top of page
  • Writer's pictureGTU

સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપવા જીટીયુ નવી સમિતિ રચશે, નવા નિયમો બનાવશે

જીટીયુ સંલગ્ન સંસ્થાઓ તરફથી ડૉ. અક્ષય અગ્રવાલ અને ડૉ. રાજુલ ગજ્જરનું બહુમાન

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપવા આગામી સપ્તાહમાં નવી સમિતિની રચના કરશે. કોઈ વિદ્યાર્થી પોતાના પ્રોજેક્ટનું પ્રોડક્ટ કે સર્વિસમાં રૂપાંતર કરવાથી મહિને રૂ. દસ હજારની આવક એક વર્ષ સુધી થવાની ખાતરી આપી શકે તો તેવા વિદ્યાર્થીને સ્ટાર્ટ અપ ભંડોળ મળી શકશે. વિદ્યાર્થીઓના રચનાત્મક આઈડિયાનું ઈનોવેટીવ પ્રોડક્ટમાં રૂપાંતર થઈ શકે તેના માટે જીટીયુ વિદ્યાર્થીઓને ખાસ તાલીમ પૂરી પાડશે, એવી જાહેરાત જીટીયુના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર ડૉ. રાજુલ ગજ્જરે કરી હતી.

જીટીયુ સંલગ્ન સંસ્થાઓ તરફથી આયોજીત સત્કાર સમારંભમાં તેમણે જણાવ્યું હતું કે જીટીયુ ઉદ્યોગો અને શિક્ષણ જગત વચ્ચે સંબંધોનો સેતુ સુદૃઢ બનાવશે. સ્થાનિક ઉદ્યોગો પાસેથી સૂચનો માગીને અભ્યાસક્રમમાં એવા સુધારાવધારા કરવા જીટીયુ તૈયાર છે કે જેનાથી ઉદ્યોગોની જરૂરિયાત મુજબના કૌશલ્યો ધરાવતા એન્જીનિયરો તૈયાર થઈ શકે. સ્થાનિક ઉદ્યોગ તરફથી સૂચવવામાં આવેલા ઈલેક્ટીવ નજીકની કૉલેજોમાં ભણાવવાની વ્યવસ્થા થઈ શકે એમ હોય તો જીટીયુ તેનો સમાવેશ કરવા તૈયાર છે. તેમણે જીટીયુના નવા નીતિનિયમો ઘડવાની પ્રક્રિયા ટૂંકસમયમાં હાથ ધરવાનો પણ અણસાર આપ્યો હતો. સમારોહમાં રાજકોટ, વડોદરા, વલ્લભ વિદ્યાનગર, ગાંધીનગર અને ગુજરાતના અનેક શહેરોની વિવિધ કૉલેજોના પ્રિન્સીપાલો, મેનેજીંગ ટ્રસ્ટીઓ, ડાયરેક્ટરો તેમજ ડીન અને ઑફિસરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત હતા. કાર્યક્રમમાં જીટીયુના વાઈસ ચાન્સેલરપદેથી વિદાય લઈ રહેલા ડૉ. અક્ષય અગ્રવાલ તથા તેમના સ્થાને ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર તરીકેનો કાર્યભાર સંભાળનાર ડૉ. રાજુલ ગજ્જરનું સન્માન કરવામાં આવ્યું હતું.

વલ્લભ વિદ્યાનગરમાં 46 શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન કરી રહેલા અને 40 હજાર વિદ્યાર્થીઓને કે.જી.થી પી.જી. સુધીનું શિક્ષણ આપી રહેલા ચારુત્તર વિદ્યા મંડળના પ્રમુખ ડૉ. સી.એલ.પટેલે પોતાની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે શિક્ષણના ક્ષેત્રમાં મેં 28 વર્ષ ગાળ્યા છે, પણ અત્યાર સુધીમાં ડૉ. અગ્રવાલ જેવી દીર્ઘદૃષ્ટા, પ્રામાણિક અને સક્ષમ બીજી કોઈ વ્યક્તિ મને મળી નથી. તેમણે ખાસ કરીને વિદ્યાર્થીઓને દર વર્ષે અમેરિકા, કેનેડા, જર્મની અને રશિયાની યુનિવર્સિટીઓમાં અભ્યાસનો અનુભવ લેવા માટે મોકલવાનું શ્રેષ્ઠ કાર્ય કર્યું છે. ડૉ. પટેલના અભિપ્રાયમાં સૂર પુરાવતા એલ.જે. કેમ્પસના ઉપપ્રમુખ મનિષ શાહે જણાવ્યું હતું કે ગુજરાત ટેકનિકલ શિક્ષણમાં પડોશી રાજ્યોની સરખામણીએ ઘણું આગળ છે અને તેનો શ્રેય ડૉ. અગ્રવાલને ફાળે જાય છે. તેઓ પોતે ઊર્જાથી ભરપુર છે અને તેમને જે વ્યક્તિગત રીતે મળે તેમનામાં પણ ઊર્જાનો સંચાર થાય છે. તેઓ અમારા સંગઠનને સતત માર્ગદર્શન આપતા રહે એવી આશા રાખીએ.

