top of page
Writer's pictureGTU

સપ્તાહમાં એકવાર સામુહિક યોગાસનો કરો અને તંદુરસ્ત રહોઃ જીટીયુનો અનોખો આઈડિયા

જીટીયુમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં એક હજારથી વધુ લોકોએ ભાગ લીધો

અમદાવાદઃ વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને કૉલેજોના અન્ય કર્મચારીઓ સામુહિક રીતે સપ્તાહમાં એકવાર યોગ કરે તો આખું અઠવાડિયું ચુસ્તી, સ્ફૂર્તિ અને તંદુરસ્તી અનુભવી શકે, એવો નવતર આઈડિયા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર ડૉ. રાજુલ ગજ્જરે મંગળવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પ્રસંગે રજૂ કર્યો હતો. જીટીયુના ચાંદખેડા કેમ્પસમાં થયેલી ઉજવણીમાં એક હજારથી વધુ લોકોએ યોગાસનો અને પ્રાણાયામ કર્યા હતા.

આ કાર્યક્રમમાં જીટીયુ સંલગ્ન અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોની કૉલેજોના વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને જીટીયુના કર્મચારીઓએ ભાગ લીધો હતો. આમાં વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જીનિયરીંગ કૉલેજ (વીજીઈસી) ઉપરાંત વિનસ ગ્રુપની કૉલેજો ખાસ કરીને આદિશ્વર કૉલેજ ઑફ ટેકોનોલોજી તથા અરિહંત સ્કૂલ ઑફ ફાર્મસી એન્ડ બીઆરઆઈ, મહેસાણા નજીકની સેફ્રોની ઈન્સ્ટીટ્યુટ ઑફ ટેકનોલોજી તેમજ ભાંડુ સ્થિત એલસીઆઈટી વગેરે કૉલેજોના વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો.ખાસ કરીને વીજીઈસીના વિદ્યાર્થીઓ તથા પ્રોફેસરોએ વ્યવસ્થા જાળવવા સ્વયંસેવક તરીકે બજાવેલી કામગીરી ઊડીને આંખે વળગે એવી રહી હતી.

ડૉ. ગજ્જરે આ પ્રસંગે ઉપસ્થિત બધાને યોગ માણવા અનુરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે ચોથી સદીમાં પતંજલિ ઋષિએ યોગ શિખવવાનું શરૂ કર્યું હતું, એટલું તે પ્રાચીન છે અને તેમાં આપણા ઋષિમુનિઓના અનુભવનો નિચોડ રહેલો છે. હકીકતમાં યોગને તે અનુભવ તેમજ વિજ્ઞાન સાથે સાંકળીને તેને વ્યાપક અર્થમાં લેવાની જરૂર છે. આપણે કુદરતી સૌંદર્યને માણતા હોઈએ ત્યારે મનને શાંતિ અને આનંદની આહલાદક અનુભૂતિ થતી હોય છે, પણ તે ક્ષણિક હોય છે. જો આપણે તેવી અનુભૂતિ લાંબો સમય ટકાવવી હોય તો યોગ એક અદભુત માધ્યમ છે. એટલા માટે જ આપણા વડા પ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યોગને આપણા જીવનમાં વણી લેવા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ચાલુ કરી છે. તે મિશનમાં સાથ આપવા આપણા માનનીય મુખ્ય પ્રધાન શ્રીમતી આનંદીબેન પટેલ, શિક્ષણ પ્રધાન શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને શ્રીમતી વસુબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં મોટાપાયે યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. જીટીયુ તે ઉજવણીના ભાગરૂપ બન્યું છે. આપણે રોજબરોજની જીવનશૈલિમાં યોગને એક હિસ્સો બનાવવાના શપથ લઈએ.

આ ઉજવણીમાં સહભાગી બનવા જીટીયુએ સંલગ્ન તમામ કૉલેજોને પરિપત્ર પાઠવ્યો હતો અને તેનો પ્રોત્સાહક પ્રતિસાદ સાંપડ્યો હતો. લકુલિશ યોગ યુનિવર્સિટીના ઈન્સ્ટ્રક્ટરો – શ્રીમતી અંજુ લાલાણી અને શ્રી પરાગ બ્રહ્મભટ્ટ તરફથી જીટીયુના સ્ટાફને ગત દસમીથી વીસમી જૂન દરમિયાન યોગની તાલીમ આપવામાં આવી હતી. તેઓએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે પણ માર્ગદર્શન આપ્યું હતું. જીટીયુના ઈન્ચાર્જ રજીસ્ટ્રાર શ્રી જે.સી.લિલાણી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા. જીટીયુના ડાયરેક્ટરો – ડૉ. નિધિ અરોરા અને ડૉ. પંકજરાય પટેલે કાર્યક્રમને સફળ બનાવવા બદલ બધાનો આભાર માન્યો હતો. કાર્યક્રમનું સંચાલન જીગ્નાસા આચાર્ય અને ઉષ્મા સંઘવીએ કર્યું હતું.

Comments


bottom of page