top of page
  • Writer's pictureGTU

સીઆઈઆઈ સ્માર્ટ વિલેજ એન્ડ સિટી કોન્ક્લેવમાં જીટીયુની કૉલેજની ટીમ વિજેતા

અમદાવાદઃ સીઆઈઆઈ સ્માર્ટ વિલેજ એન્ડ સિટી કોન્ક્લેવમાં જીટીયુની કૉલેજની ટીમ વિજેતા બની હતી. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ની મારવાડી કૉલેજ – રાજકોટની ટીમે વિકસાવેલી ડ્રોન સિસ્ટમ વિજેતા બની હતી. તે સિસ્ટમનો ઉપયોગ કુદરતી આફતો વખતે સામગ્રી મોકલવામાં કરી શકાય એવી વ્યવસ્થા વિદ્યાર્થીઓએ કરી હતી. જીટીયુની અન્ય એક કૉલેજ બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયની ટીમનો સ્માર્ટ ફાર્મીંગ પ્રોજેક્ટ ત્રીજા સ્થાને રહ્યો હતો. કાર્યક્રમમાં વાસદની સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્સ્ટીટ્યુટ ઑફ ટેક્નોલોજીની બે ટીમોના પ્રોજેક્ટ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.આ પરિષદમાં જીટીયુ અને અન્ય યુનિવર્સિટીઓની 30 ટીમોએ ઈનોવેટીવ પ્રોજેક્ટો રજૂ કર્યા હતા.

શહેરની મેરિયટ હોટેલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની વિજેતા ટીમોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સ્માર્ટ સિટી અમદાવાદના સીઈઓ શ્રી રાકેશ શંકરે આ પ્રસંગે જણાવ્યું હતું કે અમદાવાદની સૌથી મોટી સમસ્યા કે પડકાર ટ્રાફિકની સમસ્યા છે. દર વર્ષે શહેરની વસતિ 20 ટકા વધે છે. એવા સંજોગોમાં ટ્રાફિકની સમસ્યા દિનપ્રતિદિન વકરી રહી છે. તેને પહોંચી વળવા અમે બે મહત્ત્વની યોજનાઓ અમલમાં મૂકી રહ્યા છીએ. પહેલી યોજના છેઃ ઈન્ટીગ્રેટેડ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ. જેમાં કોઈપણ વ્યક્તિએ અમદાવાદના એક સ્થળેથી બીજા સ્થળે જવું હોય અને સીધી વાહનવ્યવહાર સેવા ઉપલબ્ધ ન હોય તો પણ તે એક જ ટિકીટની મદદથી બીઆરટીએસ, એમટીએસ અને મેટ્રો રેલવેમાં મુસાફરી કરી શકશે.

બીજી સેવા ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ અમે લાવી રહ્યા છીએ. તેમાં સીસીટીવીનો વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવશે. આ યોજના ટ્રાફિક પોલીસ અને મહાનગરપાલિકા સાથે મળીને અમલમાં મૂકશે. જેમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને ઈ-ચલણ મોકલીને દંડ કરવાથી માંડીને ટ્રાફિકવ્યવહારની માળખાકીય સુવિધાઓની દેખરેખ વગેરે બાબતોને આવરી લેવામાં આવશે. મોટાભાગની નાગરિક સુવિધાઓ ઓનલાઈન ઉપલબ્ધ બનાવવામાં આવશે. આમાંના કેટલાક પ્રોજેક્ટો માર્ચ-2017 સુધીમાં અમલી જોવા મળશે. તેમણે વિદ્યાર્થીઓને સમાજજીવનને સ્પર્શતી સમસ્યાઓ ઉકેલાય એવા ઈનોવેટીવ પ્રોજેક્ટો લાવવા અનુરોધ કર્યો હતો અને તેના અમલીકરણ માટે પાલિકા કરાર કરવા તૈયાર હોવાનો અણસાર પણ આપ્યો હતો. પરિષદમાં જીટીયુના ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ સ્માર્ટ સિટીના માનદ નિયામક પ્રો. રજનીકાન્ત પટેલ પણ ઉપસ્થિત હતા.


30873595054_9454516929_o

Comentarios


bottom of page