અમદાવાદઃ ભારતમાં છેલ્લા એક દાયકામાં 13 લાખ લોકો માર્ગ અકસ્માતોને કારણે મૃત્યુ પામ્યા હોવાનું સરકારી આંકડાઓના આધારે જાણવા મળે છે. અકસ્માતમાં ભોગ બનેલી વ્યક્તિ જો પરિવારનું ભરણપોષણ કરનાર એકમાત્ર વ્યક્તિ હોય તો તેના અણધાર્યા મૃત્યુ બાદ જીવિત રહેલા કુટુંબીજનોએ જે પીડા, દુ:ખ અને આઘાત અનુભવે તેની ગણતરી આંકડામાં થઈ ન શકે. મોટાભાગના અકસ્માતો ડ્રાઈવરની ભૂલના કારણે સર્જાય છે. સાવધાનીપૂર્વક અને કાળજીપૂર્વકના ડ્રાઈવિગથી અકસ્માત થવાની સંભાવનાઓ ૮૨ ટકા સુધી ઘટાડી શકાય છે.
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) અને અમદાવાદ ટ્રાફિક કન્સલ્ટેટીવ કમિટીના સંયુક્ત ઉપક્રમે 9મીથી 15મી જાન્યુઆરી દરમિયાન રોડ સેફટી વીક એટલે કે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આરટીઓના નિષ્ણાત શહેરીયાર ઝવેરીએ આદિશ્વર કૉલેજ ઑફ ટેકનોલોજી તથા વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જીનિયરીંગ કૉલેજમાં પ્રેઝન્ટેશન રજૂ કરીને જનજાગૃતિ ફેલાવી હતી. તેમણે આ બંને કાર્યક્રમોમાં કુલ 160 વિદ્યાર્થીઓ તથા પ્રોફેસરોને ડ્રાઈવિંગ કરતી વખતે કેવી સાવચેતી રાખવી તેનું સચોટ માર્ગદર્શન આપ્યું હતું. જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો. (ડૉ) નવીન શેઠની સૂચનાથી માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.
આરટીઓ નિષ્ણાત ઝવેરીએ આ પ્રસંગે વધુમાં જણાવ્યું હતું કે માર્ગ ઉપર અકસ્માતથી થતી માથાની ઈજાના કારણે ૯૦ ટકા લોકો મૃત્યુ પામે છે. રાત્રીના સમયે માર્ગ ઉપર અકસ્માતની સંભાવના ૪૦ ટકા સુધી વધી જતી હોય છે. ટુ-વ્હીલરમાં સારી ગુણવતાવાળી હેલ્મેટથી માથાની ઈજામાં બચાવ થાય છે. મોટરમાં સીટ બેલ્ટનો ઉપયોગ કરેલ હોય તે સમયે થતા અકસ્માતમાં, તેનો ઉપયોગ કરનારના મૃત્યુનું પ્રમાણ ૫૦% જેટલું ઘટી શકે છે.
આપણા દેશમાં માર્ગ વાહન વ્યવહારનું વિશાળ માળખું ગોઠવાયેલું છે.આથી ૭૦% માલ-સામાન અને ૮૫% મુસાફરો પરિવહન માટે માર્ગોનો ઉપયોગ કરે છે. અલગ અલગ શ્રેણીમાં નોંધાયેલા મોટર વ્હીકલ્સની કુલ સંખ્યા દર વર્ષે લગભગ દસ ટકાના દરે વધી રહી છે. ભારતનાં ઝડપી આર્થિક વિકાસના કારણે વાહનોની સંખ્યામાં ખૂબ વધારો થયો છે.અને ઉચ્ચ ટેકનોલોજીને કારણે આપણા વાહનોમાં સલામતી માટે નવી અને વધુ સારી સુવિધાઓ જોવા મળે છે. પરંતુ આપણા ડ્રાઈવરોમાં ભયજનક અને જોખમી પરિસ્થિતિમાંથી સલામત રીતે ઉગરી જવાય તેવી અદ્યતન તાલીમનો અભાવ છે, એમ તેમણે ઉમેર્યું હતું.
Kommentare