top of page
  • Writer's pictureGTU

સામાજિક સમસ્યાઓ હલ કરવામાં ઉપયોગી વિદ્યાર્થીઓના 6 ઈનોવેટીવ પ્રોજેક્ટોને એવોર્ડ

વિદ્યાર્થીઓ, વાલીઓ અને પ્રોફેસરોની હાજરીમાં જીટીયુના વાર્ષિક સંકુલ દિવસની ઉજવણી અમદાવાદ: સામાજિક અને ટેકનિકલ સમસ્યાઓ હલ કરવામાં ઉપયોગી બનેલા વિદ્યાર્થીઓના 6 ઈનોવેટીવ પ્રોજેક્ટોને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુ ઈનોવેશન કાઉન્સલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અમદાવાદના પર્યાવરણ મંદિર ખાતે યોજાયેલા છઠ્ઠા વાર્ષિક સંકુલ દિવસ નિમિત્તે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભણતરમાં નવતર પદ્ધતિઓ અપનાવનાર 46 પ્રાધ્યાપકો અને પ્રિન્સીપાલોને પણ પેડાગોજીક ઈનોવેશન એવોર્ડ (પીઆઈએ)થી સન્માનિત કરવામાં આવ્યા હતા. હાર્ડ વર્ક કરતા સ્માર્ટ વર્ક કરો ગુજરાતના ઉદ્યોગ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન રોહિતભાઈ પટેલે જણાવ્યું હતું કે જીવનમાં ભણતર જેટલું જ ગણતરનું પણ મહત્ત્વ છે. તમે હાર્ડ વર્ક કરો તેના કરતા સ્માર્ટ વર્ક કરો તેના ફળ બહેતર મળે છે. ખરા ઉદ્યોગ સાહસિક કેવી રીતે બની શકાય તે સમજાવવા તેમણે પોતાની મિલ્સેન્ટ કંપનીને ખોટ કરતા એકમમાંથી નફો કરતું કેવી રીતે બનાવ્યું તેનું ઉદાહરણ આપ્યું હતું. તે ઘરઘંટીની પ્રોડક્ટમાં પ્રોબ્લેમ હતો, માર્કેટીંગનો અભાવ હતો, તે દૂર કેવી રીતે કરવામાં આવ્યો તેની સફળતાની ગાથા તેમણે વર્ણવી હતી. તેમણે કહ્યું હતું કે એન્જીનિયર બન્યા પછી મેં એલએલબી કર્યું તે કાયદાનું જ્ઞાન મને સંકટ સમયે કામ આવ્યું. બીજું ઉદાહરણ આપતા તેમણે કહ્યું હતું કે ખેડા નજીક માતર પાસે ફાર્મસી કંપની શરૂ કરવામાં મને બૅન્ક લોન મળી નહિ. હર્ષદ મહેતાના સિક્યુરિટી કૌભાંડને કારણે પબ્લિક ઈસ્યુ લાવી ન શક્યા. તે વખતે હિંમત કરીને પ્રોપર્ટી વેચીને નાણાં ફાર્મસી કંપનીમાં રોક્યા. ત્યારબાદ પૂરને કારણે કંપનીની હાલત એટલી વિકટ થઈ ગઈ કે ત્રણ મહિના તો ક્લિનીંગ કરવામાં લાગ્યા. છતાં ધીરજ ગુમાવ્યા વિના સખત પરિશ્રમ કર્યો અને અત્યારે તે કંપની રૂ. 250 કરોડની બની ગઈ છે. જીવનમાં પડકારો તો આવ્યા જ કરે, તેનો સામનો કરવાની તૈયારી અને હિંમત દાખવવી જોઈએ. સતત ઈનોવેટીવ કાર્યો કરતા રહો રાજ્યની છ યુનિવર્સિટીઓમાં 14 લાખ વિદ્યાર્થીઓ માટે સ્ટાર્ટ અપ યોજના શરૂ કરવાના પ્રણેતા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ ખાતાના અગ્ર સચિવ અંજુ શર્માએ વિદ્યાર્થીઓ માટે પ્રેરક વક્તવ્ય આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે શિક્ષણનો મૂળ હેતુ વિચારોની બારી ખોલવાનો છે, બંધ કરવાનો નહિ. શિખવાની કોઈ ચોક્કસ વય હોતી નથી. પોતાની જાતને અપડેટ રાખવા સતત નવું નવું શિખતા રહો. તમે મેળવેલા શિક્ષણની મદદથી સમાજમાં કેવું પ્રદાન કરી શકાય તેનો