અમદાવાદઃ ઈનોવેશન કરનારાઓ અને સ્ટાર્ટ અપ શરૂ કરવા ઈચ્છતા ઉદ્યોગ સાહસિકોને પેટન્ટની બાબતમાં આધાર આપવા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) તરફથી પેટન્ટ ક્લિનિકનો કાર્યક્રમ દર વર્ષે યોજવામાં આવે છે. ચાલુ વર્ષે જૂન મહિનામાં પેટન્ટ ક્લિનિકના ચાર સત્રો યોજવામાં આવ્યા હતા અને તેમાં ગુજરાતભરની વિવિધ કૉલેજોના આશરે 250 વિદ્યાર્થીઓ તેમજ ફેકલ્ટી મેમ્બરોને પેટન્ટ, કોપીરાઈટ અને ટ્રેડમાર્ક વિશે તાલીમ આપવામાં આવી હતી. આમાંથી 50 પેટન્ટ ફાઈલ થાય એવી સંભાવના છે.
પેટન્ટ ક્લિનિક ઈનોવેટીવ અને અનોખા રિસર્ચને પેટન્ટના માધ્યમનું કવચ પૂરૂં પાડવાનો જીટીયુનો કાર્યક્રમ છે. જીટીયુ તરફથી એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે એન્જીનિયરીંગ, મેનેજમેન્ટ અને ફાર્મસી કૉલેજોના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના ભાગરૂપે છેલ્લા વર્ષમાં પ્રોજેક્ટ કરવાનો હોય છે. આ સમયગાળામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોતપોતાના પ્રોજેક્ટો સુપરત કરતા હોય છે. તે પ્રોજેક્ટોનું પેટન્ટ મેળવી શકાય કે કેમ કે જેનાથી પ્રોજેક્ટનું પ્રોડક્ટમાં રૂપાંતર થઈ શકે તે હેતુસર પેટન્ટ ક્લિનિક કાર્યક્રમ અંતર્ગત તાલીમ આપવામાં આવે છે.
વિદ્યાર્થીઓએ કરેલા ઘણા રિસર્ચ પ્રોજેક્ટોમાંથી અમુક એવા પણ હોય છે કે જેનાથી સમાજ અને ઉદ્યોગોની અનેક સમસ્યાઓ હલ થઈ શકે છે. આવા ઈનોવેટીવ પ્રોજેક્ટોને ટેકનોલોજીની દૃષ્ટિએ થયેલી પ્રગતિના આધારે મૂલવીને તેની પેટન્ટ કેવી રીતે મેળવવી તેના વિશે આ કાર્યક્રમમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સૌથી મહત્ત્વની બાબત એ છે કે જીટીયુ તરફથી કોઈપણ પ્રકારની ફી લીધા વિના જ આ કાર્યક્રમ ચલાવવામાં આવે છે.
コメント