top of page
Writer's pictureGTU

સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી (SSIP) જાહેર કરતી ગુજરાત સરકાર

ગાંધીનગરઃ દેશમાં સૌ પ્રથમ વખત ગુજરાત રાજ્ય દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસીની આજે તા.૦૮ જાન્યુઆરી, ૨૦૧૭, રવિવારના રોજ માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે જાહેરાત કરવામાં આવી છે. મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રીએ સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ અને ઈનોવેશન પોલિસીની પુસ્તિકાનું વિમોચન કર્યું હતું.

આ નીતિ જાહેર થતાં ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓમાં ઈનોવેશનને વેગ મળશે. રાજ્યના યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતા વિકસશે તેમજ રૂઢિગત શૈક્ષણિક પ્રોજેક્ટને બદલે સમાજઉપયોગી પ્રોજેક્ટો, ઉદ્યોગોને ઉપયોગી થાય એવા આઈડિયાને સહાય તેમજ પ્રોત્સાહન મળશે. રાજ્યની 60થી વધુ યુનિવર્સિટીઓ તથા 800થી વધુ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના 14 લાખથી વધારે વિદ્યાર્થીઓને તેનો લાભ લેવાની તક મળશે. આ હેતુસર રૂ. 200 કરોડનું સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ ભંડોળ ઊભું કરવામાં આવશે. આ નીતિનો ઉદ્દેશ આગામી ૫ વર્ષમાં ૫૦૦ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ શરૂ કરવા, રાજયની યુનિવર્સિટીઓમાંથી દર વર્ષે ઓછામાં ઓછી ૧૦૦૦ IPR પેટન્ટ ફાઇલ કરાવવી, પ્રતિ વર્ષ ૧૦૦૦ વિદ્યાર્થીઓને ઇનોવેશન માટે સપોર્ટ પુરો પાડવો અને આવતા ૫ વર્ષમાં આશરે ૨૦૦ શૈક્ષણિક સંસ્થાઓનું પ્રી-ઇન્ક્યુબેશન સપોર્ટ માટે ક્ષમતા નિર્માણ કરવું વગેરે છે.

સમારોહમાં માન. શિક્ષણમંત્રીશ્રી ભૂપેંદ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં નવીનતમ વિચારો થકી ઔધ્યોગિક ક્રાંતિ લાવવાનું સામર્થ્ય છે, આપણું યુવાધન પુરૂષાર્થથી પ્રારબ્ધને પલટાવવાનું જાણે છે જ્યારે વિકસિત દેશો સંશોધન અને વિકાસને મોટા પ્રમાણમાં પ્રાધ્યાન્ય આપે છે ત્યારે ગુજરાત રાજ્યએ પણ આ ક્ષેત્રે પાછળ રહેવું પરવડે તેમ નથી. અને ખાસ કરીને જ્યારે ૨૦૨૦ સુધીમાં દુનિયાનો યુવાનતમ દેશ થવા જઇ રહ્યો છે અને દેશનું કુલ માનવબળ દુનિયાના કુલ માનવબળના ૨૮% થવાનું છે ત્યારે ગુજરાતે પણ  વૈજ્ઞાનિક અને તકનીકી દિશામાં નવા આયામો સર કરવાની નેમ હાથ ધરી છે.  સ્ટાર્ટાપ/ઇનોવેશનની યોજનાથી રાજ્યમાં નવી રોજગારીની તકો ઉભી કરી શકાય છે, જે યુવા વર્ગ તથા સમાજના દરેક વર્ગના ઉત્થાન માટે ફાયદાકારક નિવડી શકે છે આથી રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ઇન્ડસ્ટ્રીઝ પોલીસીના ભાગરૂપે ગુજરાત સ્ટાર્ટઅપ પોલીસી જાન્યુઆરી-૨૦૧૫માં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. રાજ્યના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ તરફથી પણ આઇ.ટી. પોલીસી અંતર્ગત આઇ.ટી. ક્ષેત્રના સંશોધનો માટે સ્ટાર્ટઅપ પોલીસી જુન-૨૦૧૬થી શરૂ કરવામાં આવેલ છે.  ગુજરાત સરકારનું ધ્યેય માત્ર રોજગાર ક્ષમતા ઉભી કરવાનું નહી પરંતુ સ્ટાર્ટઅપ માટેના ઇન્ક્યુબેશન સેન્ટર વગેરે થકી યુવાનોમાં ઉધ્યોગસાહસિકતા પેદા કરવાનું પણ છે. ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને  ઇનોવેશન માટે સક્ષમ આધાર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસીનું નિર્માણ કરવામાં આવેલ છે.

