રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઉપર સૌર પેનલો લગાવી તેમાંથી વીજળી ઉત્પન્ન કરવાની દરખાસ્ત
- GTU
- Dec 15, 2016
- 2 min read
જીટીયુમાં જર્મીના નિયામકે કેન્દ્ર સરકારને સુપરત કરાયેલી યોજનાની માહિતી આપી
અમદાવાદઃ રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઉપર સૌર પેનલો લગાવીને તેમાંથી વીજઉત્પાદન કરવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. તેમાં નીચે વાહનો ચાલે અને ઉપર છાપરાની જેમ સૌર પેનલો ગોઠવવાની દરખાસ્ત છે. આ દરખાસ્ત કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગોના ખાતાને સોંપવામાં આવી છે, એવી માહિતી ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઈન્સ્ટીટ્યુટ, રિસર્ચ ઈનોવેશન એન્ડ ઈન્ક્યુબેશન સેન્ટર (જર્મી)ના ડિરેક્ટર ડૉ. ટી. હરિનારાયણે આપી હતી.
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)માં આબોહવા પરિવર્તન અને અવિરત ઊર્જા વિશે યોજાયેલા પરિસંવાદમાં હરિનારાયણ અને નોબેલ પારિતોષિક વિજેતા નિષ્ણાત ડૉ. જયંત સાઠયેએ વક્તવ્યો આપ્યા હતા. હરિનારાયણે કહ્યું હતું કે ભારતમાં રોડનું વિશાળ નેટવર્ક છે અને તે નાના-મોટા શહેરોને સાંકળી લે છે. વળી રોડ નેટવર્ક મોટા વીજ સબસ્ટેશનો સાથે પણ જોડાયેલા છે. તેમાં રોડની ઉપર છાપરાની જેમ સૌર પેનલો ગોઠવવામાં આવે તો વીજઉત્પાદન કરવાની સાથે રોજગારીની તકોનું નિર્માણ પણ થઈ શકે છે.
ઉદાહરણ તરીકે અમદાવાદ-રાજકોટ વચ્ચેના રોડની કુલ લંબાઈ 205 કિલોમીટરની છે તેમાંથી પુલો અને ક્રોસિંગ સહિતની ઉપયોગી બને એવી જમીનની લંબાઈ 185 કિલોમીટર થાય અને તેની ઉપર સૌર પેનલો લગાવીને 104 મેગાવૉટ વીજળીનું ઉત્પાદન થઈ શકે એમ છે. એવી જ રીતે દેશભરમાં મુંબઈ-ચેન્નાઈ-કોલકતા-દિલ્હી-મુંબઈ સુવર્ણ ચતુષ્કોણ અંતર્ગત રાષ્ટ્રીય ધોરીમાર્ગોની ગણતરી કરવામાં આવે તો તેની લંબાઈ 5839 કિલોમીટર થાય અને તેમાં 4418 મેગાવૉટ વીજઉત્પાદન થઈ શકે. આ પ્રોજેક્ટથી 35 હજાર વ્યક્તિઓને રોજગારી મળી શકવાનો અંદાજ છે.
આ યોજનાનો ફાયદો એ થઈ શકે કે ધોરીમાર્ગો આસપાસ વિકાસ પામેલી ઔદ્યોગિક વસાહતોને વીજળીનો લાભ મળી શકે. ભવિષ્યમાં બેટરી સંચાલિત વાહનોનું પ્રમાણ વધે તો આવી વ્યવસ્થા હેઠળ ચાર્જીંગ સેન્ટરો સ્થાપી શકાય. વરસાદ વખતે રોડનું ધોવાણ ઘટતા મેઈન્ટેનન્સ ખર્ચ ઘટી શકે. ગુજરાતમાં અત્યારે નહેર ઉપર સૌર પેનલો લગાવવાની યોજના તેમજ મોડાસા અને સિક્કા નજીક ખેતરમાં પાક ઉપર સૌર પેનલો લગાવવાની યોજના પાયલોટ પ્રોજેક્ટ તરીકે મૂકવામાં આવી છે, એવી માહિતી તેમણે આપી હતી.
નોબેલ પારિતોષિક વિજેતા નિષ્ણાત ડૉ. જયંત સાઠયેએ જણાવ્યું હતું કે ભારતમાં 30 સ્થળોએ ઊર્જાની કાર્યક્ષમતા વિશે સંશોધનો હાથ ધરવા અંગેના પ્રોજેક્ટો સ્થપાશે. આબોહવા પરિવર્તન વિશે સમગ્ર વિશ્વ ચિંતિત છે, ત્યારે ભારતમાં બિનપરંપરાગત સ્રોતની ઊર્જાનો ઉપયોગ વર્ષ 2030 સુધીમાં 40 ટકા વધારવાનું વચન માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આપ્યું છે. વનીકરણ હાથ ધરીને કાર્બન ડાયોક્સાઈડની માત્રામાં ઘટાડો કરવાનો સંકલ્પ તેમણે વ્યક્ત કર્યો છે. ભારતને લાંબા ગાળે આ બધી બાબતો ઘણી ઉપયોગી બની રહેશે. કાર્યક્રમના પ્રારંભમાં જીટીયુ ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ સ્માર્ટ સિટીઝના માનદ નિયામક પ્રો. રજનીકાન્ત પટેલે બધાનું સ્વાગત કર્યું હતું.

Comments