનીઓ સાથે મળીને હેકાથોનનું આયોજન પણ કરવામાં આવનાર છે. જીટીયુ તરફથી ડિજીટલ ઈન્ડિયા અભિયાનના ભાગરૂપે ડિજી લોકરમાં સીધી વિદ્યાર્થીઓની માર્કશીટ આધાર નંબર વડે ઉપલબ્ધ બને એવી વ્યવસ્થા કરવામાં આવનાર છે. કાર્યક્રમના અંતે ઈન્ચાર્જ રજીસ્ટ્રાર શ્રી જે.સી. લિલાણીએ આભારવિધિ કરી હતી.

img_2380
img_2377

Comments


bottom of page