top of page
  • Writer's pictureGTU

બિગ ડેટાનો જમાનો આવી રહ્યો છેઃ આફ્રિકા અને ભારતભરથી 100 પ્રોફેસરો લે છે જીટીયુમાં ટ્રેનિંગ

અમદાવાદઃ ડ્રાઈવર વગર દોડતી કાર અને ઈન્ટરનેટ ઑફ થિંગ્સ જેવી બાબતો આગામી થોડા વર્ષોમાં હકીકત બની જશે અને તેવા સમયે બિગ ડેટાની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની રહેશે. આ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) તરફથી આર-સોફ્ટવેરના ઉપયોગથી ડેટા એનાલિસીસ કેવી રીતે થઈ શકે તેની તાલીમ આપવા ખાસ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ 20થી 25મી ફેબ્રુઆરી દરમિયાન યોજવામાં આવી રહ્યો છે. બિગ ડેટાની આ ટ્રેનિંગ મેળવવા આફ્રિકાથી અને ભારતભરની પ્રતિષ્ઠિત સંસ્થાઓના 100 પ્રોફેસરો હાલમાં જીટીયુમાં આવ્યા છે.

આ તાલીમ લેવા આફ્રિકાથી ખાસ જીટીયુ આવેલા પ્રો. રિચાર્ડ ચીનોમોના યુનિવર્સિટી ઑફ ધ વીટવૉટર્સરેન્ડ જોહાનિસબર્ગના છે. તેમણે જીટીયુના આ કાર્યક્રમ વિશે પ્રતિભાવ આપતા કહ્યું હતું કે મેં ડેટા એનાલિસીસ વિશે ઘણું સાંભળ્યું હતું, પણ તેને લગતા ટુલ્સ અને ખાસ કરીને આર સહિતના વિવિધ સોફ્ટવેરનો એનાલિસીસમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય તેની જાણકારી મને મળી છે. મારા જ્ઞાનમાં અને કૌશલ્યોમાં વધારો તો થયો જ છે, તેની સાથોસાથ ભારતની અનેક પ્રતિષ્ઠિત સંસ્થાઓના પ્રોફેસરો સાથે નેટવર્કીંગનો લહાવો પણ મને મળ્યો છે. અહીં એ ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં આવેલા પ્રોફેસરોમાં માઈકા, ટાટા ઈન્સ્ટિટ્યુટ ઑફ સોશિયલ સાયન્સ, કુરૂક્ષેત્ર યુનિવર્સિટી, ડૉ. ડી.વાય. યુનિવર્સિટી, પૂણે, વીઆઈટી યુનિવર્સિટી, વેલ્લોર, બૅંગ્લોર યુનિવર્સિટી અને દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસરોનો સમાવેશ થાય છે.

જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો (ડૉ) નવીન શેઠના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહેલા આ કાર્યક્રમનો લાભ મેનેજમેન્ટ, ફાર્મસી, સાયન્સ, કોમર્સ વગેરે વિભાગના પ્રોફેસરો લઈ રહ્યા છે. આ કાર્યક્રમનો હેતુ પ્રોફેસરોને ડેટા એનાલિસીસના લેટેસ્ટ ટ્રેન્ડ અને ટુલ્સથી વાકેફ કરવાનો છે. ભવિષ્યમાં ઘણાબધા ઉપકરણો ડેટાથી કનેક્ટ થયેલા હશે, જેથી ડેટા એનાલિસીસ આગામી થોડા વર્ષોમાં ખૂબજ મહત્ત્વની બાબત બની રહેશે. તે દિશામાં અને ખાસ કરીને રિસર્ચમાં જીટીયુનું આ નોંધપાત્ર પ્રદાન બની રહેશે, એમ જીટીયુના સેન્ટર ફોર ગવર્નન્સ સિસ્ટમ્સના વડા ડૉ. રિતેશ પટેલે જણાવ્યું હતું.

પ્રોફેસરોને તાલીમ આપતા નિષ્ણાત ડૉ. ધવલ મહેતાએ કહ્યું હતું કે આર-સોફ્ટવેર ઓપન સોર્સ કોમ્યુનિટીએ વિકસાવેલો છે. ખાસ કરીને રિસર્ચ માટે ભંડોળ ઓછું ફાળવવામાં આવેલું હોય તેવી સંસ્થાઓ માટે ડેટા એનાલિસીસ કરવા આ અત્યંત ઉપયોગી છે. તેનાથી સ્ટ્રક્ચર્ડ, સેમિ-સ્ટ્રક્ચર્ડ સહિતના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવી તાલીમ ઘણી ઉપયોગી નિવડશે.

img_7171

コメント


bottom of page