વિચાર કરતા રહો. આજના જમાનામાં પરિવર્તન વડે જ પ્રગતિ શક્ય છે. રોજેરોજ એકસરખું ભોજન કંટાળો લાવે છે. જીવનમાં નવી નવી તકો શોધતા રહો, સતત ઈનોવેટીવ કાર્યો કરતા રહો. ઈનોવેશનના આ મહત્ત્વને ધ્યાનમાં રાખીને સરકારે અભ્યાસક્રમોમાં તેને અનુરૂપ ફેરફારો કરવાનું નક્કી કર્યું છે. જીટીયુ ઈનોવેશનની પ્રક્રિયામાં બેન્ચમાર્ક બને એમ સરકાર ઈચ્છે છે. કોઈએ સ્ટાર્ટ અપનો વિચાર પણ કર્યો નહોતો એવા સમયે જીટીયુએ સ્ટાર્ટ અપની તાલીમ આપવાનું શરૂ કરી દીધું હતું. ગુજરાત સરકાર સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપવા ઉત્સુક છે. જીટીયુની આ ઉદાહરણરૂપ કામગીરીનું ભારતભરની યુનિવર્સિટીમાં અનુસરણ થાય એવી શુભેચ્છા આપું છું. આ પ્રસંગે જીટીયુ ઈનોવેશન કાઉન્સિલની વેબસાઈટ અને એપ લોન્ચ કરવામાં આવ્યા હતા. પાંચ ઝોનલ સેન્ટરો સ્થાપવામાં આવશે સમારોહમાં જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો (ડૉ.) નવીન શેઠે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે ઉદ્યોગજગત અને શૈક્ષણિકજગત વચ્ચે સંબંધોનો સેતુ મજબુત બને તેના માટે સૌપ્રથમ ઈનોવેશન કાર્ય શોધયાત્રાના માધ્યમથી અમદાવાદના નરોડા જીઆઈડીસી વિસ્તારથી શૈલેષ પટવારીના માર્ગદર્શનથી શરૂ થયું તેની યાદમાં દર વર્ષે 14મી ફેબ્રુઆરીએ જીટીયુ સંકુલ દિવસની ઉજવણી કરે છે. ઈનોવેશન અને સ્ટાર્ટ અપ તેમજ સંકુલની કામગીરીને મજબૂત બનાવવા જીટીયુ તરફથી પાંચ ઝોનલ સેન્ટરો સ્થાપવામાં આવશે. ભારતભરમાં આવતી પેટન્ટ અરજીઓમાંથી ફક્ત 15 ટકા શૈક્ષણિકજગતની હોય છે. આ પ્રમાણ વધે તેના માટે જીટીયુ તરફથી આઈપીઆર સેલની રચના કરવામાં આવેલી છે. તેની પ્રવૃત્તિઓમાં વધારો કરવામાં આવશે. સ્ટાર્ટ અપને ભંડોળ મળી રહે તેના માટે જીટીયુ રાજ્ય સરકારની નોડલ એજન્સી તરીકે કાર્યરત છે. સરકારે સ્ટાર્ટ અપના નવ પ્રોજેક્ટોને ફાળવેલા રૂ. 55 કરોડમાંથી પ્રથમ હપ્તાની રકમના ચેક વિદ્યાર્થીઓને અર્પણ કરી દેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી પણ જીટીયુને ટેકનોલોજીકલ બિઝનેસ ઈન્ક્યુબેટર તરીકે માન્યતા અપાઈ છે. વિચારધારા વ્યક્તિ કરતાંયે વધારે શક્તિશાળી સમારોહમાં રાજકોટના રામકૃષ્ણ આશ્રમના વડા સ્વામી સર્વસ્થાનંદજીએ જણાવ્યું હતું કે આઈડિયા એટલે કે વિચારધારા વ્યક્તિ કરતાંયે વધારે શક્તિશાળી હોય છે. સ્વામી વિવેકાનંદે ભારતના નવનિર્માણ માટે શિક્ષણને પ્રવેશ, પરીક્ષા અને પરિણામ પૂરતું મર્યાદિત નહિ રાખતા તેમાં નવીનતમ વિચારો – ઈનોવેશનને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને ઈનોવેટીવ આઈડિયાનું પ્રોજેક્ટમાં રૂપાંતર કરી તેને સ્ટાર્ટ અપ તરીકે આગળ લઈ જવા સુધી હિંમતપૂર્વક કાર્ય કરવા અનુરોધ કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને એવી સલાહ આપી હતી કે સ્ટાર્ટ અપના કોઈ તબક્કે