અમદાવાદઃ વાયબ્રન્ટ ગુજરાત સમિટ – 2017ના પૂર્વાર્ધ રૂપે મહાત્મા મંદિરમાં યોજાઈ રહેલી સ્ટાર્ટ અપ સમિટમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના વિદ્યાર્થીઓએ બનાવેલા સમાજઉપયોગી 41 પ્રોજેક્ટો ઈનોવેશન કોર્નરમાં રજૂ કરવામાં આવ્યા છે. આ સમિટનો આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે શુભારંભ થયો હતો. આ સમિટ બે દિવસ ચાલશે. તેમાં જીટીયુના 190 વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો ભાગ લઈ રહ્યા છે.
સમિટમાં મુખ્યમંત્રીશ્રીએ બટન દબાવીને સ્ટાર્ટ અપની ખાસ વેબસાઈટનું ઉદ્ઘાટન કર્યું હતું. તે ઉપરાંત વિઝન – 2020 ડોક્યુમેન્ટનું વિમોચન પણ તેમણે કર્યું હતું. આ સમારંભમાં કોફી ટેબલ બુકનું વિમોચન પણ થયું હતું. જીટીયુના વિદ્યાર્થીઓના બે ઈનોવેટીવ પ્રોજેક્ટોને તેમાં સ્થાન મળ્યું છે. ઈનોવેશન કોર્નરમાં રજૂ કરવામાં આવેલા કુલ 75 પ્રોજેક્ટોમાંથી 41 પ્રોજેક્ટો જીટીયુના વિદ્યાર્થીઓના છે. તેના માટે પસંદગી પામેલા પ્રોજેક્ટો લઈને વિદ્યાર્થીઓ તથા પ્રોફેસરો અમદાવાદ, રાજકોટ, વડોદરા, મહેસાણા, સુરત, બારડોલી, વાસદ અને વલ્લભ વિદ્યાનગરથી આવ્યા છે.
આ પ્રસંગે યોજાઈ રહેલા સ્ટાર્ટ અપ પ્રદર્શનમાં જીટીયુના સ્ટોલનું ઉદઘાટન યુનિવર્સિટીના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર ડૉ. રાજુલ કે. ગજ્જરે કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જીટીયુ સંલગ્ન કૉલેજોના વિદ્યાર્થીઓના સમાજઉપયોગી પ્રોજેક્ટો ઈનોવેશન કોર્નરમાં રજૂ કરાયા છે અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ તે રસપૂર્વક નિહાળ્યા. આવા વધુને વધુ પ્રોજેક્ટો બનાવવા વિદ્યાર્થીઓને પૂરતું પ્રોત્સાહન મળી રહે તેના માટે અનેક પગલાં લેવામાં આવશે.
This slideshow requires JavaScript.
Comments