જુદી જુદી યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાં અભ્યાસરત તેજસ્વી વિદ્યાર્થીઓ દ્વારા ઇન્ડસ્ટ્રીઝ, સોસાયટી તેમજ કોમ્યુનીટીને ઉપયોગી સંશોધનોને વેગ મળે તેમજ રાજ્યની દરેક યુનિવર્સિટી/સંસ્થાના તેજસ્વી વિદ્યાર્થીઓ દ્વારા ઉદભવતા નવા આઇડીયાઓની યોગ્ય સ્તરે મૂલવણી થાય, રાજ્ય સ્તરે તેની પ્રતિસ્પર્ધા થાય અને તેના થકી આવા સંશોધનો માટે Patent Filing અને Start-up રેજિસ્ટ્રેશનમાં નોંધપાત્ર વધારો થાય અને તે માટેની સંભાવનાઓ વધે તે માટે આ પોલીસી ખુબ લાભકારક સાબિત થશે. યુવાધનમાં રહેલા વિકાસલક્ષી કૌશલ્યને સમજી, તેને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકારે આ પોલીસી બહાર પાડેલ છે. આ યોજના અંતર્ગત ઉધ્યોગસાહસિક તેમના ઇનોવેટીવ આઇડીયાના સંશોધન માટે તથા સંશોધનના વેપારીકરણ માટે સહાય મેળવી શકે છે, એમ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના વાઈસ ચાન્સેલર પ્રો. (ડૉ) નવીન શેઠે જણાવ્યું હતું.

આ પોલીસીને જીવંત સ્વરૂપ આપવા માટે અગ્ર સચિવ (ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ) અંજુ શર્મા, ડૉ. એમ. એન. પટેલ, વાઇસ ચાન્સેલર, ગુજરાત યુનિવર્સિટી, ડૉ. રાજુલ ગજ્જર, તત્કાલીન ઈન્ચાર્જ વાઇસ ચાન્સેલરશ્રી, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, શ્રી શૈલેષ પટવારી, સીનીયર વાઇસ પ્રેસીડેન્ટ, GCCI, શ્રી ભાગ્યેશ સોનેજી, ચેરપર્સન, ASSOCHAM, Gujarat, ડૉ. વી. એસ. પુરાણી, સંયુક્ત નિયામક, ટેકનીકલ શિક્ષણ, શ્રી હિરણ્મય મહંતા, માનદ નિયામક, GTU Innovation Council, શ્રી રાહુલ ભાગચંદાની, ચેરમેન, યુથ કનેક્ટ ફાઉન્ડેશન તથા શ્રી હરિષ પ્રજાપતિ, નાયબ સચિવશ્રી (ટેકનીકલ શિક્ષણ), માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, માન. નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ અને માન. શિક્ષણમંત્રીશ્રી ભૂપેંદ્રસિંહ ચુડાસમા દ્વારા સક્રિય યોગદાન આપવામાં આવ્યું છે.

