top of page
Writer's pictureGTU

વિદ્યાર્થીઓને નોકરી-ઈચ્છુક નહિ પણ નોકરી-દાતા બનાવવા જીટીયુ તરફથી અનેક કાર્યક્રમો યોજાશે

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સંલગ્ન 461 કૉલેજોના અંદાજે સાડા ચાર લાખ વિદ્યાર્થીઓમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ નોકરી ઈચ્છુક નહિ પણ નોકરી દાતા બને એવા વ્યૂહ અતર્ગત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

જીટીયુ સંલગ્ન કૉલેજોમાં એન્જીનિયરીંગ, મેનેજમેન્ટ, ફાર્મસી અને આર્કિટેક્ટના અભ્યાસક્રમમાં અંતિમ વર્ષ દરમિયાન પ્રોજેક્ટ સુપરત કરવો પડતો હોય છે. જીટીયુના વાઈસ ચાન્સેલર ડૉ. રાજુલ ગજ્જરે વિદ્યાર્થીઓના ઈનોવેટીવ પ્રોજેક્ટોનું પ્રોડ્કટમાં રૂપાંતર થઈ શકે અને સામાજીક સમસ્યાઓ હલ કરવામાં ઉપયોગી બની શકે એવા વિશિષ્ટ પ્રોજેક્ટો બનાવવા વિદ્યાર્થીઓને સ્ટાર્ટ અપની ખાસ તાલીમ આપવા પર ભાર મૂક્યો છે. તેના ભાગરૂપે ગત સપ્તાહે જીટીયુના એસીપીસી કેમ્પસમાં 120 વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી. પ્રાથમિક કક્ષાની તે તાલીમમાં સમસ્યાઓની ઓળખ મેળવીને કેવા પ્રોજક્ટો પસંદ કરવા તેનાથી માંડીને વિદ્યાર્થીઓએ ઉદ્યોગ સાહસિકતાનો ગુણ કેળવવા શું કરવું જોઈએ તેની તાલીમ આપવામાં આવી હતી. તેમાં રાજ્યભરની અનેક કૉલેજોના વિદ્યાર્થીઓએ રસપૂર્વક ભાગ લીધો હતો.

જીટીયુ તરફથી સ્ટાર્ટ અપ નીતિ ઘડવામાં આવી છે, તેને એઆઈસીટીઈ દ્વારા રાષ્ટ્રીય સ્તરે અમલી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જીટીયુ ઈનોવેશન કાઉન્સિલ તરફથી છેલ્લા છ વર્ષમાં થયેલી કામગીરીની પ્રશંસા થઈ રહી છે, ત્યારે તે પ્રયાસોને આગળ વધારીને જીટીયુ આગામી થોડા મહિનાઓમાં સ્ટાર્ટ અપને લગતા અનેક કાર્યક્રમો યોજવાનું નક્કી કરી રહી છે. તેના પ્રથમ પગલા તરીકે તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.


IMG_6202
IMG_6223

Comentários


bottom of page