નિષ્ફળતા મળે તો તેનાથી ગભરાશો નહિ બલકે હિંમતભેર આગળ વધતા રહો, તમને સફળતા જરૂર મળશે. ટીમવર્કથી પડકારોનો સામનો કરો આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત પીપાવાવ ડિફેન્સના કેપ્ટન સીબા પટનાઈકે વિદ્યાર્થીઓને જીવનમાં નેતૃત્વના ગુણો કેળવવાની હિમાયત કરી હતી. તેના માટે ટીમવર્કથી પડકારોનો સામનો કરવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. તેમણે સબમરીનના નિર્માણનું કાર્ય ટીમવર્કથી કેવી રીતે સફળતાપૂર્વક સાકાર થઈ શક્યું તેની રસપ્રદ જાણકારી આપી હતી. જીટીયુ ઈનોવેશન કાઉન્સલના માનદ નિયામક હિરણ્મય મહંતાએ જણાવ્યું હતું કે સમાજની સમસ્યાઓને હલ કરવામાં ઉપયોગી પ્રોજેક્ટોને જીટીયુ તરફથી દર વર્ષે સંકુલ દિવસે સન્માનિત કરવામાં આવે છે. સમારોહમાં નરોડા ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રમુખ શૈલેષ પટવારીએ જણાવ્યું હતું કે ઉદ્યોગો સાથે શિક્ષણનો સમન્વય વધે તેના માટે અમે જીટીયુને ટેકો આપી રહ્યા છીએ. સમારોહમાં જીટીયુના ઇન્ચાર્જ રજીસ્ટ્રાર શ્રી જે.સી.લિલાણીએ બધાનું સ્વાગત કર્યુ હતું. સાલ કાલેજ આફ એન્જીનિયરીંગના નિયામક અને જીટીયુના બોર્ડ ઑફ ગવર્નન્સના સભ્ય શ્રી રૂપેશ વસાણી અને જીટીયુના ડિરેક્ટર ડૉ. રાજુલ ગજ્જરે પણ આ પ્રસંગે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. એવોર્ડ વિશે જીટીયુ ઈનોવેશન કાઉન્સલે આ વખતે આઈટુઆઈ – ઈનોવેશન ટુ ઈમ્પેક્ટ કેટેગરીમાં બે પ્રોજેક્ટોને એવોર્ડ માટે પસંદ કર્યા છે. આમાં ડૉ. યોગેશ રોટલીવાલા અને તેમની ટીમે સ્વચ્છ ભારત અભિયાનમાં ઉપયોગી પ્રોજેક્ટ મુખ્ય છે. જેમાં પ્લાસ્ટિક અને બાયોમાસ કચરાના નિકાલની વ્યવસ્થાનો સમાવેશ થાય છે. તે ઉપરાંત બીજો એવોર્ડ મનન પટેલ અને અંજલિ જૈનની ટીમે બનાવેલા કૃષિ ઓજાર પ્રોજેક્ટને એનાયત કરવામાં આવ્યો હતો. પેડાગોજીક ઈનોવેશન એવોર્ડમાં આ વખતે 46 પ્રાધ્યાપકોને એવોર્ડ આપવામાં આવ્યા હતા. ત્રીજી કેટેગરીમાં ઈનોવેટીવ સ્ટુડન્ટસ કો-ક્રિયેશન એવોર્ડ ફોર લિડરશીપ એન્ડ એક્સેલન્સ ચાર ટીમોને વિવિધ પ્રોજેક્ટો માટે આપવામાં આવ્યા હતા. જેમાં એલ.ડી. એન્જીનિયરીંગ કૉલેજની ટીમે વિકસાવેલા પ્રોજેક્ટ સાહિત્ય સરીતા અંતર્ગત ડિજીટલ ઈન્ડિયા અને ખાદીને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. બીજો એવોર્ડ વિશ્વકર્મા કૉલેજની ટીમે બનાવેલા કૉમ્પ્યુટેલેન્ટને મળ્યો હતો. તેમાં બાળકો, ગૃહિણીઓ, ઉદ્યોગોના કર્મચારીઓ તથા વરિષ્ઠ નાગરિકોને કૉમ્પ્યુટર તાલીમ આપવાની યોજનાનો સમાવેશ થાય છે. એવોર્ડ મેળવનારા અન્ય બે પ્રોજેક્ટોમાં સરકારી સંસ્થાની દિવાલો પર સમાજને સંદેશ આપતા ચિત્રો બનાવવાના પ્રોજેક્ટ રંગ અમૈઝી અને એનએસએસના જનજાગૃતિ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

nps_0166
nps_0279

Comments


bottom of page