top of page
  • Writer's pictureGTU

ભારતમાં 5 વર્ષમાં ઈ-કોમર્સ 100 અબજ ડૉલરને આંબશેઃ સંભવિત સમસ્યાઓ અને પડકારો વિશે જીટીયુમાં ચર્ચા થશે

અમદાવાદઃ વર્ષ 2017 સુધીમાં ભારતમાં સ્માર્ટ ફોનધારકોની સંખ્યા 35 કરોડ થઈ જશે. તે ઉપરાંત ગ્રામવિસ્તારોમાં બ્રોડબેન્ડ ઈન્ટરનેટના પ્રમાણમાં વધારો થશે. આ પરિબળોને કારણે ભારતમાં ઈ-કોમર્સનું પ્રમાણ કે જે અત્યારે દસ અબજ ડૉલર એટલે કે રૂ. 65,000 કરોડનું છે, તે આગામી પાંચ વર્ષમાં દસગણું વધીને 100 અબજ ડૉલરને આંબી જશે. તેના પરિણામે ઉદભવનારી સંભવિત સમસ્યાઓ અને પડકારો વિશે ચર્ચા કરવા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)માં બે-દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદ યોજવામાં આવશે.

જીટીયુના પોસ્ટ ગ્રેજ્યુએટ રિસર્ચ સેન્ટર ફોર ગવર્નન્સ સિસ્ટમ્સ અને સેન્ટર ફોર માર્કેટીંગ એક્સેલન્સના ઉપક્રમે બીજી અને ત્રીજી સપ્ટેમ્બરે ચાંદખેડા કેમ્પસમાં આ પરિષદ યોજવામાં આવશે. જેમાં ઈ-કોમર્સનું પ્રમાણ વધતા સર્જાનારી તકો, સમસ્યાઓ અને વિવિધ પ્રકારના પડકારો વિશે ચર્ચા કરીને નિષ્ણાતો તેના સંભવિત ઉપાયો વિશે વિચારવિમર્શ કરશે. આ પરિષદમાં 75થી વધુ રિસર્ચ પેપર રજૂ કરવામાં આવશે. પરિષદમાં ભાગ લેનાર નિષ્ણાતોમાં સિક્કીમ સરકારના ટેકનોલોજી ખાતાના સચિવ આનંદ મડિયા, રિલાયન્સ જીઓ ઈન્ફોકોમના વાઈસ પ્રેસિડન્ટ હરજીતસિંહ ખંડુજા, વનવે કેબના સ્થાપક અને સીઈઓ વિવેક કેજરીવાલ અને સીજીએસ ઈન્ફોટેકના પ્રેસિડન્ટ તથા સીઈઓ હિતેન ભુતાનો સમાવેશ થાય છે.

ભુતા ઈ-કોમર્સ ગવર્નન્સ અંતર્ગત કેવા નીતિનિયમો ઘડવાની તાત્કાલિક આવશ્યકતા છે તેના પર પ્રકાશ ફેકશે. તેઓ વિશ્વના અન્ય દેશોમાં ઈ-કોમર્સનું ગવર્નન્સ કેવી રીતે થાય છે તે બાબતે પોતાના અનુભવો વર્ણવશે.

દર વર્ષે ઈ-કોમર્સ વેપારમાં કમ સે કમ 50થી 60 ટકા વધારો થાય છે. વર્ષ 2015માં ભારતમાં ગ્રાહકોએ 20 અબજ ડૉલરની ચીજવસ્તુઓ ઈ-કોમર્સની મદદથી ખરીદી હતી. ફ્લિપકાર્ટ, સ્નેપડીલ અને એમેઝોન તેમજ અન્ય ઈ-કોમર્સ કંપનીઓ પાસેથી 30 કરોડ ગ્રાહકોએ ઓનલાઈન ખરીદી કર્યાનો અંદાજ છે. આ કંપનીઓ વચ્ચે ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છે. આ કંપનીઓ વચ્ચેની હરિફાઈથી ગ્રાહકોને એક ફાયદો એ થઈ રહ્યો છે કે પ્રોડક્ટની વિગતો, ભાવ, અને પ્રોડક્ટની ગુણવત્તા વિશે આસાનીથી માહિતી મળી રહે છે.

Comentarios


bottom of page