ઉદ્દેશ

  1. ઇનોવેશન કલ્ચર બિલ્ડીંગ

o             પ્રણાલિકાગત શૈક્ષણિક પદ્ધતિમાં ગુણાત્મક સુધારો કરવો

o             વિદ્યાર્થીઓમાં ક્રીએટીવ થીન્કીંગ અને પ્રોબ્લેમ સોલ્વીંગ એટીટ્યુડના ઘડતર માટે સર્જનાત્મક વાતાવરણનું નિર્માણ કરવું.

  1. પ્રી-ઇન્ક્યુબેશન સપોર્ટ

o             વિદ્યાર્થીઓના આઇડીયાને પ્રુફ ઑફ કોન્સેપ્ટ (PoC) થી ઉપર લઇ મીનીમમ વાયેબલ પ્રોટોટાઇઅપ (MVP) સુધી લઇ જવું

o             પેટન્ટ દાખલ કરવા માટેની વ્યવસ્થા ઉભી કરવી.

લક્ષ્યાંક

  1. નવીનતમ સર્જનાત્મક વિચારોનું વાતાવરણ ઉભું કરવું.

  2. ઇનોવેશન દ્વારા ૧% સ્નાતકોને જોબ ક્રીએટર બનાવવા

  3. આગામી ૫ વર્ષમાં ૫૦૦ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ શરૂ કરવા

  4. રાજયની યુનિવર્સિટીઓમાંથી દર વર્ષે ઓછામાં ઓછી ૧૦૦૦ IPR પેટન્ટ ફાઇલ કરાવવી

  5. પ્રતિ વર્ષ ૧૦૦૦ વિદ્યાર્થીઓને ઇનોવેશન માટે સપોર્ટ પુરો પાડવો

  6. આવતા ૫ વર્ષમાં આશરે ૨૦૦ શૈક્ષણિક સંસ્થાઓનું પ્રી-ઇન્ક્યુબેશન સપોર્ટ માટે ક્ષમતા નિર્માણ કરવું

મુખ્ય પ્રવૃત્તિઓ

  1. ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓમાં ઈનોવેશન અને પ્રી-ઈનકયુબેશન પ્રત્‍યે જાગૃતતા કેળવવી

  2. વિદ્યાર્થીઓને રૂઢિગત શૈક્ષણિક પ્રોજેક્ટ્સ ના બદલે સોસાયટી-ઇન્ડસ્ટ્રીઝ તથા કોમ્યુનીટી સંલગ્ન પ્રોજેક્ટ્સ માટેના ઇનોવેટીવ આઇડીયાઝને પ્રોત્સાહન

  3. સંસ્થા સ્તરે સહાય, તજજ્ઞ અવલોકન-મૂલ્યાંકન અને વ્યાવસાયિક ધોરણે તેના વિકાસનો મંચ પુરો પાડવો.

  4. સંશોધન કાર્ય માટે માન્યતા, એવોર્ડ તેમજ તેની યોગ્ય માધ્યમ મારફત પ્રસિદ્ધિ કરવી

  5. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ ખાતે ફેબ લેબ, કોમન વર્કીંગ સ્પેસ, ડીઝાઇન લેબ વિગેરે ઉભી કરવી,

  6. શૈક્ષણિક કાર્યક્રમો, પરિસંવાદ, કાર્યશાળા/MOOC-Massive Open Online Course થકી ટેકનોલોજી પ્લેટફોર્મ પુરુ પાડવું

  7. રાજ્ય કક્ષાએ કોમન રીસોર્સ સેન્ટર અને ડીજીટલ પ્લેટફોર્મ ઉભું કરવું

સ્ટુડન્ટ ઇનોવેશન ફંડ

  1. અગામી ૫ વર્ષમાં રૂ. ૨૦૦ કરોડના સ્ટેટ ઇનોવેશન ફંડ ઉભું કરવું.

  2. જે માટે રૂ.૧૦૦ કરોડ ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવશે અને બાકીની રકમ આંતરિક સ્ત્રોતોમાંથી ઉભી કરવામાં આવશે

Comments


bottom of page