અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના પીજી રિસર્ચ સેન્ટર ફોર ઈન્ડસ્ટ્રીયલ ડિઝાઈન (ઓપન ડિઝાઈન સ્કૂલ) તરફથી 22 નવેમ્બરના રોજ ખાસ વર્કશોપ યોજવામાં આવ્યો હતો, જેમાં જીટીયુની કૉલેજોના 100 પ્રાધ્યાપકોએ ભાગ લીધો હતો. તેમાં ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઑફ મેનેજમેન્ટ (આઈઆઈએમ) અમદાવાદના પ્રોફેસર ડૉ. અનિલ ગુપ્તાએ તાલીમ આપી હતી. તેમણે એવો મત વ્યક્ત કર્યો હતો કે હાલમાં પ્રાધ્યાપકો વિદ્યાર્થીઓ પાસે નીચી અપેક્ષા રાખે છે એ જ તેઓની ભુલ છે. હકીકતમાં વિદ્યાર્થીઓ પ્રત્યે ઉંચી અપેક્ષા રાખવામાં આવે તો તેઓ બહેતર અભ્યાસ કરતા થાય છે. તેમણે વિદ્યાર્થીઓમાં ઉત્કૃષ્ટતાની ભાવના જગાડવા માટે પણ પ્રાધ્યાપકોને અનુરોધ કર્યો હતો.
તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે સંવેદના, સંરચના, સરળતા, સૃજનશીલતા, સમાધાન અને સંતુષ્ટી એ મંત્રને બધાએ અપનાવવાની આવશ્યકતા છે. વિદ્યાર્થીઓ કોઈ ડિઝાઈન પ્રોજેક્ટનો પ્રોટોટાઈપ બનાવે તો તેમાં જ સંતોષ ન માની લેતા તેનું સર્વોત્તમ પ્રોડક્ટમાં કેવી રીતે રૂપાંતર થાય તે વિચારવું પડશે. વિચારવાની શૈલી બદલી નાખો અને દૂરગામી સપના જુઓ તો જ વિદ્યાર્થીઓની અને તમારી પોતાની સિદ્ધિઓ સરળ તથા સહજ બની જશે. જીટીયુ વર્ષોથી વિદ્યાર્થીઓમાં સંવેદનાના બીજનું આરોપણ કરવાની કામગીરી બજાવી રહી છે. ખાસ કરીને સમાજની વણઉકલી રહી ગઈ હોય એવી સમસ્યાઓ હલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. તેના માટે સ્ટાન્ડર્ડ, ક્વૉલિટી અને સેફટીને ધ્યાનમાં લેવા પર પણ તેમણે ભાર મૂક્યો હતો.
જીટીયુના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર ડૉ. રાજુલ ગજ્જરે પ્રાધ્યાપકોને સંબોધતા કહ્યું હતું કે આ તો હજી શરૂઆત છે. આ વર્કશોપની શ્રેણીના અન્ય કાર્યક્રમો પણ નજીકના ભવિષ્યમાં યોજવામાં આવશે. તમે બધા ડિઝાઈન એન્જીનિયરીંગના ચેમ્પિયન તરીકે વિદ્યાર્થીઓને સબળ અને સચોટ માર્ગદર્શન પૂરૂં પાડતા થાઓ એવો આ વર્કશોપનો હેતુ છે. જીટીયુ તરફથી ગ્રામવિસ્તારોમાં નમૂનેદાર કામગીરી બજાવાઈ છે અને તે પ્રવૃત્તિઓનું સંકલન કરીને અમે જીટીયુ ગ્રામસેતુ પુસ્તક પ્રકાશિત કર્યું છે. વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો સમાજની સમસ્યાઓ પ્રત્યે જેટલા સજાગ બનશે એટલા તેઓ તેને હલ કરવાના વિકલ્પો વિશે પણ વિચારતા થશે.
જીટીયુના ડીન ડૉ. એન.એમ.ભટ્ટે અભ્યાસક્રમમાં કરવામાં આવેલા ફેરફારોનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે શોધયાત્રા સહિતના અનેક કાર્યક્રમોનો તેમાં સમાવેશ કરાયો છે. ત્રીજા સેમેસ્ટર બાદ ડિઝાઈન એન્જીનિયરીંગ ભણતા થાય એવા પ્રયાસો કરવામાં આવ્યા છે. જીટીયુના ઈન્ચાર્જ રજીસ્ટ્રાર શ્રી જે.સી. લિલાણીએ સર્વેનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન ઓપન ડિઝાઈન સ્કૂલના ડૉ. કર્મજીતસિંહ બિહોલાએ કર્યું હતું.
Comentários