top of page
Writer's pictureGTU

પ્રાધ્યાપકોએ વિકસાવેલા 13 પ્રોજેક્ટોમાંથી ટ્રાફિક મેનેજમેન્ટ અને સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમ પ્રોજેક્ટ વ

જીટીયુની 41 કૉલેજના 75 પ્રોફેસરોએ ડિઝાઈન એન્જીનિયરીંગની તાલીમ મેળવી અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સંલગ્ન 41 કૉલેજોના 75 ફેકલ્ટી મેમ્બરોએ ગત 22મીથી 25મી જાન્યુઆરી દરમિયાન ડિઝાઈન એન્જીનિયરીંગ વિશેના ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો. આ તાલીમ દરમિયાન તેઓએ સમાજની વિવિધ સમસ્યાઓ હલ કરવા અંગેના 13 ઈનોવેટીવ પ્રોજેક્ટો વિકસાવ્યા હતા, તેમાંથી ટ્રાફિક મેનેજમેન્ટ અને સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમના પ્રોજેક્ટ વિજેતા જાહેર થયા હતા. આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે 75 પ્રાધ્યાપકોમાંથી 13 ટીમો બનાવવામાં આવી હતી અને વિવિધ કૉલેજોના પ્રાધ્યાપકોએ ટીમવર્ક કરીને પ્રોજેક્ટો વિકસાવ્યા હતા. તેમાં સ્થાનિક કૉલેજોની સમસ્યાઓથી માંડીને સમાજજીવનને સ્પર્શતા પ્રશ્નોને ડિઝાઈન થિંકીંગ વડે કેવી રીતે ઉકેલી શકાય તેનું મનોમંથન કરવામાં આવ્યું હતું. ફેરિયાઓ માટે ફોલ્ડ થઈ શકે એવી લારીથી માંડીને શોપિંગ મોલની સિક્યુરિટી સહિતના ઘણા પ્રોજેક્ટોના ઈનોવેટીવ આઈડિયાની જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો (ડૉ) નવીન શેઠે પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દરેક વ્યક્તિમાં સર્જનશીલતા હોય જ છે, તેને ખિલવવા અવિરત વિચારમંથન આવશ્યક છે. વિદ્યાર્થીઓમાં આવા ગુણો કેળવવા ડિઝાઈન એન્જીનિયરીંગનો સમાવેશ અભ્યાસક્રમમાં કરવામાં આવ્યો છે. પ્રાધ્યાપકો આ બાબતમાં રોલ મોડલ બનીને વિદ્યાર્થીઓને ઈનોવેટીવ આઈડિયા સાકાર કરવામાં પ્રેરણાજનક બને એમ જીટીયુ ઈચ્છે છે. આ કાર્યક્રમ તો પાશેરામાં પહેલી પૂણી છે. પ્રાધ્યાપકોએ વિશ્વના બદલતા જતા પ્રવાહોને ધ્યાનમાં રાખીને કંઈ ને કંઈ નવું નવું સતત શિખતા રહેવું જોઈએ. આ પ્રસંગે ડિઝાઈન થિંકીંગના નિષ્ણાત રોહિત સ્વરૂપે કહ્યું હતું કે ડિઝાઈન થિંકીંગનો કોર્સ એન્જીનિયરીંગ કૉલેજોમાં લાવનાર જીટીયુ દેશની સૌપ્રથમ યુનિવર્સિટી છે. તેના પાછળની દીર્ઘદૃષ્ટિ ખરેખર પ્રશંસાપાત્ર છે. કાર્યક્રમમાં જીટીયુના ડીન ડૉ. એન.એમ.ભટ્ટ જણાવ્યું હતું કે ડિઝાઈન એન્જીનિયરીંગમાં ભવિષ્યમાં વધુને વધુ પ્રમાણમાં કેસ સ્ટડીને આવરી લેવામાં આવશે. આ બાબતની ઈ-બુક જીટીયુ તરફથી અપલોડ કરવામાં આવી છે. આભારવિધિ ઈન્ચાર્જ રજીસ્ટ્રાર શ્રી જે.સી. લિલાણીએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન જીટીયુ ડિઝાઈન સ્કૂલના ડૉ. કર્મજીતસિંહ બિહોલાએ કર્યું હતું.


img_4100

Comments


bottom of page