ડૉ. અગ્રવાલે સન્માનના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે દરેક કૉલેજે પોતાની આગવી ઓળખ ઊભી કરવી જોઈએ. અખબારી અહેવાલો મુજબ આ વર્ષે એન્જીનિયરીંગ કૉલેજોમાં 27 હજાર બેઠકો ખાલી રહેવાનો અંદાજ છે. બીજી બાજુ ઉદ્યોગો કહે છે કે અમને સારા એન્જીનિયરો મળતા નથી. એટલે એન્જીનિયરો બેકાર રહે એ વાતમાં કંઈ દમ નથી. તેઓને કેવળ પુસ્તકિયા જ્ઞાન આધારિત ડિગ્રી આપવાને બદલે સર્વાંગી વિકાસના પ્રયાસો કરવાની આવશ્યકતા છે. રિસર્ચ માટે સરકાર તરફથી અનેક પ્રકારની ગ્રાન્ટ અપાય છે તેનો લાભ કૉલેજોએ લેવો જોઈએ. વિદ્યાર્થીઓ વધુ ને વધુ પ્રોજેક્ટો બનાવે તથા શિક્ષણેત્તર પ્રવૃત્તિઓમાં વધારે રસ લેતા થાય એવા પગલાં લેવા જોઈએ. જીટીયુની 111 એન્જીનિયરીંગ કૉલેજોમાં દરેક કૉલેજ પોતાની ખાસ ટેકનોલોજી વિકસાવી આગવી ઓળખ ઊભી કરે એવી હિમાયત પણ તેમણે કરી હતી.

જીટીયુના બોર્ડ ઑફ ગવર્નન્સના સભ્ય અને સિલ્વર ઓક કૉલેજ ઑફ એન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજીના મેનેજીંગ ટ્રસ્ટી જનક ખાંડવાલાએ સમારોહમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ડૉ. અગ્રવાલે થોડા વર્ષો પહેલા જીટીયુમાં જે કાર્યક્રમો શરૂ કર્યા હતા, તેવા જ કાર્યક્રમો હવે કેન્દ્ર સરકાર ભારતભરમાં અમલમાં મૂકી રહી છે. સ્માર્ટ સિટી, સ્ટાર્ટ અપ અને ઈનોવેશન જેવા નામ જીટીયુમાં થોડા વર્ષો પહેલા સાંભળવાના શરૂ થયા તેવા જ કાર્યક્રમો હવે દેશભરમાં શરૂ થઈ રહ્યા છે તે આપણા માટે ગૌરવાસ્પદ બાબત છે.

વીવીપી એન્જીનિયરીંગ કૉલેજના પ્રમુખ પ્રવિણભાઈ મણિયારે પણ ડૉ. અગ્રવાલની વાઈસ ચાન્સેલર તરીકેની તેજસ્વી કામગીરીને બિરદાવી હતી. તેમણે કહ્યું હતું કે અગ્રવાલે જીટીયુ સંલગ્ન સંસ્થાઓને ઘણુંબધું આપ્યું છે. ખાસ કરીને જેમને પ્રગતિ કરવી હોય તેઓને જીટીયુના માધ્યમથી મંચ અને વિપુલ તકો પણ તેમણે પૂરી પાડી છે. એમબીએ એસોસિયેશનના પ્રમુખ નાનજીભાઈ વખારીયા અને ડિપ્લોમા એસોસિયેશનના પ્રમુખ જીતેન્દ્ર પટેલ પણ સમારોહમાં મંચ પર ઉપસ્થિત હતા. સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોમાં જીટીયુના બોર્ડ ઑફ ગવર્નન્સના સભ્ય રાજુભાઈ શાહ, ચારુત્તર વિદ્યા મંડળના ડૉ. ઈન્દ્રજીત પટેલ, પારૂલ ઈન્સ્ટીટ્યુટ ઑફ ટેકોનોલોજીના પ્રિન્સીપાલ ડૉ. શિતલ શાહ, એલ.એમ. ફાર્મસી કૉલેજના પ્રિન્સીપાલ ડૉ. એમ.ટી.છાબરીયા સહિત ગુજરાતની વિવિધ કૉલેજોના વડા આ પ્રસંગે ઉપસ્થિત હતા. સિલ્વર ઓક કૉલેજ ઑફ એન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજીના પ્રિન્સીપાલ ડૉ. સૌરીન શાહે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ડૉ. અગ્રવાલે સફળ સુકાની બનીને જીટીયુને ખરા અર્થમાં આતરરાષ્ટ્રીય ઈનોવેટીવ યુનિવર્સિટી બનાવી છે. હવે ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર ડૉ. રાજુલ ગજ્જર જીટીયુને તે દિશામાં આગળ લઈ જઈને વૈશ્વિક સ્તરે સફળતાના નવા શિખરો સર કરાવશે એવો અમને વિશ્વાસ છે.

コメント


bottom of page